વિક્ટોરિયા નદી : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી લાંબામાં લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 15° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે.. તે હૂકર ખાડીથી ઉત્તરે આશરે 370 મીટરની ઊંચાઈએ આવેલી ટેકરીઓમાંથી નીકળે છે; ઉત્તર અને વાયવ્ય 560 કિમી.ના અંતર માટે તે પહાડી પ્રદેશમાં તથા નદીથાળામાં થઈને વહે છે. અહીંના દરિયાકાંઠાથી 481 કિમી.ને અંતરે, સમુદ્રસપાટીથી 150 મીટરની ઊંચાઈએ આ નદી આવેલી છે. ક્વીન્સ ખાડી ખાતે આવેલા 25 કિમી. પહોળા મુખભાગમાં થઈને તિમોર સમુદ્રને તે મળે છે. કેટલીક સહાયક નદીઓ તેને મળવાથી તેના કુલ સ્રાવ-વિસ્તારનું થાળું આશરે 70,090 ચોકિમી. જેટલું વિશાળ બની રહેલું છે. તે તેના ઉપરવાસમાં કેટલાંક મોટાં ગોચરોના પ્રદેશમાં થઈને પસાર થાય છે. નદીના હેઠવાસની 160 કિમી. જેટલી લંબાઈમાં ભરતીજળની અસર રહે છે. તે પૈકી મુખ નજીકના 80 કિમી.ના અંતર સુધીનો વિસ્તાર નૌકાઓની સફર માટે અનુકૂળ બની રહેલો છે.
ગ્રેટબ્રિટનનો કૅપ્ટન જે. સી. વિકહૅમ 1839માં અહીં આવેલો. 1837માં ગાદીનશીન થયેલી ઇંગ્લૅન્ડની તત્કાલીન મહારાણી વિક્ટોરિયાના માનમાં આ નદીને ‘વિક્ટોરિયા’ નામ અપાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા