વિક્ટોરિયા ધોધ : આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ઝામ્બેસી નદી પર તેના મૂળ અને મુખ વચ્ચે અર્ધે અંતરે આવેલો ધોધ.

વિક્ટોરિયા ધોધ

ઝામ્બેસી નદી આ સ્થળે 1.5 કિમી. પહોળી બને છે. ધોધના સ્થળે આ નદી તેની ઊંડી સાંકડી ખીણમાં એકાએક ખાબકે છે. જમણે કાંઠે તેની ઊંચાઈ 78 મીટર જેટલી, જ્યારે મધ્યમાં તે 105 મીટર જેટલી બની રહે છે. ધોધનાં પાણી 65 કિમી. લાંબા કોતરમાંથી વહી જાય છે. ઉપરથી નીચે ધસમસતાં પાણીને કારણે આજુબાજુ ધુમ્મસ છવાઈ જાય છે. આ દૃશ્ય ઘણે દૂરથી પણ દેખાય છે. વળી ઘણે દૂર સુધી તેનો ઘૂઘવતો અવાજ પણ સંભળાય છે. ધોધ નજીક તૈયાર કરાયેલા જળવિદ્યુત એકમમાંથી થોડીઘણી વીજળી ઉત્પન્ન થાય છે. ધોધની નજીકના સ્થળે આ નદી પર એક રેલવે-પુલ પણ આવેલો છે.

બ્રિટિશ અભિયંતા ડૅવિડ લિવિંગસ્ટને 1855માં આ ધોધ પોતાની દક્ષિણ આફ્રિકાની સફર વખતે જોયેલો. લિવિંગસ્ટને તેને રાણી વિક્ટોરિયાના માનમાં ‘વિક્ટોરિયા ધોધ’ નામ આપેલું છે.

ગિરીશભાઈ પંડ્યા