વિક્લો (Wicklow) : આયર્લૅન્ડના લિન્સ્ટર પ્રાંતનું રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આયર્લૅન્ડમાં પૂર્વ તરફ આવેલું છે તથા 53° 10´ ઉ. અ. અને 6° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 2,025 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ડબ્લિન, પૂર્વે આયરિશ સમુદ્ર અને સેંટ જ્યૉર્જની ખાડી, દક્ષિણે વૅક્સફૉર્ડ તથા પશ્ચિમે કારલો અને કિલડેર પરગણાના વહીવટી વિભાગો આવેલા છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : રાજ્યનો મોટો ભાગ પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. રાજ્યના અંતરિયાળમાં ઈશાન-નૈર્ઋત્ય દિશાની ઉપસ્થિતિવાળી વિક્લો પર્વતની હારમાળા આવેલી છે. આ હારમાળાના લુંગ્નાગ્વિલિયા પહાડી વિભાગમાં આવેલું સર્વોચ્ચ શિખર 926 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે આયર્લૅન્ડમાં ત્રીજા ક્રમે આવતું શિખર છે. આ હારમાળામાં ધોધ, સરોવરો અને ખીણો આવેલાં છે. તેમાં લૉઘ સરોવર મુખ્ય છે. એ જ રીતે ગ્લેન્ડાલૉઘ અને અવોકા ખીણો પણ જાણીતી છે. રાજ્યનો દરિયાકિનારો ખડકાળ અને ભેખડોવાળો છે. તે ઉત્તમ કક્ષાનો સમુદ્ર-કંઠાર-રેતપટ પણ ધરાવે છે. ગ્લેનક્રી અને ડારગલ અહીંની મુખ્ય નદીઓ છે. 300 મીટર જેટલી ઊંચાઈએ હિમઅશ્માવલીઓના ઢગ પણ જોવા મળે છે. રાજ્યમાં ઉનાળા(જુલાઈ-ઑગસ્ટ)નું તથા શિયાળા(જાન્યુઆરી-ફેબ્રુઆરી)નું તાપમાન અનુક્રમે 14° થી 16° સે. અને 7° થી 4° સે. જેટલું રહે છે. ઉનાળા પ્રમાણમાં હૂંફાળા રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : રાજ્યની ખીણો તેમજ નીચાણવાળા અન્ય વિસ્તારોમાં નાનાં ખેતરો આવેલાં છે, જ્યાં મોટેભાગે ઓટ અને બટાટાની ખેતી વિશેષ લેવાય છે; પરંતુ જ્યાં મિશ્ર ખેતી લેવાય છે ત્યાં ઘઉં, જવ અને ઓટની ખેતી થાય છે. પહાડી ઢોળાવો પર ઘેટાં-બકરાં અને ઘોડાની પશુપાલન-પ્રવૃત્તિ ચાલે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ, ચૂનાખડકો, લાવાના ખડકો તથા અબરખ, સીસા અને તાંબાનાં ખનિજોની ખાણો આવેલી છે. અહીં આવેલા નાના-મોટા જળધોધમાંથી જળવિદ્યુત મેળવાય છે. રાજ્યમાં વીજાણુયંત્રો, ખાતરો, બીફ અને માંસ, ખાદ્ય પદાર્થો, ડેરી, ઔષધિઓ અને પ્લાસ્ટિકના તેમજ લાકડાં વહેરવાના એકમો આવેલા છે. રાજ્યમાં રેલ અને સડકમાર્ગોનો વિકાસ વધુ થયેલો છે. રાજ્યનું સૃદૃષ્ટિસૌંદર્ય માણવા અહીં ઘણા પ્રવાસીઓ આવે છે; આ રાજ્ય ‘આયર્લૅન્ડના બગીચા’ તરીકે ઓળખાય છે. પ્રવાસન-ઉદ્યોગ પૈકી અહીં હોટેલ-ઉદ્યોગનો વિકાસ સારો થયેલો છે. અહીં શહેરી વિકાસ થયેલો જોવા મળે છે. મુખ્ય શહેરોમાં વિક્લો, આર્કલો, બ્રાય અને પોલ્લાફુકાનો સમાવેશ થાય છે. રાજ્યની કુલ વસ્તી 98,000 (2000) જેટલી છે.
નીતિન કોઠારી