વાહીજળ (Runoff) : ભૂમિસપાટી પર વહીને નદીઓમાં ઠલવાતું જળ. નદીઓ દ્વારા વહન પામતા જળનો પણ વાહીજળમાં સમાવેશ થાય છે. જલશાસ્ત્ર(hydrology)ના સંદર્ભમાં વહી જતા જળને વાહીજળ કહે છે. વાહીજળમાં માત્ર સપાટીજળનો જ નહિ, ભૂમિ-અંતર્ગત શોષાતા અને ઢોળાવ પ્રમાણે ખીણો તરફ વહીને નદીને મળતા જળનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના જળની ઊંડાઈ તરફની સીમા-મર્યાદા ભૂપૃષ્ઠ સપાટી અને ભૂગર્ભજળ સપાટી વચ્ચેના ભાગ પૂરતી ગણવાની છે. ઢોળાવવાળા ભૂપૃષ્ઠની આકારિકી મુજબ અધોભૌમજળ વહન પામીને ખીણો તરફ જાય છે.
વાહીજળનો કુલ જથ્થો સામાન્ય રીતે તો વર્ષાજળ જેટલો ગણાય. તેમ છતાં બાષ્પીભવન અને ઉત્સર્જન પામતા તેમજ તળાવોમાં સંગ્રહાતા જળને તેમાંથી બાકાત રાખવું પડે. શિખરભાગો તરફથી વહીને રચાતા સ્રાવવિસ્તાર, વર્ષાપ્રમાણ જેવાં પરિબળો પરથી વાહીજળજથ્થાનું પ્રમાણ નક્કી કરી શકાય.
ગિરીશભાઈ પંડ્યા