વાહનમંડપ : હિંદુ મંદિર સ્થાપત્યમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ. મંદિરમાં મોટેભાગે રંગમંડપ કે સભામંડપ જોવા મળે છે. ક્યારેક રંગમંડપની સાથે ગૂઢ મંડપ પણ હોય છે. ઓરિસાના મંદિર-સ્થાપત્યમાં ભોગમંડપ અને નટમંડપ નામના બીજાના બે વધારાના મંડપ હોય છે. મોટેભાગે દક્ષિણ ભારતનાં હિંદુ મંદિરોમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ પણ જોવા મળે છે. ઇલોરાની ગુફા નં. 16 જે કૈલાસ કે રંગમહલ તરીકે પ્રસિદ્ધ છે તેમાં શિવના વાહન નંદિ માટેનો નંદિમંડપ આવેલો છે. નંદિમંડપને રંગમંડપ સાથે પુલ દ્વારા જોડવામાં આવ્યો છે. તાંજુવરના બૃહદિશ્વરના પ્રસિદ્ધ મંદિરની સન્મુખે વિશાળ અને સ્વતંત્ર નંદિમંડપ છે અને તેમાં એક જ શિલામાંથી કંડારેલ ભવ્ય નંદિનું શિલ્પ આવેલું છે. ખજૂરાહોના સ્થળે આવેલા લક્ષ્મણમંદિરની બાજુમાં વરાહમંડપ આવેલો છે; પરંતુ તેને વાહનમંડપ ન કહી શકાય. ક્યારેક વિષ્ણુમંદિરમાં ગરુડવાહન જોવા મળે છે. અમદાવાદના ભદ્રના કોટ વિસ્તારમાં આવેલા કૃષ્ણમંદિરમાં ગરુડવાહન છે.
થૉમસ પરમાર