વિધાનસભા : ભારતમાં રાજ્યની ધારાસભાનું પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ. ભારતના બંધારણમાં ‘સંઘ’ શબ્દપ્રયોગ દ્વારા સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સરકારો તરીકે કાર્ય કરે છે. સમવાયતંત્રનાં ઘટક રાજ્યો તરીકે પ્રત્યેક એકમ રાજ્યની સરકાર ધારાસભા ધરાવે છે. રાજ્યોની ધારાસભા તેની ઇચ્છાનુસાર એકગૃહી કે દ્વિગૃહી હોઈ શકે. આ અંગેનો નિર્ણય જે તે રાજ્ય સરકારે કરવાનો હોય છે. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા તરીકે ઓળખાય છે, તેનું ઉપલું ગૃહ વિધાન-પરિષદ નામથી ઓળખાય છે.
વિધાનસભાના સભ્યો રાજ્યની પ્રજા દ્વારા પુખ્તવયમતાધિકારને આધારે સીધી ચૂંટણીથી ચૂંટાય છે. વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. બંધારણની કલમ 188માં ઠરાવ્યા મુજબ ચૂંટાયેલા સભ્યો જ્યારે વિધાનસભાના સભ્ય તરીકે સોગંદ લે ત્યારથી તેઓ અધિકૃત રીતે વિધાનસભ્ય બને છે, તેમને સભાગૃહમાં હાજરી આપી ગૃહના કામકાજમાં ભાગ લેવાનો અધિકાર સાંપડે છે. રાજ્યના રાજ્યપાલ બંધારણના નિયમોને અધીન રહીને નિશ્ચિત મુદતથી પહેલાં તેનું વિસર્જન કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 25 વર્ષ કરતાં વધુ વય ધરાવતી હોવી જોઈએ, સરકારી હોદ્દો ન ધરાવતી હોય તેમજ દેવાળિયાપણું જાહેર કરેલું ન હોય. વિધાનસભામાં ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 500 સભ્યો હોઈ શકે.
વિધાનસભ્યો ગૃહના ચૂંટાયેલા સભ્યોમાંથી અધ્યક્ષને ચૂંટે છે. આ અંગે પરંપરા એવી છે કે બહુમતી પક્ષનો નેતા એક નિષ્પક્ષ અને તટસ્થ સભ્યને અધ્યક્ષપદની ઉમેદવારી માટે ઘોષિત કરે ત્યારપછી ઔપચારિક સંમતિ મેળવીને અધ્યક્ષ ઘોષિત થાય છે. નાયબ અધ્યક્ષની નિમણૂક માટે આવી જ પરિપાટી સ્વીકારાયેલી છે. અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ પાંચ વર્ષની મુદત માટે ચૂંટાય છે. તેમને ગૃહના સભ્યોની બહુમતીએ કરેલા ઠરાવ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય, અન્યથા નહિ. તેમનું કાર્ય ગૃહની તમામ કાર્યવહીનું સંચાલન કરવાનું છે. ગૃહમાં રજૂ થતા ખરડાઓ બહુમતીથી પસાર થાય પછી વિધાન-પરિષદ(જો હોય તો)ની મંજૂરી મળ્યા બાદ રાજ્યપાલના સહીસિક્કા થયા બાદ ખરડો કાયદામાં રૂપાંતર પામે છે. ખરડો કાયદો બનવાની પ્રક્રિયા અનુસાર તે પ્રથમ, બીજા અને ત્રીજા વાચનને અંતે રાજ્યપાલની સંમતિથી કાયદાનું રૂપ ધારણ કરે છે.
રાજ્યની વિધાનસભાઓ ભારતના બંધારણે વ્યક્ત કરેલી રાજ્યયાદીના બધા જ વિષયો પર કાયદા ઘડી શકે છે. એ જ રીતે બંધારણમાં દર્શાવાયેલી સંયુક્ત યાદીના વિષયો અંગે તે કાયદા ઘડી શકે છે; પરંતુ સંયુક્ત યાદીના વિષય અંગે કાયદા ઘડવાનો અધિકાર સંપૂર્ણ નથી. સંયુક્ત યાદીના વિષયો અંગે ઘડેલા ખરડા ગૃહ મંજૂર કરે ત્યારબાદ તેના પર ભારતના રાષ્ટ્રપ્રમુખની સહી મેળવવી આવશ્યક હોય છે. દેશની અંદર કટોકટીની જાહેરાત ચાલુ હોય ત્યારે કેન્દ્ર સરકારની સંસદ રાજ્ય-યાદીના વિષયો અંગે કાયદા ઘડી શકે છે. આમ કાયદા ઘડવાની કાર્યવહી વિધાનસભાની સૌથી મહત્વની કામગીરી છે. તદુપરાંત વિધાનસભા દેશના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ટાણે રાજ્ય વતી મતદાર મંડળ તરીકે કાર્ય કરી પ્રમુખની ચૂંટણીમાં ભાગ લે છે. વિધાનસભાનો બહુમતી પક્ષ મંત્રીમંડળની રચના કરે છે. સમગ્ર મંત્રીમંડળ વિધાનસભા પ્રત્યે સંયુક્ત જવાબદારી ધરાવે છે. વિધાનસભા મંત્રીમંડળ અંગે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરે તો સરકારે રાજીનામું આપવું પડે છે. તે પછી સમય અને સંજોગો અનુસાર નવું મંત્રીમંડળ રચાય છે અથવા નવી ચૂંટણીઓ આવી પડે છે. વધુમાં નાણાખરડા અને અંદાજપત્ર મંજૂર કરવાનું કાર્ય તેની કાર્યવહીનો અગત્યનો ભાગ છે.
વિધાનસભાની કાર્યસાધક સંખ્યા બંધારણની કલમ 189(3) અન્વયે ગૃહની કુલ સભ્યસંખ્યાના એક દશાંશ ભાગની ઠરાવવામાં આવેલ છે. કાર્યસાધક સંખ્યાના અભાવે ગૃહનું કામકાજ મુલતવી રાખવામાં આવે છે.
વિધાન-પરિષદની તુલનામાં વિધાનસભા વધુ શક્તિશાળી છે.
રક્ષા મ. વ્યાસ