વિક્રમ સારાભાઈ (જ. 12 ઑગસ્ટ 1919, અમદાવાદ; અ. 31 ડિસેમ્બર 1971, કોવલમ [ત્રિવેન્દ્રમ]) : ભારતના પરમાણુ અને અવકાશયુગની તાસીર બદલનાર ભૌતિકવિજ્ઞાની; ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ કાપડ ઉદ્યોગ સંશોધન સંગઠન (ATIRA), ભારતીય પ્રબંધન સંસ્થા (IIM) તથા સામાજિક વિજ્ઞાન કેન્દ્ર (CSC) જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના સર્જક; પ્રગતિશીલ ઉદ્યોગપતિ; કલા, વિજ્ઞાન અને શિક્ષણનો સમન્વય સાધનાર મેધાસંપન્ન દ્રષ્ટા.

બાળપણ અને શિક્ષણ : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈને ત્યાં માતા સરલાદેવીના કૂખે વિક્રમભાઈ જન્મ્યા. યોગ્ય પારિવારિક વાતાવરણ મળી રહેતાં એમની પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી.

અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને ઘરશાળા(ખાનગી શાળા)માં દેશ-વિદેશના નિષ્ણાત શિક્ષકો પાસેથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1937માં ઇન્ટર સાયન્સ પૂરું કરીને કેમ્બ્રિજ(યુ.કે.)ની સેન્ટ જૉન્સ કૉલેજમાં જોડાયા. 1939માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે સ્નાતકની ઉપાધિ (Tripos) પ્રાપ્ત કરી. એ પછી અનુસ્નાતક પદવી માટે શરૂઆત કરી; પરંતુ 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાષ્ટ્રો યુદ્ધની પ્રવૃત્તિમાં પરોવાતાં સંશોધન યુદ્ધલક્ષી બન્યું. શુદ્ધ સંશોધન સ્થગિત થતાં વિક્રમભાઈ ઇંગ્લૅન્ડથી સ્વદેશ પાછા આવ્યા.

વિક્રમ સારાભાઈ

ભારત પાછા આવી તેમણે બૅંગાલુરુની વિખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(I.I.Sc)માં નોબેલ પુરસ્કારવિજેતા સર સી. વી. રામનના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક અભ્યાસ આગળ ધપાવ્યો. વિક્રમભાઈ તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પ્રો. રામનના માર્ગદર્શન હેઠળ અભ્યાસ પૂર્ણ કરવાની વિશિષ્ટ સંજોગોમાં પરવાનગી આપી. આ સંસ્થામાં યોગાનુયોગ ડૉ. હોમી ભાભાની મુલાકાત થઈ. અહીં તેમણે બ્રહ્માંડકિરણો (cosmic rays) ઉપર અનુસ્નાતક સંશોધન ચાલુ રાખ્યું.

1942માં ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના સામયિકમાં પ્રથમ વિજ્ઞાન-સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો. આ વર્ષે તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન કર્યું.

1945માં સંશોધન માટે કેમ્બ્રિજ પાછા ગયા. 1947માં બ્રહ્માંડ-કિરણોના ક્ષેત્રે સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી, ભારત પાછા આવ્યા. ત્યાર બાદ ઔદ્યોગિક વિકાસ અને સંશોધનપ્રવૃત્તિઓ એકસાથે શરૂ કરી.

ઉદ્યોગપતિ તરીકે : ઔદ્યોગિક ક્ષેત્રે વિક્રમભાઈનો અભિગમ માનવીય, લોકહિતેષી અને ઔદાર્યપૂર્ણ રહ્યો હતો. વિક્રમભાઈ જીવનસંઘર્ષથી દૂર રહે તેવા ન હતા. વળી એકદંડિયા મહેલ(Ivory tower)ના વિજ્ઞાની ન હતા. તેમને મન વિજ્ઞાની તો એ છે જ્યાં તે ઊભો હોય ત્યાં પ્રયોગશાળા આકાર લે, અને શિક્ષક એ છે જ્યાં એ ઊભો હોય ત્યાં યુનિવર્સિટી આકાર લે.

1950થી 1966ના દોઢ દાયકા દરમિયાન તેમણે સંખ્યાબંધ ઉદ્યોગોની સ્થાપના કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી; જેમ કે વડોદરા ખાતે સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ ગ્લાસ વર્કસ, સુહૃદ ગાયગી લિમિટેડ, સિમ્બાયૉટિક લિમિટેડ, સારાભાઈ મર્ક લિમિટેડ, સારાભાઈ એન્જિનિયરિંગ ગ્રૂપ વગેરે. મુંબઈની સ્વસ્તિક ઑઇલ મિલ તેમણે પોતાને હસ્તક લીધી. કોલકાતાની સ્ટાન્ડર્ડ ફાર્માસ્યૂટિકલ લિમિટેડ કંપનીની વ્યવસ્થા પોતાના હસ્તક લઈ પેનિસિલીન તેમજ અન્ય ઔષધોનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું. કુદરતી અને કૃત્રિમ (synthetic) ઔષધીય ઉત્પાદનોની ચીવટભરી તપાસ માટે વડોદરા ખાતે સારાભાઈ રિસર્ચ સેન્ટરની 1960માં સ્થાપના કરી. તેમણે 1957માં અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિયેશન (AMA) અને 1961માં વડોદરા ખાતે ઑપરેશન રિસર્ચ ગ્રૂપ(ORG)ની સ્થાપના કરી. ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગના અગ્રગણ્ય ભારતીય ઉદ્યોગપતિઓમાં વિક્રમભાઈ અગ્રેસર હતા. ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગમાં ઇલેક્ટ્રૉનિક માહિતી-પ્રક્રિયા (electronic data processing) અને પ્રચાલન સંશોધન ટેક્નીક(operation research technique)ની તેમણે શરૂઆત કરી. ઉદ્યોગના વિકાસ માટે દરેક પ્રકારની વિકાસ-પ્રવૃત્તિમાં તેમણે સ્વદેશીપણાના ખ્યાલને કેન્દ્રમાં રાખ્યો હતો. વિક્રમભાઈ ઉદ્યોગનિષ્ણાતો પ્રત્યે અનહદ આદર ધરાવતા હતા. કોઈ પણ નિષ્ણાત વિશ્ર્વાસથી પ્રગતિશીલ યોજના રજૂ કરે ત્યારે તેઓ સાદર સ્વીકારી લેતા. ટૂંકી પ્રત્યક્ષ મુલાકાત કે વાર્તાલાપ બાદ તે માણસની શક્તિનો સચોટ અંદાજ કાઢી શકતા હતા. ટેક્સટાઇલ્સ ટેક્નિશિયન એસોસિયેશને વિક્રમભાઈને 1956માં તેમની સંસ્થાના પ્રમુખ બનાવ્યા.

સુધારાલક્ષી પરિવર્તન સહિત સંસ્થાના સ્થાપક તરીકે અટિરાનું સર્જન એ વિક્રમભાઈનો પ્રથમ અનુભવ હતો. આ સંસ્થાના સર્જક તરીકે લોકોને તેમની ઓળખ મળી. પ્રારંભથી 1956 સુધી વિક્રમભાઈ અટિરાના માનાર્હ નિયામક રહ્યા. સામાજિક તથા આર્થિક સમસ્યાઓનું નિવારણ કરીને એક ક્રાંતિકારી સંચાલકની ભૂમિકા અદા કરી. આ સમયે ભારતમાં વિવિધ ઉદ્યોગો માટે પૂરતાં સંસાધનો ન હતાં, વળી પારંપરિક કાર્ય-વિધિઓ અને રૂઢિચુસ્ત વ્યવસ્થાપન હતાં. ઉદ્યોગોમાં અમલદારશાહી, કાલગ્રસ્ત પદ્ધતિઓ અને જૂની-પુરાણી યંત્રસામગ્રીને કારણે ગુણવત્તા અને ઉત્પાદકતાનું ધોરણ નિમ્ન હતું. આવી પરિસ્થિતિમાંથી ઉદ્યોગોને બહાર લાવી વિક્રમભાઈએ તેમને અદ્યતન બનાવ્યા અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી.

વિજ્ઞાની વિક્રમભાઈ : બ્રહ્માંડ કિરણોને લગતાં સંશોધન અને અભ્યાસને કારણે વિક્રમભાઈને એ ફાયદો થયો કે તેમનામાં આંતરગ્રહીય અવકાશ (interplanetary space), સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધો અને ભૂ-ચુંબકત્વ(geo magnetism)ના અભ્યાસ પ્રત્યે રસ જાગ્રત થયો. પરિણામે તેમણે ‘Time distribution of cosmic rays’’ ઉપર પ્રથમ સંશોધન-લેખ પ્રસિદ્ધ કર્યો. ત્યારબાદ ‘‘Cosmic ray intensity in tropical latitude’’ ઉપર મહાનિબંધ તૈયાર કર્યો, જેને માટે તેમને પીએચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી. તે પછી યુરેનિયમ-238Uના ફોટોવિભાજન માટે આડછેદનું ચોક્કસ માપન કર્યું. વિક્રમભાઈએ તૈયાર કરેલા કિરણમાપકની મદદથી બ્રહ્માંડ-કિરણોની ઉત્પત્તિનું રહસ્ય શોધી કાઢવા માટે તેમણે સંશોધનકાર્ય આગળ ધપાવ્યું. તેમણે દિશા સાથે તેમજ સમય સાથે બ્રહ્માંડ-કિરણોની તીવ્રતા માપવાનો પ્રયત્ન કર્યો.

બૅંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં વિક્રમભાઈએ તૈયાર કરેલ મૅસોન ટેલિસ્કોપ વડે બૅંગલોર અને પુણેમાં પ્રયોગો કર્યા. ત્યારબાદ 1943માં કાશ્મીરના ગુલમર્ગ પાસે 3,962 મીટરની ઊંચાઈએ આવેલા એક શિખર ઉપર બ્રહ્માંડ-કિરણોની તીવ્રતા મેળવી. આ પ્રયોગોને આધારે દિવસ દરમિયાન બ્રહ્માંડ-કિરણોની તીવ્રતામાં થતી વધઘટનો તેમણે પદ્ધતિસર અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિક સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો.

દેશમાં વિજ્ઞાન અને ટેક્નૉલોજીના ઉત્કર્ષ માટે સંશોધનભૂમિકાની આવદૃશ્યકતા સમજાતાં વિજ્ઞાનના વ્યાપક વિકાસ માટે સંસ્થાઓના સર્જનની શરૂઆત ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ની સ્થાપનાથી કરી. બ્રહ્માંડ-કિરણોની તીવ્રતા માટે પ્રયોગોની વ્યવસ્થા ઊંડી ખીણોમાં, દરિયાની સપાટીની ઊંચાઈએ તથા પર્વતો ઉપર કરવાની રહે છે. આથી વિવિધ હેતુઓની પરિપૂર્ણતા માટે કાશ્મીરમાં ગુલમર્ગ, માઉન્ટ આબુ અને ઉદેપુર ખાતે સૌર પ્રયોગશાળા, દક્ષિણમાં ઉટ્ટી, કોડાઈકેનાલ અને ત્રિવેન્દ્રમ્ તથા બોલિવિયામાં ચાકલ્ય્યા ખાતે એક એક એવાં કેટલાંક પેટામથકો ઊભાં કરવામાં આવ્યાં.

વિશ્વના નકશા ઉપર સ્થાન-પ્રાપ્ત પીઆરએલ વિક્રમભાઈના સ્વપ્ન, ધૈર્ય, વિચાર, વિશ્ર્વાસ અને દૃષ્ટિનું જીવતુંજાગતું પ્રમાણ છે. સંશોધનક્ષેત્રે પરિશ્રમને પરિણામે વિક્રમભાઈ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની તરીકે ખ્યાતિ પામતાં ‘‘Cosmic ray intensity variation’’ની આંતરરાષ્ટ્રીય સમિતિના મંત્રીપદે નિયુક્ત થયા. આ સાથે સાથે શુદ્ધ અને પ્રયુક્ત ભૌતિકવિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય સંગઠન-‘‘Cosmic ray Commission’’ના સભ્ય બન્યા.

તેમની દીર્ઘ દૃષ્ટિ અને જાગૃતિને કારણે 1969માં પરમાણુ ઊર્જા વિભાગ અંતર્ગત ભારતીય અવકાશ સંશોધન-સંસ્થા(ISRO)ની રચના કરવામાં આવી, જેના તેઓ અધ્યક્ષ રહ્યા. તેમના અથાક પ્રયત્નોથી તેમણે કન્યાકુમારીથી કાશ્મીર વચ્ચે સમગ્ર દેશમાં અવકાશ-સંશોધનને પૂરક બને તેવાં વીસેક કેન્દ્રો(સંસ્થાઓ)નું નિર્માણ કર્યું. આ રીતે જેમ ડૉ. ભાભા ભારતના પરમાણુયુગના પિતા તરીકે ઊભર્યા તેમ વિક્રમભાઈ અવકાશયુગના પિતા તરીકે ઊપસ્યા. અવકાશક્ષેત્રે સંશોધન કરવાની તેમની પહેલ અને પ્રયત્નોની સ્મૃતિ કાયમ કરવા માટે ત્રિવેન્દ્રમ્ ખાતેના ઉપગ્રહ-પ્રણાલી વિભાગ(Satellite System Division – SSD)ને વિક્રમ સારાભાઈ અવકાશ-સંશોધન કેન્દ્ર (VSSC) નામ આપવામાં આવ્યું.

ઉપગ્રહ વડે શૈક્ષણિક દૂરદર્શન-પ્રયોગ(Satellite Instructional Television Experiment – SITE)નું આયોજન વિક્રમભાઈની યોગ્ય યાદગીરી છે. ભારતના લાખો-કરોડો લોકોને ટેલિવિઝન દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય તેવો તેમનો હેતુ અક્ષરશ: પાર પડ્યો છે.

પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ ડૉ. હોમી ભાભાના આકસ્મિક અવસાન બાદ તે અધ્યક્ષપદ વિક્રમભાઈને ફાળે આવ્યું. તેમનાં જ્ઞાન, અનુભવો અને સંબંધોનો ઉપયોગ કરીને આ વિભાગને પૂર્ણ કદનો બનાવવા માટે, તેને પૂરક બને તેવાં ચાલીસેક પેટાકેન્દ્રો અને સંસ્થાઓનું સંકલન કર્યું.

અટિરાના નિયામક, પરમાણુ-ઊર્જા પંચના અધ્યક્ષ, અને અન્ય સંસ્થાઓના અનુભવને કારણે તેમને જણાયું કે ઉપયોગી કાર્ય ઉત્તમ રીતે કરી શકે તેવા લોકોની જરૂર છે. આવા લોકો તૈયાર કરવા માટે સબળ સંસ્થા આવદૃશ્યક છે. આથી તેમણે પોતાના સંબંધોનો ઉપયોગ કરી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટની સ્થાપના કરી. આ સંસ્થાના શિક્ષણથી ઔદ્યોગિક એકમોમાં વ્યવહારુ શૈક્ષણિક વિચારધારાનો સ્વીકાર થવા લાગ્યો.

રાષ્ટ્રમાં ચાલતી પ્રવૃત્તિઓના સંદર્ભમાં બૅંકિંગ, કૃષિ-શિક્ષણ, મનોવિજ્ઞાન, માનવ-સમાજ અને સરકારી-તંત્ર માટે વિવિધ શાખાઓના અભ્યાસનો પ્રબંધ આઈ.આઈ.એમ.માં કરવામાં આવ્યો છે. ભારતના કૃષિ અને તેને લગતા ઉદ્યોગનું મહત્વ વિક્રમભાઈ બરાબર અને વેળાસર સમજી ગયા હતા. આથી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં કૃષિ-ઉદ્યોગ ઉપર કાર્ય કરતા અભ્યાસીઓના જૂથની મદદથી આઈ.આઈ.એમ.માં કૃષિ અને કૃષિઉદ્યોગનો વિભાગ શરૂ કર્યો.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમ પ્રજાને ગણિત, ભૌતિક, જૈવ અને રસાયણવિજ્ઞાનના પાયાના ખ્યાલોની સમજ આપી પ્રોત્સાહિત કરવા તેમને આનુષંગિક સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદ ખાતે કમ્યૂનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના (રચના) કરી. વિજ્ઞાનવિકાસ અને શિક્ષણસુધારણાનો ખ્યાલ આ સંસ્થાનું પરમ લક્ષ્ય છે. દેશ-પરદેશની સંસ્થાઓ દ્વારા વિકસાવેલ અધ્યયન અને અધ્યાપનના નવા ખ્યાલો અને અભિગમના ફેલાવા માટે કમ્યૂનિટી સાયન્સ સેન્ટર સુદૃઢ કાર્યકારી પરિરૂપ પૂરું પાડે છે.

વિક્રમભાઈ શિક્ષક તરીકે : વિક્રમભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમનામાં ઉદ્યોગપતિ, શાસક, શિક્ષક, સરકારી અધિકારી અને કલાકારનાં કૌશલ્યો રહેલાં હતાં; પણ એ સૌના હાર્દરૂપ સાત્ત્વિક વ્યક્તિત્વ તો શિક્ષકનું જ હતું. કેટલીક સંસ્થાઓના સ્થાપન અને સંવર્ધનમાં વિક્રમભાઈનો ‘શિક્ષક-જીવ’ કામ કરતો હતો.

પી.આર.એલ.ના માનાર્હ નિયામક હોવાને કારણે ગુજરાત યુનિવર્સિટીના ધારા અન્વયે, તેઓ સેનેટ તથા સિન્ડિકેટના સભ્ય હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણમાં આધુનિકતા લાવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા હતા. યુનિવર્સિટી-તંત્રને વ્યાવહારિક અને અસરકારક બનાવવા, સંશોધનની રફતાર વધારવા અને આધુનિકતાનો અભિગમ અપનાવવા વિક્રમભાઈ તેમના વિચારો યુનિવર્સિટીમાં ભારપૂર્વક રજૂ કરતા. ગુજરાત યુનિવર્સિટીને શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને અદ્યતન બનાવવાના હેતુથી વિક્રમભાઈએ આ યુનિવર્સિટીના કુલપતિપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પણ તેમાં તેમને રૂઢિચુસ્ત પરિબળોએ સફળ થવા દીધા નહિ.

તબીબીક્ષેત્રે ન્યૂક્લિયર મેડિસિનની સંસ્થા ઊભી કરવા માટે તેમણે અમદાવાદની એલ. જી. હૉસ્પિટલના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ યોજના રજૂ કરી, બંનેને પૂરેપૂરા સમજાવ્યા, પણ તેમાંય તેમને સફળતા મળી નહિ.

વિજ્ઞાનક્ષેત્રે રચનાત્મક માહોલનું નિર્માણ કરવા તેમણે 1969માં ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓને પીઆરએલ ખાતે નિમંત્ર્યા. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે વિજ્ઞાનના શિક્ષણને અર્થપૂર્ણ તેમજ અદ્યતન બનાવવા તેમણે ઉપકુલપતિઓનો સહયોગ માગ્યો. 1971માં આવો જ બીજો પ્રયત્ન તેમણે કર્યો; પણ યુનિવર્સિટી કક્ષાએ અથવા સંશોધનક્ષેત્રે વિક્રમભાઈને ઝાઝો સહયોગ મળ્યો નહિ.

ભૌતિકશાસ્ત્રના શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે તેમને ભારે દિલચસ્પી હતી. ભૌતિકશાસ્ત્રને અસરકારક રીતે શીખવવાની મહત્વની પદ્ધતિઓ તેમણે સૂચવી. ગુજરાત યુનિવર્સિટીમાં તેનો અમલ કરવા આતુર હતા, પણ તેમાંયે સફળતા મળી નહિ.

અવકાશવિજ્ઞાનની શોધો વડે શહેર અને ગ્રામવિસ્તારમાં બાળકો, યુવાનો, પ્રૌઢોને શિક્ષણ આપી શકાશે તે બાબત તેઓ સુપેરે સમજી ગયા હતા. એટલે તેઓ ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રૉનિક્સ અથવા અવકાશવિજ્ઞાનની વાત કરતા હોય ત્યારે તેનું સાથોસાથ આયોજન પણ કરતા હતા. આ બધી બાબતોના કેન્દ્રમાં તો ‘શિક્ષણ’ જ રહેતું.

વિક્રમભાઈને મન શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહિ પણ સાચા અર્થમાં સાક્ષરતા, વિજ્ઞાન, ઉદ્યોગ અને વ્યવસ્થાપનમાં પારંગત હોવું તે હતું. તેઓ કલા-શિક્ષણના ચાહક, પ્રચારક અને પ્રણેતા હતા.

વિક્રમભાઈ ઉપનિષદનું અધ્યયન કરતા હતા. ઉપનિષદ મુજબ કોઈ પણ સત્ય કે અસત્ય સાપેક્ષ છે તથા સાપેક્ષવાદ મુજબ બધા જ પદાર્થોની ગતિ સાપેક્ષ છે. આ રીતે ઉપનિષદ અને સાપેક્ષવાદને એક ભૂમિકા ઉપર વિક્રમભાઈ લાવી શક્યા હતા.

વિક્રમભાઈ ઉપર પ્રો. રામન, ડૉ. ભાભા અને ગાંધીજીના સ્વદેશીપણા તથા સ્વનિર્ભરતાની ભારોભાર અસર હતી. આથી જ તેઓ ઉપનિષદ, સંસ્કૃત સાહિત્ય અને વિજ્ઞાનના અભ્યાસ પરત્વે સમર્પિત હતા. તેમાંથી તેમણે બોધ ગ્રહણ કર્યો હતો કે કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સત્તાઓનું વિકેન્દ્રીકરણ આવદૃશ્યક છે. એક શિક્ષક કે શાસક તરીકે તેમણે આ વિભાવનાને મૂર્તિમંત કરી છે.

વિરલ વ્યક્તિત્વ : વિક્રમભાઈ વિજ્ઞાનતત્વના સંનિષ્ઠ ઉપાસક, સત્યના ઉપાસક તથા માનવીય વ્યવહારોમાં ઉદાર હતા. તેમણે તેમના સદ્ગુણો વડે વિજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્ર(aesthetics)ને એકરૂપ કર્યા હતા. તેઓ ઉષ્માસભર અને સંવેદનશીલ માનવ હતા.

તેઓ દરરોજ 18થી 20 કલાક કામ કરતા હતા. તેઓ ઊંઘતા હોય ત્યારે તેમની આંખો બંધ હોય, પણ મગજ તો કામ કર્યા કરતું હતું. વિક્રમભાઈ કરતાં મોટા વિજ્ઞાનીઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા વ્યવસ્થાપકો, મોટા શિક્ષણવિદો અને મોટા કલા-ઉપાસકો ઘણા મળે, પણ આ બધાનો સમન્વય તો વિક્રમભાઈમાં જ જોવા મળે છે. આમ તેઓ જાજ્વલ્યમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. આટલી બધી વિવિધ પ્રવૃત્તિઓને ચાલુ રાખવા જરૂરી પ્રકાશ અને શક્તિ પૂરાં પાડવા વિક્રમભાઈને બે છેડે સળગતી મીણબત્તીની જેમ કાર્ય કર્યા સિવાય છૂટકો જ ન હતો. એવું કામ કરતાં છતાંય સદાય સ્મિત જ કરતા જોવા મળતા. વિક્રમભાઈનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. તેઓ કર્મયોગી હતા. વિક્રમભાઈને રાત્રે સ્વપ્ન આવે, સવારે આયોજન થાય અને સાંજે તેનો અમલ થાય. પરિણામે તેઓ સક્ષમ વિજ્ઞાનીઓનો કાફલો તૈયાર કરી શક્યા. પોતાની જાતને અંગત રીતે આગળ ધર્યા વિના બધેય તેમણે વિશિષ્ટ ઢબે કાર્ય કર્યું છે. કામદારો અને સાથીદારોનું કલ્યાણ તેમનો જીવન-મંત્ર હતો. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી દ્વારા વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે તેવો ઢ વિશ્ર્વાસ તેમણે સ્થાપિત કરી બતાવ્યો.

અસંખ્ય માન, ચાંદ, પદ અને પદકો તેમને મળ્યાં હતાં. ચંદ્રના ઉલ્કાગર્ત(crater)ને ડૉ. વિક્રમ સારાભાઈનું નામ આપવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ સંઘે નિર્ણય કરીને જાહેરાત કરી કે ચંદ્ર ઉપર શાંતિના સાગરમાં આવેલ ઉલ્કાગર્ત (BESSEL – Long (રેખાંશ), 20.0, 24.7) હવે પછી સારાભાઈ ઉલ્કાગર્ત (ક્રૅટર) તરીકે ઓળખાશે.

29 ડિસેમ્બરની રાત્રે ઈસરોના અતિથિ ગૃહ(ત્રિવેન્દ્રમ)માં તેમનું એકાએક હૃદય બંધ પડવાથી અવસાન થયું.

આ રીતે શાંતિદૂત વિક્રમભાઈને શાંતિના સાગર સાથે જોડીને તેમનું યથાર્થ બહુમાન કરાયું છે.

પ્રહલાદ છ. પટેલ