વાસ્તુશાસ્ત્ર (ભારતીય)

January, 2005

વાસ્તુશાસ્ત્ર (ભારતીય) : ભવનનિર્માણકલાનું પ્રતિપાદક સ્થાપત્યશાસ્ત્ર. ‘વાસ્તુ’ શબ્દના મૂળમાં ‘वस्’ ધાતુ છે; જેનો અર્થ થાય છે ‘કોઈ એક સ્થાને નિવાસ કરવો.’ ‘વાસ્તુ’નો અર્થ થાય છે ‘જેમાં મનુષ્ય અથવા દેવતા નિવાસ કરે છે તે ભવન’. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં વાસ્તુકલાની આશ્રિત કલાઓના રૂપમાં મૂર્તિકલા અને ચિત્રકલાના ઉલ્લેખો પણ મળે છે. વાસ્તવમાં વાસ્તુકલા અને મૂર્તિકલા એકબીજીની પૂરક છે. મૂર્તિકલા અથવા પાષાણકલાને વાસ્તુકલાની સહચરી માનવામાં આવે છે. ‘અગ્નિપુરાણ’ તથા ‘ગરુડપુરાણ’ વાસ્તુ શબ્દના અર્થનું આ રીતે સમર્થન કરે છે. વાસ્તુ, મૂર્તિ કે ચિત્રનું શાસ્ત્રીય વિવેચન ગુપ્તયુગથી પ્રાપ્ત થાય છે. આની પૂર્વેના આ વિદ્યાના આચાર્યોનાં નામ પરવર્તી ગ્રંથોમાં મળે છે; પરંતુ તેમની કૃતિઓ ઉપલબ્ધ નથી. ભારતીય વાસ્તુવિદ્યાનો જન્મ છ વેદાંગ (વિશેષત: જ્યોતિષ અને કલ્પ)માંથી થયો છે. વાસ્તુ-પરંપરાના પ્રથમ આચાર્ય વિશ્વકર્માએ આ વિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી હસ્તગત કરી હતી. ‘બૃહતસંહિતા’માં સ્પષ્ટ જણાવ્યું છે કે બ્રહ્માથી ઉત્પન્ન કલાકારોની પરંપરામાંથી વાસ્તુશાસ્ત્રનો વિકાસ થયો.

ભારતીય વાસ્તુશાસ્ત્રની બે પરંપરા પ્રચલિત છે : (1) દક્ષિણી પરંપરા અને (2) ઉત્તરી પરંપરા. દક્ષિણી પરંપરાના વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક આચાર્યો આ પ્રમાણે છે : બ્રહ્મા, ત્વષ્ટા, મય, માતંગ, ભૃગુ, કાશ્યપ, અગસ્ત્ય, શુક્ર, પરાશર, ભગ્નજિત, નારદ, પ્રહ્લાદ, શક્ર, બૃહસ્પતિ અને માનસાર. દક્ષિણી પરંપરાના જાણીતા વાસ્તુ-ગ્રંથો આ  પ્રમાણે છે : ‘શૈવાગમ’, ‘વૈષ્ણવપંચરાત્ર’, ‘અત્રિ-સંહિતા’, ‘વૈખાનસાગમ’, ‘તંત્ર ગ્રંથ’ (‘દીપ્તતંત્ર’ આદિ), ‘તંત્ર સમુચ્ચય’ અને ‘ઈશાનશિવગુરુદેવ પદ્ધતિ.’

ઉત્તરી પરંપરાના વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક આચાર્યો આ પ્રમાણે છે : શંભુ, ગર્ગ, અત્રિ, વસિષ્ઠ, પરાશર, બૃહદ્રથ, વિશ્વકર્મા અને વાસુદેવ. આ પરંપરાના જાણીતા ગ્રંથો આ પ્રમાણે છે : પુરાણ (મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ, ગરુડપુરાણ, અગ્નિપુરાણ), બૃહત્સંહિતા, તંત્ર (‘કિરણ તંત્ર’ વગેરે), ‘હયશીર્ષ-પંચરાત્ર’, ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’, ‘પ્રતિષ્ઠાગ્રંથ’ (હેમાદ્રિ તથા રઘુનંદન આદિના), ‘હરિભક્તિવિલાસ’, ‘વિશ્વકર્માપ્રકાશ’, ‘સમરાંગણ-સૂત્રધાર’, ‘અપરાજિતપૃચ્છા’, ‘સૂત્રધારમંડન’, ‘વાસ્તુ-રત્નાવલી’ અને ‘વાસ્તુ-પ્રદીપ’.

પરંપરાનુસાર અસુરોની વાસ્તુવિદ્યાના પ્રણેતા તરીકે મયનું નામ જાણીતું છે, જેના નામે અનેક વાસ્તુગ્રંથો લખાયા છે; જેમકે, ‘મયમત’, ‘મય-મત શિલ્પશાસ્ત્રવિધાન’, ‘મય-શિલ્પશતિકા’, ‘મય-શિલ્પવાસ્તુ’, ‘મય-વાસ્તુશાસ્ત્રમ્’ તથા ‘મય-મત-વાસ્તુશાસ્ત્રમ્’.

વાસ્તુકલાના સ્વતંત્ર ગ્રંથ તરીકે ‘સમરાંગણસૂત્રધાર’, ‘શિલ્પરત્નમ્’, ‘ઈશાનશિવગુરુદેવ પદ્ધતિ’ તથા ‘માનસાર’ ઉલ્લેખનીય છે. ડૉ. પી. કે. આચાર્યે ‘માનસાર’ને સમસ્ત વાસ્તુગ્રંથોનો આધાર ગણ્યો છે.

ઉપર્યુક્ત ગ્રંથોને આધારે વાસ્તુશાસ્ત્રમાં નીચેના વિષયોને આવરી લેવામાં આવ્યા છે :

સ્થાપત્ય માટેનું યોગ્ય ક્ષેત્ર, સ્થાપત્ય રચવા માટેની જમીનની પરીક્ષા (ભૂમિપરીક્ષા), શલ્યોદ્ધારવિધિ વગેરે. નગર-આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. નદીસંગમ-સ્થાન, નદી-કાંઠો કે પર્વત પાસેની જગ્યાને નગર સ્થાપવા માટે યોગ્ય ગણી છે. પૂર્વ કે ઉત્તર તરફ ઢાળવાળી ભૂમિ નગરસ્થાપન માટે ઇષ્ટ ગણી છે. આવી ભૂમિ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ઉત્તમ ગણાય છે. ભૂમિની પસંદગી વર્ણાનુસાર કરવામાં આવતી. આ માટે ભૂમિનો રંગ અને સ્વાદ વર્ણ પ્રમાણે લક્ષ્યમાં લેવાતો. જે ભૂમિનો સ્પર્શ ઉનાળામાં શીતળ હોય અને શિયાળામાં ઉષ્ણ હોય તેવી જમીન નગર માટે યોગ્ય છે. જમીન ઢીલી (loose) છે કે રેતાળ (sandy) તે પણ લક્ષ્યમાં લેવાતું. આ જાણવા માટે વાસ્તુગ્રંથોમાં જુદા જુદા પ્રયોગો દર્શાવ્યા છે; જેમ કે, ભૂમિની મધ્યમાં એક ઊંડો ખાડો ખોદવો. ખાડો ખોદતાં જે માટી નીકળે તેનાથી ખાડો પૂરવો. ખાડો પૂરતાં જો માટી વધે તો શ્રેષ્ઠ ગણવી. માટી ન વધે અર્થાત્ ખાડામાં બધી જ માટી સમાઈ જાય તો તે ભૂમિ મધ્યમ અને ખાડો પૂરતાં માટી જો ખૂટે તો તે ભૂમિ અયોગ્ય ગણવી. નગર-સ્થાપન માટે દર્શાવેલો આ નિયમ કોઈ પણ સ્થાપત્યના બાંધકામને પણ લાગુ પડે છે. ભૂમિની પસંદગી પછી પદ-વિન્યાસ કરવામાં આવતો. પદ-વિન્યાસ એટલે વસવાટ માટેની ભૂમિનું વિભાજન. પદ-વિન્યાસને આધુનિક house-plan કે town-plan સાથે સરખાવી શકાય. ભૂમિને પદો(plots)માં વિભાજિત કરવામાં આવે છે. પદોમાં વિભાજિત કરવાની આવી 32 પદ્ધતિઓ છે. ભૂમિ પર 10 આડી સમાંતર રેખાઓને છેદતી 10 ઊભી રેખાઓ દોરવામાં આવે તો 81 પદ (plots) પડે. આવો 81 પદ ધરાવતો પદ-વિન્યાસ પરમ-શયિક પ્રકારનો ગણાય છે. આ રીતે 49, 64, 100, 1000 પદ ધરાવતા પદ-વિન્યાસ પણ રચી શકાય. દરેક પદના એક અધિષ્ઠાતા દેવની કલ્પના કરવામાં આવી છે. કેન્દ્રીય પદોમાં બ્રહ્માનું સ્થાન હોવાથી તે ભાગ ‘બ્રહ્મપદ’ તરીકે ઓળખાય છે. સંરક્ષણ માટે નગરને ફરતી ખાઈ કે ખાઈઓ અને પ્રાકાર (કોટ) રચવાનું જણાવ્યું છે. નગર-પ્રાકારમાં મહાદ્વાર (મુખ્ય દરવાજો), પ્રતોલી (ગૌણ દરવાજો), અટ્ટાલકો, ઇન્દ્રકોષ, દેવપથ વગેરેની રચના કરવામાં આવતી. સંરક્ષણની વ્યવસ્થા કર્યા બાદ લોકોને વસાવવામાં આવતા. પ્રાચીન ભારતીય સમાજ વર્ણપ્રથા પર આધારિત હોવાથી પુર-આવાસમાં વર્ણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ માટે ‘જાતિ-વર્ણાધિવાસ’ (folk location) શબ્દ પણ પ્રયોજાયો છે. આને આજની ઝોનિંગ (zoning) વ્યવસ્થા સાથે સરખાવી શકાય. મિશ્ર વર્ણની વસ્તી પ્રમાણે વસવાટ ઊભા કરવામાં આવે તો સામાજિક સંગઠન નહિવત્ હોય છે. જોકે મયમુનિ સર્વ જાતિઓ અને વર્ગોના લોકોને બધી જ દિશામાં રહેવાની છૂટ આપે છે. ‘અગ્નિપુરાણ’માં ફળ અને દહીં વેચનારાઓને ઈશાનમાં, નૈર્ઋત્યમાં માછીમારોને, પશ્ચિમમાં સૈનિકોને, વાયવ્યમાં ઉદ્યોગપતિઓને અને ઉત્તરમાં બ્રાહ્મણોને, ધર્મગુરુઓને અને જ્યોતિષીઓને વસાવવાનો નિર્દેશ છે. વાસ્તુગ્રંથોમાં નગરોના આકારની પણ ચર્ચા કરી છે. ચોરસ આકારના નગરની પ્રશંસા કરવામાં આવી છે. લંબચોરસ આકારનું નગર ત્યાંની પ્રજા માટે શુભ અને કલ્યાણકારી ગણ્યું છે. દ્વારકા અને અયોધ્યા લંબચોરસ આકારનાં હતાં. નીચેના આકારનાં નગરોને વર્જ્ય ગણ્યાં છે : છિન્નકર્ણ (જેનો ખૂણો તૂટેલો હોય તે), વિકર્ણ. વજ્રાકૃતિ, સૂચિમુખ (સોયના મુખના આકારના જેવું), વર્તુલ, વ્યજનાકાર (પંખાના જેવા આકારવાળું), ચાપાકૃતિ (ધનુષ્યના આકારવાળું), શકટદ્વય સમાકાર (બે ગાડાને સામસામે ઊભાં રાખતાં જે આકાર થાય તે), ભુજંગકુટિલ (સાપની જેમ વાંકાચૂકા આકારનું), દ્વિગુણાયતસંસ્થ (લંબચોરસમાં લાંબી બાજુઓ પહોળાઈથી બેવડી થઈ જાય તેવું), ત્રિકોણાકાર, મૃદંગાકૃતિવાળું વગેરે. રાવણની લંકા મૃદંગાકૃતિને લીધે નાશ પામી હતી તેવી માન્યતા છે. નગરોનું વર્ગીકરણ પણ દર્શાવ્યું છે; જેમકે, પુર, નગર, નગરી, કુબ્જક પત્તન (પુરભેદન), રાજધાની, દુર્ગ, ખર્વટ, ખેટ, શિબિર, સ્થાનીય, દ્રોણમુખ, કોટમકોલક, નિગમ, મઠ અથવા વિહાર.

ગામને નગરની પ્રતિકૃતિ ગણવામાં આવતી. ગામ માટે સંસ્કૃતમાં ‘પલ્લી’ શબ્દ પ્રયોજાય છે. જાતિ-વર્ણાધિવાસ, આકાર અને માર્ગોના આયોજનની દૃષ્ટિએ વિવિધ પ્રકારનાં ગામો દર્શાવ્યાં છે : દંડક, સર્વતોભદ્ર, નંદ્યાવર્ત, પદ્મ અથવા પદ્મક, સ્વસ્તિક, પ્રસ્તાર, કાર્મુક, ચતુર્મુખ, પ્રકીર્ણક, પરાગ, શ્રીપતિ સ્થિત, સંપત્કર, કુંભક, શ્રીવત્સ અને વૈદિક.

સંરક્ષણની દૃષ્ટિએ દુર્ગ બાંધવાની પ્રવૃત્તિને ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આવશ્યક ગણી છે. દુર્ગના જુદા જુદા પ્રકારો ગણાવ્યા છે. જલદુર્ગ (મહાજળથી ઘેરાયેલો કે નદીકિનારે આવેલો દુર્ગ), ગિરિદુર્ગ (પર્વતની ટોચ પર આવેલો દુર્ગ), વનદુર્ગ (વનની મધ્યે આવેલો દુર્ગ), મિશ્રક દુર્ગ (પર્વત અને વન – એ બંનેના સંયોજનવાળો દુર્ગ), મરુદુર્ગ (પાણી અને ઝાડપાન ન હોય તેવા સ્થળે અર્થાત્ રણમાં આવેલો દુર્ગ). દુર્ગના અંગ-ઉપાંગોમાં સાલ, કણ્ઠવારિણી, અધોમુખી-બાણમુખી, કપિશીર્ષ, અટ્ટાલક, પ્રતોલી વગેરેનો સમાવેશ થાય છે. સાલ એટલે દુર્ગની દીવાલ, કોટ અથવા રાંગ. તેને ‘પ્રાકાર’ પણ કહે છે. ગ્રંથો પ્રમાણે સાલના 12 પ્રકાર પડે છે. સાલની ઉપર સૈન્ય ઊભું રહી શકે તો તેને કણ્ઠવારિણી કે કાંઠી કહે છે. કણ્ઠવારિણીમાં ચોરસ કે લંબચોરસ બાકોરાં રાખવામાં આવે છે. તેને અધોમુખી-બાણમુખી કહેવામાં આવે છે. આ બાકોરાંમાંથી તીરમારો કે ગોળીબાર કરી શકાય છે. ‘કપિશીર્ષ’ એટલે કોટ ઉપરના કાંગરા. ‘અટ્ટાલક’ એટલે કિલ્લાનો બુરજ. કિલ્લાના પ્રવેશદ્વારે બે ઊભા સ્તંભ અને તેમના મથાળે પાટડો મૂકીને પ્રતોલી રચવામાં આવે છે. કિલ્લાને ફરતી એક અથવા તો એકથી વધારે પરિખા (ખાઈ) રચવામાં આવતી. સંકટ સમયે કિલ્લામાંથી બહાર નીકળી નાસી જવા માટે સંકટબારીઓ રચવામાં આવતી.

રાજાના નિવાસ-રાજભવન માટે વાસ્તુગ્રંથોમાં ‘પ્રાસાદ’ શબ્દ પ્રયોજાયો છે. ‘માનસાર’ નામના ગ્રંથમાં રાજાઓના 9 વર્ગ પાડવામાં આવ્યા છે. આ રાજાઓના મહેલ નગરના પાદવિન્યાસમાં ચોક્કસ સ્થાને બાંધવામાં આવતા. મહેલના સંરક્ષણ માટે તેને ફરતી પરિખા (ખાઈ) અને પ્રાકાર (કોટ) બાંધવામાં આવતાં. રાજાના વર્ગ પ્રમાણે મહેલમાં ચોક્કસ સંખ્યામાં પ્રાકાર ઊભા કરવામાં આવતા. રાજમહેલમાં મુખ્યત્વે બે ભાગ રહેતા – અન્ત:શાલા અને બહિર્શાલા. અન્ત:શાલાનો ઉપયોગ નિવાસ માટે અને બહિર્શાલાનો વહીવટી કામ માટે થતો. મહેલની ભૂમિના પદવિન્યાસના કેન્દ્રમાં રહેલા બ્રહ્મસ્થાનને છોડીને તેની આસપાસ અન્ય ખંડો બાંધવામાં આવતા.

ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં કોઈ એક જગ્યાએ જનભવનના બાંધકામના નિયમો દર્શાવ્યા નથી, પરંતુ તે અંગેના છૂટાછવાયા નિર્દેશ છે. ‘સમરાંગણસૂત્રધાર’ પ્રમાણે ગૃહ 41 પદોમાં બાંધવામાં આવતું. ગૃહનું બાંધકામ વૈશાખ, શ્રાવણ, માગશર, પોષ અને ફાગણ માસમાં કરવાનું જણાવ્યું છે. આ જ રીતે શુક્લ પક્ષની બીજ, પાંચમ, સાતમ, નવમ, એકાદશી અને તેરસ એ તિથિઓ બાંધકામ માટે શુભ માની છે. મજલાઓની સંખ્યા વર્ણ પ્રમાણે રાખવામાં આવતી. બારણું દીવાલની મધ્યમાં રાખવાની મનાઈ હતી. તે જ રીતે સામસામેનાં બારણાં એક જ આકારનાં રાખવાની પણ મનાઈ હતી.

જળાશયોના સ્થાપત્યમાં તળાવ, કૂવા, વાવ અને કુંડનો સમાવેશ થાય છે. આકાર અને વિસ્તારની દૃષ્ટિએ તળાવના જુદા જુદા પ્રકાર દર્શાવ્યા છે. કૂવાના 10 પ્રકાર જણાવ્યા છે. પહોળાઈને કેન્દ્રમાં રાખીને આ ભેદો દર્શાવ્યા છે; જેમ કે, શ્રીમુખ, વૈજય, પ્રાંત, દુંદુભિ, મનોહર, ચૂડામણિ, દિગ્ભદ્ર, જય, નંદ અને શંકર વાવના ચાર પ્રકાર છે : નંદા, ભદ્રા, જયા અને વિજયા; જેને અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર મુખ (પ્રવેશ) હોય છે. ‘રાજવલ્લભ’માં કુંડના ચાર પ્રકાર દર્શાવ્યા છે : ભદ્ર, સુભદ્ર, નંદ અને પરિઘ.

ધાર્મિક સ્થાપત્યમાં મંદિર-સ્થાપત્ય વિશે ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં ઘણું કહેવાયું છે. મંદિર માટે મોટેભાગે ‘પ્રાસાદ’ શબ્દ પ્રયોજાયો છે. મંદિરના તલમાનના ભાગો ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, મંડપ, શૃંગારચોકી વગેરે અને ઊર્ધ્વમાનના ભાગો જેવા કે પીઠ, મંડોવર, પ્રહાર, શિખર, સ્તંભો, કરોટક (મંડપની અંદરની છત) વગેરે ભાગોના માપ અને તેમના પ્રમાણની ચર્ચા વિગતે છે. શૈલીની દૃષ્ટિએ અધિકૃત ગ્રંથોમાં મંદિરોનું જે વર્ણન થયું છે તે આ પ્રમાણે છે : નાગર, દ્રાવિડ, વેસર, વાવાટ, ભૂમિજ અને લલિત.

આમ, ભારતીય વાસ્તુશાસ્ત્રમાં નાગરિક વાસ્તુ અને ધાર્મિક વાસ્તુ  બંનેની ચર્ચા કરવામાં આવી છે. આધુનિક કાલમાં પણ મંદિરનિર્માણમાં વાસ્તુશાસ્ત્રમાં નિર્દિષ્ટ નિયમોનું પાલન કરવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર (ચીની) : ફેંગ શુઈ. ચીન દેશનું પ્રાચીન વાસ્તુશાસ્ત્ર. ભારતની જેમ ચીન પણ પ્રાચીન દેશ છે. પ્રાચીનકાળથી બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે વ્યવહાર રહ્યો છે. ભારતની જેમ ચીનને પણ તેનું વાસ્તુશાસ્ત્ર છે – ફેંગ શુઈ. તેના અર્થ છે જળવાયુ અથવા ઋતુ અથવા દંતકથા. ભારતની જેમ જ ચીનમાં પણ પંચમહાભૂતની માન્યતા છે. તેમાં પૃથ્વી, જળ અને અગ્નિતત્વો સમાન છે. ભારતમાં પંચમહાભૂતમાંનાં જેમ વાયુ અને આકાશ તત્વો છે તેમ ચીનમાં ધાતુ અને લાકડું છે. આ તત્વોનો ઇષ્ટ સમન્વય જેમ આત્માને શરીરરૂપ ભવન પૂરું પાડે છે તેમ પ્રાણીને ઘરરૂપ ભવન પૂરું પાડે છે. ઇષ્ટ સમન્વય એને કહે છે, જેમાં અંતરિક્ષનો શ્ર્વાસ જીવન પૂરે છે. સાત્ત્વિક વૃત્તિઓનો આવિર્ભાવ થાય છે અને દુષ્ટ તત્વો લક્ષ્મણરેખાની બહાર  દૂર રહે છે.

વર્તમાન પૂર્વે 2300ના સમય આસપાસ ફેંગ શુઈના મૂળ સિદ્ધાંતો ઘાટ પામ્યા. તેમાં ભૂમિની વરણીથી આરંભ થાય છે. દિશા તથા આસપાસ નદી, તળાવ, વૃક્ષ, વન, પવન આદિ હોય તેનો વિચાર કરાય છે. શુભ તત્વનો પ્રવેશ સરળ બને પણ અશુભ તત્વનો પ્રવેશ અવરોધાય તે રીતે બાંધકામ કરવા ઉપર ભાર મુકાયો છે. પહાડી પ્રદેશ તથા ખીણના પ્રદેશનો વિચાર કરાયો છે.

વાસ્તુશાસ્ત્રના ચીની આચાર્યોમાંના એક

1948માં ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. સામ્યવાદમાં ધર્મની વાતોનો મૂળથી નિષેધ છે. તે અનુસાર, નવી સરકારે ફેંગ શુઈને પ્રોત્સાહન આપવાને બદલે ઊંધું કર્યું. આમ છતાં, પ્રાચીન સંસ્કૃતિઓમાં બને છે તેમ ચીનની વિશાળ જનતાની આ શાસ્ત્રમાં શ્રદ્ધા ટકી રહી. મોટાં નગરોમાં આધુનિક કેળવણીના નામે પ્રાચીન સંસ્કૃતિની દરેક વાતનો વિરોધ કરાયો. પણ, વિરાટ ગ્રામીણ પ્રજામાં ફેંગ શુઈમાંની શ્રદ્ધા ઘટી નહિ. વિશ્વની સૌથી મોટી હૉંગકૉંગ અને શાંગહાઈ બૅન્કના ભવનમાં વાસ્તુને લગતી બાબતો પરત્વે ફેંગ શુઈ-નિષ્ણાતોની સલાહને અનુસરવામાં આવ્યું. વર્તમાન યુગમાં પશ્ચિમમાં સ્થાપત્યક્ષેત્રે પર્યાવરણનો મોટો મહિમા ગણાયો છે. આ ક્ષેત્રે પશ્ચિમી નિયમો અને સિદ્ધાંતો ભારતી વાસ્તુશાસ્ત્ર તથા ચીની ફેંગ શુઈને મળતા આવે છે.

ભવન બાંધવા માટે ભૂમિ કે સ્થળની પસંદગીથી કામનો આરંભ થાય છે. નગર કે ગામ કે એવા કોઈ સીમાબદ્ધ ક્ષેત્રમાં સ્થાનની દિશામાં અગ્નિ ખૂણાને મહત્વ અપાયું છે. ચીન દેશની વાત કરીએ તો દેશનો ઉત્તરનો અને પશ્ચિમનો વિશાળ પ્રદેશ પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક બંને દૃષ્ટિએ નિવાસ-યોગ્ય નથી. ચીનની મહાભિત્તિ તેને છૂટો પાડે છે. આ પ્રદેશ વેરાન છે, રણવાળો છે, પર્વતોવાળો છે અને હિંસક પ્રજાઓના નિવાસવાળો પ્રદેશ છે. બીજી રીતે જોતાં, સૂર્ય પૂર્વમાં ઊગે છે. ચીનનો પ્રદેશ કર્કવૃત્તની ઉત્તરે હોવાથી ત્યાં સૂર્ય સદા દક્ષિણમાં ફરતો દેખાય છે. આમ, પૂર્વ અને દક્ષિણ અથવા અગ્નિ દિશાનો પ્રદેશ તથા તેના સન્મુખ પ્રવેશવાળું ભવન ઇષ્ટ મનાયું. વર્તમાન વાસ્તુમાં હવાઉજાસ પર ધ્યાન અપાયું છે, તે આ પ્રાચીન વિભાવનાનું અવતરણ છે. ઘર બાંધવા ભૂમિનો ઊંચો ભાગ પસંદ કરવાનું કહ્યું છે. આગળ ઢાળ ઊતરવાનો હોય તો વધારે સારું ગણ્યું છે. સૂરજ પશ્ચિમમાં આથમતો થાય તેથી તેનો તાપ મંદ પડે છે. એટલે, ઘરમાં સવારથી પૂર્વમાં અને સાંજે પશ્ચિમમાં શીતળતાનો અનુભવ મળે છે. ઘરની પાછળ વાડ બાંધવાનું ઇચ્છવાયોગ્ય લેખ્યું છે, કારણ કે પાછળ ઠંડી અને પવનને લીધે વસવાટ પ્રતિકૂળ રહે છે. એટલે, રક્ષાની દૃષ્ટિએ પાછળ યોગ્ય રૂપે વાડ હોવી આવશ્યક લેખાઈ છે. એ જ રીતે, ઘરના પાછળના ભાગે મોટો માર્ગ કે નદી, તળાવ, સરોવર હોય તે ઇષ્ટ લેખાયું નથી. મોટો માર્ગ કે ધોરી માર્ગ વાહનવ્યવહારને કારણે શાંત નિવાસમાં બાધા ઊભી કરે છે. ફેંગ શુઈમાં પાછળ નદી, તળાવ હોય એ સમૃદ્ધિ માટે બાધક ગણ્યું છે. એમાંયે જો પાણીનું વહેણ વિપરીત દિશામાં હોય તો તે સ્થળ ત્યજવાયોગ્ય ગણ્યું છે. પ્રવેશદ્વાર સામે મુખ્ય માર્ગ હોય તો ભૂમિની સીમાથી પ્રવેશદ્વાર વચ્ચે ઠીક ઠીક ભૂમિ રાખી તેમાં ઉદ્યાન અને મોટાં વૃક્ષો ઉગાડવાનું કહ્યું છે. મેંદી કે બોગનવેલ જેવી વાડ ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ રોકતી મનાય છે. માર્ગ પર જો વાહનો એકદિશ જતાં હોય અને એ દિશા વિપરીત હોય તો તેને ટાળવામાં ડહાપણ મનાયું છે.

રસોડું ઘરનું હૃદય છે. ત્યાં જીવનપોષક આહારપાણી મળે છે. પરિવારનાં બધાં સવારે નહિ તો છેવટે રાત્રે વાળુ-સમયે રસોડામાં અથવા સંલગ્ન ભોજન-ખંડમાં એકઠાં થાય છે. ફેંગ શુઈમાં રસોડાનું ઉત્તર સન્મુખ હોવું નિષિદ્ધ મનાયું છે. રસોડું અગ્નિનો વાસ છે. ઉત્તર દિશા જળની દિશા છે. એટલે એ દિશાથી અગ્નિ અને જળના સંગમમાં અગ્નિની હાનિ મનાઈ છે. રસોડા સામે કે તેની નિકટમાં શૌચાલયાદિ બાંધકામો રાખવાં ઇષ્ટ લેખાતાં નથી. ત્યાંનો દૂષિત વાયુ રસોડાને ભ્રષ્ટ કરે છે. ભીંત બાંધીને માર્ગ અવરોધવાની અથવા ફૂલછોડનાં કૂંડાં મૂકવાની હિમાયત કરવામાં આવે છે. આ સિવાય પણ ફેંગ શુઈમાં બીજી અનેક વાતો છે. એકંદરે આ શાસ્ત્ર ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ સુખશાંતિપૂર્ણ જીવન માટેના નિવાસનું શાસ્ત્ર હોવાનું પ્રતીત થાય છે.

થૉમસ પરમાર, બંસીધર શુક્લ