વાહકો (carriers) : રોગકારક ઘટકોનું પ્રસરણ કરનાર તંદુરસ્ત કે રોગગ્રસ્ત માનવી, જીવાણુ (bacteria) અને વિષાણુ જેવા સૂક્ષ્મ જીવો, કીટકો અને/અથવા પર્યાવરણિક પરિબળો જેવા પ્રક્રિયકો (agents).
રોગવાહક તરીકે માનવી : માનવના શરીરમાં અસંખ્ય જાતના સૂક્ષ્મજીવો વસતા હોય છે; પરંતુ માનવશરીર પોતાને આવા વ્યાધિજનોથી સુરક્ષિત રાખે તેવું પ્રતિરક્ષાતંત્ર (immunity system) અને અન્ય શરીરરક્ષક પરિબળો ધરાવે છે. આમ હોવા છતાં માનવી આકસ્મિક કે વિશિષ્ટ (specific) કારણસર એક યા બીજા ચેપથી પીડાતો હોય છે. આવી વ્યક્તિ રોગકારકોનું વહન કરે છે. રોગકારકોનું વહન કરનાર વ્યક્તિઓને બે પ્રકારમાં વહેંચી શકાય : તંદુરસ્ત (healthy) અને ઉલ્લાઘ (convalescent) માનવો.
1.અ. તંદુરસ્ત વાહક (healthy carrier) : (અ) રોગથી કદાચ પીડાઈ ન હોય અને શરીર સાવ તંદુરસ્ત હોય એવી, છતાં રોગકારકોનું પ્રસરણ કરે તેવી વ્યક્તિને આકસ્મિક (casual) વાહક કહી શકાય. (આ) કદાચ અગાઉ એટલે ઘણા સમય પહેલાં રોગથી પીડાઈ હોય તેવી વ્યક્તિઓમાં વ્યાધિજનો સુપ્તાવસ્થામાં હોય તેવું બને. દાખલા તરીકે ટાઇફૉઇડ, ઓરી જેવા રોગથી પીડાતું માનવી શરીર દીર્ઘકાલ સુધી વ્યાધિમુક્ત જીવન પસાર કરે છે. રોગકારકોનું વહન કરનાર આવી વ્યક્તિને ચિરકાલી વાહક (chronic carrier) કહે છે.
1. આ. ઉલ્લાઘ વાહક (convalescent carrier) : રોગમાંથી મુક્ત થઈને જીવન પસાર કરનાર વ્યક્તિ સુપ્તાવસ્થામાં રહેલા રોગકારક ઘટકોનો વાહક હોઈ શકે.
2. રોગકારક સૂક્ષ્મજીવો : આ સૂક્ષ્મજીવો શરીરના વિવિધ ભાગોમાંથી માનવશરીરમાં પ્રવેશ કરતા હોય છે. દાખલા તરીકે, ક્ષયરોગના સૂક્ષ્મજીવાણુ (myobacterium tuberculosis) હવા દ્વારા ફેફસાં વડે શરીરમાં પ્રવેશ કરે છે. પાણી કે ખોરાકના પ્રાશનથી ટાઇફૉઇડ (Salmonella typhi), કૉલેરા (Vibrio cholerae), ઝાડા-ઊલટી (dysentry) (Shigella dysenteriae) જેવા જીવાણુઓ અન્નમાર્ગમાં પ્રવેશે છે. ત્વચા વાટે રક્તપિત્ત(leprosy)ના (Myobacteria leprae) જીવાણુ જ્યારે રક્ત વાટે પ્લેગના જીવાણુ (Yersina pestii) શરીરમાં પ્રવેશે છે.
રોગકારક વિષાણુઓ : હવા વાટે ઘણા વિષાણુઓ માનવશરીરમાં પ્રવેશતા હોય છે. તેના દાખલા ઇન્ફ્લુએન્ઝાના, શીતળા (small pox) તથા શરદી(common cold)ના વિષાણુઓ, આંખનો ચેપ (eye-infection) વગેરે.
ઈ. સ. 2003ની શરૂઆતમાં ચીનમાં સૌપ્રથમ વિષાણુજન્ય SARS (syndrome affecting respiratory system – શ્વસનતંત્રને અસરકર્તા શોથ) વ્યાધિથી પીડાતા વ્યાધિજનો નોંધાયા. પ્રવાસની સુગમતાને લીધે આ ચેપનો પ્રસાર જૂજ સમયમાં યુરોપ, કૅનેડા, ભારત જેવા વિવિધ દેશોમાં થયો. સદ્ભાગ્યે, આ વ્યાધિને કાબૂમાં રાખવામાં સફળતા પ્રાપ્ત થઈ.
લૈંગિક સંપર્ક તેમજ રક્ત વાટે HIV (human immuno deficiency virus) માનવપ્રતિરક્ષા અવરોધ વિષાણુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે. આ વિષાણુઓને લીધે માનવી AID (acquired immuno deficiency) પ્રતિરોધક ક્ષતિથી પીડાતો, રોધક્ષમતાના અભાવમાં મૃત્યુ પામે છે. આ ભયકારક રોગનો પ્રસાર મોટા પ્રમાણમાં દુનિયામાં જ્યાંત્યાં થઈ રહ્યો છે અને તેનું નિયંત્રણ દુનિયાની એક જટિલ સમસ્યા બની ચૂક્યું છે. કેટલાક કર્ક (cancer) રોગોનો ઉદ્ભવ અને / અથવા પ્રસાર માટે વિશિષ્ટ (specific) જાતના વિષાણુઓ કારણભૂત છે. કૂતરાના કરડવાથી માનવી વિષાણુજન્ય હડકવા(rabies)થી પીડાય છે.
3. રોગવાહક કીટકો : કેટલીક ઍનોફિલીસ માદા મચ્છરના કરડવાથી મલેરિયાના જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે. આયડિસ ક્યુબેક્સ મચ્છરના કરડવાથી માનવીના શરીરમાં હાથીપગું (filaria) કૃમિ જંતુઓ પ્રવેશે છે. દીર્ઘનિદ્રાશોથ(sleeping sickness trypansomiasis)ના પ્રસાર માટે Tsetse માખી કારણભૂત છે. કશાધારી ટ્રિપૉનસોમાસિસ પ્રજીવને લીધે આ રોગ ઊપજે છે. વિશિષ્ટ જાતની કેટલીક માખીઓના કરડવાથી માનવી કાળા આજાર (black fever; visceral leishmaniasis)નો ભોગ બને છે. લિશ્માનિયા પ્રજીવ આ રોગ માટે કારણભૂત છે.
જગદીશ મ. ત્રિવેદી, મ. શિ. દૂબળે