વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

January, 2005

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ અને ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ ઍસોસિયેશનનાં સભ્ય રહ્યાં છે.

તેમણે કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘આકાશ વીડુગલ’ (1980), ‘મૌન પુયલ’ (1985), ‘નિમંગલ નિળલગુમ્બોતુ’ (1988), ‘નિર્કા નિળલ વેન્ડમ’ (1989), ‘ડાગમ’ (1988), ‘કડઈ બમ્મઈ’ (1991), ‘વર્ગેલાઈ તેડી’ (1993) અને ‘કુત્રાવલી’ (1995) તેમની જાણીતી નવલકથાઓ છે. તેમાંની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મોનું નિર્માણ કરાયું છે. તેમની કેટલીક વાર્તાઓ અને નવલકથાઓ અન્ય ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં અનૂદિત કરાઈ છે.

ટૂંકી વાર્તાઓ માટે તેમને આનંદ વિકરન ઍવૉર્ડ; નવલકથા માટે અમુદા સુરભિ ઍવૉર્ડ; પંજાબી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને યુ. પી. હિંદી સંસ્થાન ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા