વિજયાપુરી : આંધ્રપ્રદેશના નાલગોન્ડા જિલ્લામાં આવેલું પ્રવાસ-મથક. ભૌગોલિક સ્થાન : નદીમનુર તાલુકાનું મહત્વનું ગણાતું આ નગર 16° 52´ ઉ. અ. અને 79° 35´ પૂ. રે. પર આવેલું છે.

વિજયાપુરીથી ઉત્તરે વહેતી કૃષ્ણા નદીની ઉત્તર તરફ નાગાર્જુનસાગર બંધ(જળાશય)નું નિર્માણ કરવામાં આવેલું છે. બંધ અહીંથી નજીક આવેલો હોવાથી તેને નિહાળવા અનેક પ્રવાસીઓની અવરજવર રહે છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર તરફથી અહીં આરામગૃહો અને હોટેલો પૂરતા પ્રમાણમાં ઊભાં કરવામાં આવેલાં છે. નાગાર્જુનસાગર બંધનું બાંધકામ 1956માં શરૂ કરવામાં આવેલું, જે 1965માં પૂર્ણ થયેલું છે. આ બંધ નન્દીકોન્ડા નામના સ્થળ ખાતે આવેલો છે. અહીંના જળાશયમાં કુલ 11,558.7 મિલિયન ઘનમીટર જેટલા જળરાશિનો સંચય થઈ શકે છે. અહીંનો આ વિશાળ જળરાશિ જોવા વર્ષભર ઘણા પ્રવાસીઓની અવરજવર રહે છે.

નીતિન કોઠારી