વિચરણ-વિશ્લેષણ (variance-analysis) : ઉત્પાદિત વસ્તુની પ્રમાણ-પડતર (standard cost) અને વાસ્તવિક પડતર(actual cost)ના તફાવત/વિચરણનાં કારણો શોધવાની હિસાબીય (accounting) પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. થયેલા નાણાકીય વ્યવહારોને નામું નોંધે છે અને તેનાં અર્થઘટન કરે છે. નામું, આમ વ્યવસ્થિત રીતે નોંધાયેલો, નાણાકીય ઇતિહાસ છે. આ ઇતિહાસ અને નિયત કરેલા ભાવિમાંનાં પરિવર્તનોની આગાહી ભેગા થઈને ભાવિ ઉત્પાદન-પ્રક્રિયાની કેટલી પડતર આવશે તેમજ કેટલી અને કેવી પ્રવૃત્તિઓ થશે તે અંક સ્વરૂપે નક્કી કરવામાં આવે છે. નિયત કરેલું ભાવિ આવતા એક વર્ષનું પણ હોય કે સંચાલકને જરૂર લાગે તે પ્રમાણે વધતા-ઓછા સમયગાળાનું પણ હોઈ શકે. ભૂતકાળ અને વર્તમાનકાળમાં પરિવર્તનના જે સંકેતો મળે અને તેમાંથી સંચાલક જે સમજી શકે તેના આધારે ભાવિ પરિવર્તનની આગાહી થાય છે. સંકેતો જાણવા અને સમજવા માટે તેના નિષ્ણાતોની સેવા લઈ શકાય. ગાણિતિક અને અંકશાસ્ત્રીય પદ્ધતિઓ તેમજ અર્થશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો વડે ભાવિ પરિવર્તનો જાણી અને સમજી શકાય. હિસાબોની વિગતો અને આગાહી વડે ભાવિ નિયત સમયનું થતું પડતર-નિર્ધારણ પ્રમાણ-પડતરથી ઓળખાય છે. ઉત્પાદન થયા બાદ પડતરના વાસ્તવિક આંકડા મેળવવામાં આવે છે. પ્રમાણ-પડતર સાથે વાસ્તવિક પડતરની સરખામણી કરતાં જો તફાવત માલૂમ પડે તો તેવા તફાવતને વિચરણથી ઓળખવામાં આવે છે.
પ્રમાણ-પડતરની જેમ સમગ્ર ધંધાકીય એકમ કે સંસ્થાની ભાવિ પ્રવૃત્તિઓને આંકડામાં અને ખાસ કરીને નાણા-સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તેને અંદાજપત્રથી ઓળખવામાં આવે છે. અંદાજપત્રમાંના આંકડા પ્રમાણ હોય છે. એની સાથે વાસ્તવિક વ્યવહારના આંકડા સરખાવવામાં આવે છે. જો તફાવત આવે તો તે પણ વિચરણ કહેવાય છે. વિચરણનાં કારણો શોધવાની પ્રક્રિયા વિચરણ-વિશ્લેષણથી ઓળખવામાં આવે છે.
અંદાજિત પરિણામ (budgeted result) અને નિષ્પન્ન પરિણામ-(performance result)ના તફાવતનાં કારણો શોધવા માટે હિસાબી પ્રશાખાએ વિકસાવેલી આ વિચરણ-વિશ્લેષણ પ્રક્રિયાને બદલે સંચાલન(management)-પ્રશાખાએ એક અન્ય પ્રક્રિયા પણ વિકસાવી છે. તેને વિચલન-વિશ્લેષણ (deviation analysis) કહેવામાં આવે છે. તે પ્રક્રિયા અનુસાર અંદાજિત પરિણામ અને નિષ્પન્ન પરિણામ બંને સરખાં અથવા લગભગ સરખાં હોય તો સંચાલક નિષ્પન્ન પરિણામથી સંતોષ અનુભવે છે, કારણ કે ઉત્પાદનના પ્રત્યેક તબક્કાઓનાં પરિણામની સંખ્યા અગણિત હોય છે અને સંચાલકની પાસે અલગ અલગ પ્રત્યેક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય હોતો નથી. પરંતુ જો પરિણામમાં વિષમતા જણાય તો સંચાલક તેને અપવાદનો બનાવ ગણીને તેના ઉપર તરત જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આવાં વિષમ પરિણામોની સંખ્યા નજીવી હોય છે; તેથી સંચાલકના કામનો બોજો ઘટે છે. વિચલન-વિશ્લેષણ કરવાની આ પદ્ધતિ સંચાલકીય અપવાદ(management by exception)ના સિદ્ધાંત તરીકે ઓળખાય છે, પરંતુ આ સિદ્ધાંત હિસાબીય વિચરણ-વિશ્લેષણને લાગુ પાડવામાં આવતો નથી, કારણ કે અંદાજિત પડતર અને વાસ્તવિક પડતરમાં આભાસી નગણ્ય વિચરણ ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે. પડતરમાં મુખ્યત્વે કાચો માલ, અન્ય પદાર્થો, શ્રમ અને શિરોપરિ ખર્ચાનો સમાવેશ થાય છે. અંદાજપત્રમાં સંસ્થા અનુસાર આવકના જુદા જુદા સ્રોતો અને ખર્ચનાં જુદાં જુદાં મથાળાંનો સમાવેશ થાય છે.
વિચરણ-વિશ્લેષણમાં પડતર તેમજ અંદાજપત્ર દરેકના પેટા-વિભાગોને તપાસવામાં આવે છે. પ્રત્યેક પેટા-વિભાગનાં પ્રમાણ નક્કી થયાં હોય છે. એ પ્રમાણોની સાથે વાસ્તવિક આંકડા સરખાવવામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે કુલ પ્રમાણ અને કુલ વાસ્તવિક આંકડા વચ્ચે તફાવત માલૂમ પડતો નથી. આથી, સંચાલક એવા ભ્રમમાં રહેવાની સંભવિતતા છે કે વિચરણ થયું નથી. આવો ભ્રમ થાય નહિ તે હેતુથી વિચરણ-વિશ્લેષણ હેઠળ પ્રત્યેક પેટા-વિભાગનું અલગ વિચરણ-વિશ્લેષણ કરાય છે. આમ કરવાથી કોઈ એક પેટા-વિભાગનું નરસું વિચરણ અને તે જ સમયે અન્ય પેટા-વિભાગનું બહેતર વિચરણ મળીને એકંદરે જે શૂન્ય અસર પેદા કરતાં હોય તેની જાણકારી મળે છે. સંચાલકને જો ‘સબ સલામત’નો ભ્રમ થયો હોય તો તે તૂટે છે. વિચરણ-વિશ્લેષણમાં નરસા વિચરણમાં જ માત્ર નહિ, પરંતુ બહેતર વિચરણનાં કારણો પણ તપાસવામાં આવે છે. આવું વિશ્લેષણ ઘણી વાર પ્રમાણ-પડતર અને અંદાજપત્ર-ઘડતરમાં જો ક્ષતિ રહી ગઈ હોય તો તેને પ્રકાશમાં લાવે છે. આમ, વિચરણ-વિશ્લેષણ સર્વદેશીય છે.
વિચરણ-વિશ્લેષણ વિચલન-વિશ્લેષણની જેમ સુધારાલક્ષી છે. વિચરણ-વિશ્લેષણ વિચરણનાં કારણો શોધી નરસાં કારણોને દૂર કરવાના અને બહેતરનાંને પ્રોત્સાહિત કરવાના ઉપાયો પણ સૂચવે છે. આમ, આ વિશ્લેષણો સંચાલનને સતત સુધારવા અને વધારે અસરકારક બનાવવા માટેનું એક જથ્થાલક્ષી સાધન છે.
સૂર્યકાન્ત શાહ