વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના નાગરિકો દ્વારા થતાં ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદનમાં વધારો.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી દુનિયાના ગરીબ દેશોની ગરીબીનો પ્રશ્ર્ન ચર્ચાના કેન્દ્રમાં મુકાયો ત્યારે અર્થશાસ્ત્રીઓએ વિકાસની વ્યાખ્યા આ શબ્દોમાં આપી હતી : લાંબા સમય સુધી લોકોની માથાદીઠ આવકમાં થયા કરતી વૃદ્ધિ. આમાં દુનિયાના કેટલાક વિકસિત ગણાતા દેશોના અનુભવને સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ વિકસિત કે ઔદ્યોગિક દેશોની માથાદીઠ આવક, વિકાસશીલ દેશોની તુલનામાં ઘણી વધારે હતી.

વિકસિત અને વિકાસશીલ એવા બે વર્ગોમાં વિભાજિત આ દેશોની માથાદીઠ આવકના તફાવતોની સાથે જીવનધોરણના તફાવતો ગાઢ રીતે સંકળાયેલા માલૂમ પડ્યા હતા. વિકસિત દેશોમાં માથાદીઠ ઊંચી આવકની સાથે ઊંચું જીવનધોરણ પણ જોવા મળતું હતું. પશ્ચિમ યુરોપના દેશો, અમેરિકા, કૅનેડા, જાપાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં વિવિધ ચીજો અને સેવાઓના વપરાશનો સ્તર ઊંચો હતો. તેની સાથે લોકોમાં અક્ષરજ્ઞાન અને લોકોના સરેરાશ આયુષ્ય જેવા જીવનધોરણના અન્ય ઘટકોમાં પણ મોટો સુધારો જોવા મળતો હતો. એ દેશોમાં આહારની ચીજો, વસ્ત્રો, મકાન, મોટરકાર અને ટેલિફોન જેવી વપરાશની ટકાઉ ચીજોની વપરાશ, વિકાસશીલ દેશોની સરખામણીમાં ઘણી વધારે હતી. લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ 90 ટકા કે તેથી વધુ હતું અને સરેરાશ આયુષ્ય 65 વર્ષ કે તેથી વધુ હતું. આ દેશોમાં ગરીબીનો સર્વથા અભાવ નહોતો, પરંતુ ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીમાં 20 ટકાથી ઓછું માલૂમ પડ્યું હતું. જેમને અપૂરતો આહાર મળતો હોય એવા ગરીબોનું પ્રમાણ ઘણું ઓછું હતું. ટૂંકમાં, ઊંચી માથાદીઠ આવક ધરાવતા દેશોમાં લોકોની વિશાળ બહુમતી ગરીબી અને ગરીબીજન્ય લાચારીમાંથી બહાર આવી ગઈ હતી. લોકોનો વિશાળ વર્ગ અનારોગ્ય, અજ્ઞાન અને ગંદકીમાંથી બહાર નીકળી ગયો હતો અને અનેક પ્રકારની સુખસગવડો ભોગવતો થયો હતો. તેમાં કેટલીક એવી સુખસગવડોનો સમાવેશ થતો હતો જે એક જમાનામાં કેવળ રાજા-મહારાજાઓ કે શ્રેષ્ઠીઓ જ ભોગવી શકતા હતા. આમાં આવકની વૃદ્ધિને કારણ રૂપે અને જીવનધોરણના સુધારાને તેના પરિણામ રૂપે જોવામાં આવ્યાં હતાં.

વિકસિત દેશોમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવકનો વધારો પોતે મોટાં પરિવર્તનોનું પરિણામ હતો. ઇંગ્લૅન્ડથી આરંભાઈને જે ઔદ્યોગિક ક્રાંતિ વિવિધ દેશોમાં પ્રસરી તે આ મોટાં પરિવર્તનોની પાછળનું પાયાનું પરિબળ હતું. તેમાં યંત્રશક્તિના સ્વરૂપે માનવીની મદદે સતત વિકસતી જતી ટેક્નૉલોજી પ્રયોજાઈ, જેણે માનવીની ઉત્પાદનશક્તિમાં અપૂર્વ વધારો કર્યો. આ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે જે તે દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય પેદાશમાં ખેતીનું ક્ષેત્ર ગૌણ બન્યું અને ઉદ્યોગોનું ક્ષેત્ર પ્રધાન બન્યું. આ ફેરફારો આર્થિક પ્રવૃત્તિઓ પૂરતા સીમિત ન રહ્યા. તેને પરિણામે અનેક સામાજિક, રાજકીય અને શૈક્ષણિક પરિવર્તનો નીપજ્યાં. જીવનનું કોઈ એવું ક્ષેત્ર નહોતું જે આ પરિવર્તનોથી વેગળું રહ્યું હોય. પરિવર્તનોના આ સમગ્ર સમૂહને વિકાસ ગણવામાં આવ્યો, જોકે અર્થશાસ્ત્રીય ચર્ચામાં તેને આર્થિક પ્રવૃત્તિઓ પૂરતો સીમિત રાખવામાં આવ્યો.

આર્થિક વિકાસની વ્યાખ્યાને આવકવૃદ્ધિ પૂરતી સીમિત રાખવાની સામે સમય જતાં વિરોધનો સૂર ઊઠ્યો. વિરોધનો એક મુદ્દો આવકની વહેંચણીને સ્પર્શતો હતો. સરેરાશના ધોરણે ગણતાં દેશમાં માથાદીઠ આવક વધતી હોય, પરંતુ વધતી જતી આવકની વહેંચણી જો અત્યંત અસમાન રીતે થતી હોય તો તેને વિકાસ ન ગણી શકાય એવો મત રજૂ કરવામાં આવ્યો. આ મતના પુરસ્કર્તાઓએ ‘ન્યાયી વહેંચણી સાથે વિકાસ’નું સૂત્ર આપ્યું. વિકાસનો લાભ તળિયાના લોકોને, ગરીબોને મળવો જોઈએ એ વિશે કોઈને કશો મતભેદ ન હોઈ શકે. વિકાસનો ઉદ્દેશ દેશના ગરીબોના જીવનધોરણમાં સુધારો કરવાનો હોવો જોઈએ એ મુદ્દો 1970 પછીનાં વર્ષોમાં સર્વસ્વીકૃત બન્યો. આજે તેના પરિણામ રૂપે ‘ગરીબીની આંતરરાષ્ટ્રીય રેખા’ નક્કી કરવામાં આવી છે અને વિવિધ દેશોમાં ગરીબીમાં થતા ઘટાડાને વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે.

આર્થિક વિકાસનો એક પાયાનો ઉદ્દેશ ગરીબીનિવારણનો છે એ વિશે સર્વસંમતિ પ્રવર્તે છે તે સાચું, પરંતુ એ ઉદ્દેશની બાબતમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. એક પ્રશ્ર્ન આર્થિક વૃદ્ધિ અને ગરીબીનિવારણ વચ્ચેના સંબંધ અંગે ઊભો થયો છે. સતત ઊંચા દરે થતી આર્થિક વૃદ્ધિનો લાભ ઝમીને ગરીબો સુધી પહોંચે છે એવો એક મત છે. તેને સામે છેડે આર્થિક વૃદ્ધિનો લાભ ઝમીને ગરીબો સુધી નથી પહોંચતો એવો બીજો મત છે. આ બીજા મતમાંથી વિકાસના સ્વરૂપ અંગે તેમજ તેના મૂલ્યાંકન વિશે વિવિધ અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે, તથાપિ આજે એક નકારાત્મક સ્વરૂપની વ્યાપ્તિ અંગે વ્યાપક સંમતિ પ્રવર્તે છે : દેશમાં ગરીબી નિવારવા માટે તેમજ ઉત્પાદક રોજગારીની તકો સર્જવા માટે ઊંચા દરે થતી આર્થિક વૃદ્ધિ એક આવદૃશ્યક શરત છે. આમ વિકાસની આદર્શલક્ષી વ્યાખ્યા કર્યા પછીયે માથાદીઠ આવકની વૃદ્ધિ વિકાસના એક મહત્ત્વના ઘટક તરીકે ચાલુ જ રહે છે.

માથાદીઠ આવકની પરિભાષામાં વિકાસની વ્યાખ્યા સામેનો બીજો વિરોધ જીવનધોરણના સુધારાને નજર સમક્ષ રાખીને ઉઠાવવામાં આવ્યો. 1979માં એક અર્થશાસ્ત્રીએ (Morris D. Morris) ‘જીવનની ભૌતિક ગુણવત્તા’(physical quality of life)નો ખ્યાલ રજૂ કર્યો. સ્વાસ્થ્ય અને શિક્ષણને લોકોના જીવનધોરણના બે મહત્ત્વના ઘટકો ગણીને આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્યને માપવા માટે બાળમૃત્યુદર તથા લોકોના એક વર્ષની ઉંમરે અપેક્ષિત સરેરાશ આયુષ્યનો માપદંડ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના શૈક્ષણિક વિકાસના માપદંડ તરીકે વસ્તીમાં સાક્ષરતાના પ્રમાણ(ટકા)ને ગણતરીમાં લેવામાં આવ્યું હતું. આના આધારે પ્રસ્તુત અર્થશાસ્ત્રીએ ‘જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચક આંક’ (the physical quality of life index) તૈયાર કર્યો. આ આંકની રચના એવી રીતે કરવામાં આવી હતી, જેથી તે તેના મહત્તમ સ્તરે 100 હોય. જીવનની ભૌતિક ગુણવત્તાને વિકાસના એક માપદંડ તરીકે રજૂ કરવાની પાછળ વિવિધ મુદ્દાઓ રહેલા હતા. દેશમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થવા માત્રથી લોકોના જીવનધોરણનાં આ બે મહત્ત્વનાં પાસાંમાં સુધારો થશે જ એમ કહી શકાતું નથી. માથાદીઠ આવકની નીચી સપાટીએ પણ લોકો સારું સ્વાસ્થ્ય ભોગવી શકે અને શૈક્ષણિક વિકાસ સાધી શકે. 1975થી ’80ના સમયગાળામાં બ્રાઝિલની માથાદીઠ આવક 2,200 ડૉલરથી અધિક હતી અને જીવનની ભૌતિક ગુણવત્તાનો તેનો આંક 72 હતો. બીજી બાજુ, ચીનની માથાદીઠ આવક 300 ડૉલર હતી, પરંતુ જીવનની ભૌતિક  ગુણવત્તાનો તેનો આંક 75 હતો. શ્રીલંકાની માથાદીઠ આવક 300 ડૉલર હતી અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 82 હતો. ભારતની માથાદીઠ આવક 250 ડૉલર હતી અને ગુણવત્તાનો આંક 42 હતો. સરકારની નીતિઓ માટે આ વિગતોનો સૂચિતાર્થ સ્પષ્ટ છે. લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને લોકોમાં શિક્ષણનો પ્રસાર થાય એ માટે સરકારે પગલાં ભરવાનાં છે. એ બે ક્ષેત્રોમાં વિકાસ માટે કેવળ લોકોની આવકવૃદ્ધિ પર આધાર રાખવાનો નથી.

‘યુનાઇટેડ નેશન્સ ડિવેલપમેન્ટ પ્રોગ્રામ’(UNDP)ના આશ્રયે ‘હ્યુમન ડિવેલપમેન્ટ રિપૉર્ટ’ વાર્ષિક ધોરણે પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તેમાં માનવવિકાસનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં માથાદીઠ આવક તથા જીવનની ભૌતિક ગુણવત્તાનો સમન્વય કરીને એક વિકાસસૂચક આંકની રચના કરવામાં આવી છે. આંકની રચના એવી રીતે કરવામાં આવી છે, જેથી તેનું ન્યૂનતમ મૂલ્ય શૂન્ય હોય અને મહત્તમ મૂલ્ય 1 (એક) હોય. [અહીં ઉદાહરણ રૂપે આપવામાં આવેલા આંકડાઓમાં દશાંશને ટાળવા માટે 1ને 1000 ગણીને ચાલીશું.] માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશના ચલણમાં ગણવામાં આવેલી માથાદીઠ આવકને હૂંડિયામણના ચાલુ દરે અમેરિકાના ડૉલરમાં પરિવર્તિત કરવાને બદલે જે તે દેશની આવકને અમેરિકાના ભાવોમાં જ ગણવામાં આવે છે. [અંગ્રેજીમાં તેને PPP  purchasing power parity  સમખરીદશક્તિ તરીકે દર્શાવવામાં આવે છે.] આ બે પદ્ધતિએ ગણવામાં આવતી આવકમાં મોટાભાગના વિકાસશીલ દેશો માટે મોટો તફાવત પડે છે; દા.ત., 2001ના વર્ષમાં હૂંડિયામણના પ્રવર્તમાન દરે ભારતની માથાદીઠ આવક 462 ડૉલર હતી, જ્યારે સમખરીદશક્તિની પદ્ધતિ પ્રમાણે તે 2,840 ડૉલર હતી. ચીન માટે એ આંકડાઓ અનુક્રમે 911 ડૉલર અને 4,020 ડૉલર તથા પાકિસ્તાન માટે 415 ડૉલર અને 1,890 ડૉલર હતા. એકંદરે એમ કહી શકાય કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક, હૂંડિયામણના પ્રવર્તમાન દરની પદ્ધતિની તુલનામાં સમખરીદશક્તિની પદ્ધતિમાં ચારથી છ ગણી થાય છે.

2001ના વર્ષમાં માનવવિકાસનો સહુથી વધુ આંક નૉર્વેનો હતો, જે 944 (0.944) હતો. નૉર્વેમાં લોકોનું સરેરાશ આયુષ્ય 78.7 વર્ષનું હતું, સાક્ષરતાનું પ્રમાણ 99 ટકા હતું. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જતાં બાળકોનું પ્રમાણ 98 ટકા હતું અને તેની માથાદીઠ આવક 29,620 ડૉલર હતી. આની સરખામણીમાં ભારતનો માનવવિકાસ આંક 590 હતો અને તે 127મા ક્રમે હતો, જોકે માથાદીઠ આવકની દૃષ્ટિએ તે 115મા ક્રમે હતો. ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 63.3 વર્ષનું હતું, 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ 58 ટકા હતું, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જતાં બાળકોનું પ્રમાણ 56 ટકા હતું અને માથાદીઠ આવક 2,840 ડૉલર હતી. ચીનનો માનવવિકાસ આંક 721 હતો અને તે 104મા ક્રમે આવતું હતું.

માથાદીઠ આવકની દૃષ્ટિએ આર્થિક વિકાસ અને માનવવિકાસના ખ્યાલ પ્રમાણેના વિકાસ વચ્ચે કેટલાક દેશોની બાબતમાં ગણનાપાત્ર તફાવત માલૂમ પડે છે એ સાચું, પરંતુ એકંદરે મોટાભાગના દેશોની બાબતમાં એ બંને વિકાસ એક જ દિશામાં જતા માલૂમ પડે છે. કેટલાક દાખલાઓમાં આર્થિક વિકાસ ઝડપથી થાય છે (માથાદીઠ આવક ઝડપથી વધે છે.) અને માનવવિકાસ તેને અનુસરે છે; કેટલાક દાખલાઓમાં તેનાથી ઊલટું બને છે. માનવવિકાસ ઝડપથી થાય છે અને આર્થિક વિકાસ તેને અનુસરે છે. ચીન, શ્રીલંકા તથા ભારતમાં કેરળ તેનાં ઉદાહરણો છે; પરંતુ આવાં ઉદાહરણો બહુ ઓછાં મળી આવે છે.

માનવવિકાસનો ખ્યાલ રજૂ કરનાર અર્થશાસ્ત્રીઓએ સ્વાસ્થ્ય અને શિક્ષણને માનવવિકાસનાં અંગો ગણ્યાં છે. તેનો અર્થ એ થાય છે કે તેઓ આવક સિવાયના વિકાસના આ ઘટકોને સાધ્ય તરીકે જુએ છે. એ એવાં સાધ્યો છે જેમાં રાજ્યે દરમિયાનગીરી કરીને તે હાંસલ કરવા માટે પગલાં ભરવાનાં છે. જેમ ગરીબીનાબૂદી માટે રાજ્યે કેટલાંક વિશિષ્ટ પગલાં ભરવાનાં છે તેમ લોકોના સારા આરોગ્ય માટે તથા લોકોમાં શિક્ષણના પ્રસારણ માટે પણ બહુવિધ પગલાં ભરવાનાં છે; દા.ત., લોકોના સારા સ્વાસ્થ્ય માટે કેવળ આરોગ્ય-સેવાઓ પૂરી પાડવાની નથી, પરંતુ લોકોને પીવાનું ચોખ્ખું સલામત પાણી પૂરું પાડવાનું છે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટેના પ્રબંધો કરવાના છે, ઓછા વજન સાથે જન્મતાં બાળકોને પૂરતું પોષણ મળે તે માટેનાં પગલાં ભરવાનાં છે.

આ અભિગમમાં માનવવિકાસને સાધન તરીકે પણ જોવામાં આવ્યો છે. લોકો આર્થિક વિકાસની પ્રક્રિયામાં સામેલ થઈને તેનો લાભ લઈ શકે તે માટે તેમનું આરોગ્ય સારું હોવું જોઈએ અને તેઓ શિક્ષિત હોવા જોઈએ. માનવવિકાસના પુરસ્કર્તાઓએ વિકાસના ખ્યાલને ઘણો વિસ્તાર્યો છે; દા.ત., તેમણે જાતિ-સમાનતા (gender equality) ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પુરુષોને સમકક્ષ તકો સાંપડે તે એમનું લક્ષ્ય છે. એ જ રીતે આજે ટકાઉ વિકાસ (sustainable development) તથા પર્યાવરણની જાળવણી પર ભાર મૂકવામાં આવે છે. આજની પેઢી જે જીવનધોરણ ભોગવી રહી છે એવું જ જીવનધોરણ ભાવિ પેઢીઓ પણ ભોગવી શકે એ રીતે. આજે કુદરતી સાધનસંપત્તિની જાળવણી કરવાની છે અને પર્યાવરણને રક્ષવાનું છે. ટૂંકમાં, માનવી માટે કલ્યાણકારી અને સુખદાયી ગણી શકાય એવી ઘણી ઇચ્છનીય બાબતોનો સમાવેશ આજે વિકાસમાં કરી લેવામાં આવે છે. તેથી અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે વૃદ્ધિના ખ્યાલને પસંદ કરે છે.

રમેશ શાહ