વિદ્યુત ધાતુકર્મ (electrometallurgy)
February, 2005
વિદ્યુત ધાતુકર્મ (electrometallurgy) : કાચી ધાતુ(ore)માંથી ધાતુ મેળવવા કે ધાતુના વધુ શુદ્ધ સ્વરૂપ (refining) માટે વપરાતી વીજપ્રક્રિયાઓ અથવા તો વીજદ્રાવણ કે વીજપૃથક્કરણ ક્રિયાઓ. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની ઘણીખરી ક્રિયાઓમાં કાચી ધાતુને ખાસ તૈયાર કરેલ દ્રાવણમાં રાખી તેને વીજઅસરમાં લાવવામાં આવે છે(electrolyzed). આમ કરવાથી (દ્રાવણમાં વીજપ્રવાહ પસાર કરવાથી) ઋણધ્રુવ (કૅથોડ) ઉપર શુદ્ધ ધાતુનું નિક્ષેપન (deposition) થાય છે. આ રીતે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મળે છે. તાંબું (copper), કૅડમિયમ, કોબાલ્ટ, ક્રોમિયમ, મૅંગેનીઝ, નિકલ અને ઝિંક ધાતુઓ આ રીતથી મળે છે.
અમુક ધાતુઓ માટેની કાચી ધાતુઓ તે ધાતુના ઑક્સાઇડ સ્વરૂપમાં હોય છે. આવી ધાતુઓમાં ઍલ્યુમિનિયમ, બેરિલિયમ, કૅલ્શિયમ, લિથિયમ, મૅગ્નેશિયમ અને સોડિયમ મુખ્ય છે. વીજનો ઉપયોગ કરી આ ધાતુ ઑક્સાઇડનું વિઑક્સીકરણ (reduction) કરી ધાતુ મેળવાય છે. આ રીતમાં વીજપ્રવાહની વીજરાસાયણિક અસરનો ઉપયોગ થાય છે.
ઉપર જણાવેલ બે રીતો ઉપરાંત ઇલેક્ટ્રૉપ્લેટિંગ એટલે કે વીજઢોળની રીત પણ અમુક ધાતુ મેળવવા માટે વપરાય છે. આ રીતમાં ઓછી કિંમતવાળી (less valuable) ધાતુના બેઝ ઉપર કીમતી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે. ચાંદીનો ઢોળ (silver deposition) આનું ખાસ ઉદાહરણ છે.
વીજધાતુકર્મમાં ધાતુ મેળવવા માટે કે ધાતુના શુદ્ધીકરણ માટે વપરાતી વીજભઠ્ઠીઓના ઉપયોગનો પણ સમાવેશ થાય છે. સ્ટીલ બનાવવા તેમજ તેના શુદ્ધીકરણ માટે વપરાતી વીજભઠ્ઠીઓ આનું ઉદાહરણ છે.
ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ