વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે. ઈ. સ. 1960 સુધીમાં બે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂક્યા બાદ ભારત સરકારે 1961ના આવકવેરા ધારામાં આ અંગેની એક જોગવાઈ અમલમાં મૂકી હતી. આ પ્રયુક્તિને ‘વિકાસ-વળતર’ નામ આપવામાં આવ્યું હતું. આ જોગવાઈ હેઠળ સામાન્ય કંપનીઓને કારખાનામાં ઉત્પાદન-શક્તિ વધારતાં નવાં યંત્રો અને સાધનો તેમજ વહાણવટાની કંપનીઓને નવાં વહાણો જેવાની ખરીદી કરવા માટે ઉત્તેજન પૂરું પાડવામાં આવ્યું હતું. અલબત્ત, કાર્યાલયનાં સાધનો કે માર્ગવાહનોની ખરીદી માટે ઉત્તેજન આપવામાં આવ્યું નહોતું, કારણ કે એની ખરીદીથી ઉત્પાદનમાં સીધો વધારો થતો નહોતો, એવું માનવામાં આવતું હતું. આ ઉત્તેજન હેઠળ ધંધાદારીઓને કરવેરામાં વળતર આપવામાં આવતું હતું. આ વળતરનો દર અને વળતર હેઠળની ચીજો વર્ષોવર્ષ બદલાતાં હતાં; પરંતુ મૂળભૂત સિદ્ધાંત સમાન હતો. એ સિદ્ધાંત અનુસાર ધંધાના નફાની ગણતરી સામાન્ય નામાના નિયમો અનુસાર કરવાની રહેતી હતી. નફાની એ રકમમાંથી વિકાસ-વળતરને પાત્ર યંત્રો, સાધનો, વહાણો વગેરેની જે કિંમત હોય તેના નિર્દિષ્ટ ટકાની રકમ બાદ કરવાની રહેતી. કોઈક વર્ષે બાદ કરવાની આ રકમ ખરીદીના 100 %, 75 % કે અન્ય રહેતાં. આ વિકાસ-વળતર રકમ બાદ કરીને નફા પર આવકવેરો આકારવામાં આવતો. કોઈક વર્ષે વિકાસ-વળતરની રકમ કરતાં નફો ઓછો હોય અથવા નફો શૂન્ય હોય તો વળતરની રકમનો જે વધારો રહેતો તે ત્યારપછીના વર્ષના નફામાંથી બાદ આપવામાં આવતો. આવી રીતે આગળનાં વર્ષોમાં તબદીલ કરવા માટેની મુદતમાં સમયે-સમયે વધઘટ કરવામાં આવતી. આ મુદત દરમિયાન ધંધાદારી ખરીદેલ મૂડી-વિષયક સાધનને પોતાના હસ્તક જ ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવા બંધાયેલો હતો. અન્યથા, આપવામાં આવેલી રાહત પાછી ખેંચી લેવામાં આવતી. આમ, વિકાસ-વળતર હેઠળ ખરેખર જે ઉત્પાદક હોય તે ઉત્પાદન-શક્તિ અને ઉત્પાદન વધારે તે હેતુથી આવકવેરા ધારામાં એનો સમાવેશ થતો હતો.

સૂર્યકાન્ત શાહ