વિજયન્, એ.
February, 2005
વિજયન્, એ. (જ. 22 ફેબ્રુઆરી 1944, ચૂલુર, કોળિકોડ, કેરળ) : મલયાળમ બાલસાહિત્યના લેખક. તેમણે કોળિકોડમાં સરકારી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામગીરી કરી.
તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમનાં બાળકો માટેના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રન્ડુ મુઘન્ગલ’ (1972); પટ્ટમ્ પરપ્પિકન્ના કુરંગન્ (1983), ‘કથામાધુરી’(1985)નો સમાવેશ થાય છે; જ્યારે ‘પૂતિરી’ (1975), ‘માઝાવિલ્લુ’ (1985) તેમના કાવ્યસંગ્રહો છે અને ‘ઉત્સવમ્’ (1975), ‘કુરુવી ગોપી’ (1979), ‘પૂચા કુટ્ટિકાલ’ (1984), ‘કિનિયુડે કથા’ (1992), ‘પક્ષીકૂડુ’ (1994) તેમની બાળકો માટેની નોંધપાત્ર નવલકથાઓ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1981માં કેરળ સરકાર બાલસાહિત્ય ઍવૉર્ડ, 1990માં કેરાળી ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ ઍવૉર્ડ, 1992માં ચેરુકડ સ્મારક ટ્રસ્ટ ઍવૉર્ડ અને 1995માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા