વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે છે. વિકાસ બૅંકો ખાનગી તેમજ જાહેર ક્ષેત્રોમાં સ્થાપવામાં આવે છે. જોકે સરકાર તેમાં ગણનાપાત્ર મૂડીરોકાણ કરે છે. આંતરરાષ્ટ્રીય બૅંકો અર્ધવિકસિત તેમજ વિકાસશીલ દેશોને મધ્યમથી લાંબાગાળાનું ધ્યેયલક્ષી ધિરાણ પૂરું પાડે છે. આવદૃશ્યકતા અનુસાર તકનીકી સહાય પણ કરે છે. બૅંકનું શૅરભંડોળ અથવા ઉછીની લીધેલ મૂડીની પડતર કિંમત તેની નફો રળવાની અને ડિવિડન્ડ આપવાની નીતિ પર આધારિત હોય છે. વિશ્વના વિવિધ દેશોએ પણ વિકાસમાં સહાયભૂત બનવા પોતાની વિકાસ બૅંકોની સ્થાપના કરી છે.
સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના નેજા હેઠળ વિશ્વના અર્ધવિકસિત અને વિકાસશીલ દેશોના વિકાસમાં સહાયભૂત થવા વિવિધ હેતુઓ માટે આંતરરાષ્ટ્રીય બૅંકોની સ્થાપના કરવામાં આવી છે. તેમનું કાર્ય વિકાસ માટે મૂડીધિરાણ ઉપરાંત લેણદેણની તુલાની મુશ્કેલીના સમયમાં નાણાકીય સહાય પૂરી પાડવાનું હોય છે. આ બૅંકો સામાન્ય રીતે ઉદ્યોગો, કૃષિ, આંતરમાળખાકીય સવલતો, સામાજિક હેતુઓ વગેરે માટે નાણાકીય ધિરાણ તેમજ તકનીકી સેવા પૂરી પાડીને તેમના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. વિશ્વની અગ્રગણ્ય વિકાસ બૅંકોમાં વિશ્વબૅંક તરીકે જાણીતી આંતરરાષ્ટ્રીય પુન:નિર્માણ અને વિકાસ બૅંક (International Bank for Reconstruction and Development, IBRD), આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (International Monetary Fund, IMF), આંતરરાષ્ટ્રીય વિકાસ બૅંક (International Development Association, IDA), આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળ (International for Agricultural Development, IFAD), આંતરરાષ્ટ્રીય નાણાં નિગમ (International Finance Corporation, IFC), બહુરાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રતિશ્રુતિ સંસ્થાન (Multinational Investment Guarantee Agency, MIGA), વિકાસ પ્રવેશ સંસ્થાન (Development Gateway Foundation, DGF), વૈશ્ર્વિક પર્યાવરણ સુવિધા (Global Environment Facility, GEF), આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ વિવાદ નિગમ (International Centre for Settlement of Investment Disputes, ICSID), એશિયન વિકાસ બૅંક (Asian Development Bank, ADB), આફ્રિકન વિકાસ બૅંક (African Development Bank, ADB) અને આંતર-અમેરિકન વિકાસ બૅંક (Inter-American Development Bank, IADB) વગેરેની ગણના કરી શકાય.
ભારતની કેન્દ્રસરકારે ઔદ્યોગિક વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા ઔદ્યોગિક ધિરાણ અને મૂડીરોકાણ નિગમ, ઔદ્યોગિક વિકાસ નિગમ અને ઔદ્યોગિક નાણાકીય નિગમોની સ્થાપના કરી હતી. તેવી જ રીતે રાજ્ય સરકારોએ પ્રદેશના વિકાસ માટે નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન, આંતરમાળખાકીય સવલતો, કાચા માલનો પુરવઠો, વેચાણ વગેરે માટે, વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી હતી. દા.ત., ગુજરાત સરકારે ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ, ગુજરાત ઔદ્યોગિક તકનીકી કૉર્પોરેશન વગેરે સંસ્થાઓની સ્થાપના કરી હતી.
આ સંસ્થાઓએ દેશના તથા વિવિધ પ્રદેશોના ઔદ્યોગિક વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો. પરંતુ અન્ય સંસ્થાઓ તરફથી નાણાકીય સહાય સરળ અને કિફાયત દરે મળતાં તેમજ ઔદ્યોગિક મંદીને પરિણામે ધિરાણોની વસૂલીમાં મુશ્કેલીઓ અનુભવતાં કેટલીક નાણાકીય વિકાસ સંસ્થાઓ બંધ કરવી પડી હતી. જ્યારે બીજી સંસ્થાઓ લગભગ નિષ્ક્રિય બની રહી છે.
જિગીશ દેરાસરી