વાળાઓ : સૌરાષ્ટ્રમાં વંથળી (જિ. જૂનાગઢ) અને તળાજા(જિ. ભાવનગર)ના શાસકો. રામવાળાને વાળા વંશનો ઐતિહાસિક પુરુષ કહી શકાય. એનું રાજ્ય વંથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં ક્યાંથી આવ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી.
વાળા વંશનો બીજો એક રાજવી ઉગા વાળો દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના તળાજા(જિ. ભાવનગર)માં રાજ્ય કરતો હતો. તે વંથળીના ચૂડાસમા રા’ક્વાત પહેલા(ઈ. સ. 982-1003)નો મામો હતો. રા’ક્વાતના દરબારમાં ઉગા વાળાનું ખૂબ માન હતું. શિયાળબેટ(જિ. અમરેલી)ના અનંતસેન ચાવડાએ રા’ક્વાતને કેદ કર્યો ત્યારે ઉગા વાળાએ અનંતસેન સામે લડાઈ કરી ભાણેજને છોડાવી લાવ્યો હતો. આબુ ઉપર ચડાઈ કરવા રા’ક્વાતે ઉગા વાળાને મોકલ્યો હતો અને તેણે આબુના રાજાને હરાવ્યો હતો.
વાળાઓનું રાજ્ય તળાજામાં કેવી રીતે અને ક્યારે થયું તે વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. બારોટોના ચોપડામાં પણ વાળાઓની વંશાવળી અલગ અલગ છે, તેમાંની કઈ સાચી માનવી તે પ્રશ્ર્ન છે. પ્રચલિત અનુશ્રુતિ મુજબ ઉગા વાળાના પુત્ર એભલ પહેલાએ ઈ. સ. 1044માં તળાજામાં જઈ ગાદી સ્થાપી. એભલ પહેલા પછી ઈ. સ. 1066માં સૂરોજી તથા ઈ. સ. 1109માં તેનો પુત્ર એભલ બીજો સત્તા ઉપર આવ્યો. એભલ બીજાનો પુત્ર અણા(અણસિંહ) વાળો ઈ. સ. 1149માં ગાદીએ બેઠો. ત્યારબાદ તેનો પુત્ર એભલ ત્રીજો ગાદીએ બેઠો. એભલ ત્રીજાએ તળાજામાં કાયસ્થોની અનેક કન્યાઓનું દાન આપ્યાનું જાણવા મળે છે. તળાજામાં એભલ ત્રીજો રાજ્ય કરતો હતો ત્યારે રણજી ગૂહિલે ચડાઈ કરી અને તેણે તળાજા તથા વળા જીતી લીધાં. તેથી એભલ ત્રીજો ઢાંક(તા. ઉપલેટા, જિ. રાજકોટ) જતો રહ્યો; વચલા ભાઈ સાના વાળાએ ભાદ્રોડ (તા. મહુવા, જિ. ભાવનગર) જઈને નિવાસ કર્યો તથા નાનો ભાઈ ચાંપરાજ ત્રાપજ (તા. તળાજા, જિ. ભાવનગર) જઈને વસ્યો.
એભલ ત્રીજાનો પુત્ર અર્જુનસિંહ (ઉગા વાળો) તેના પિતા જેવો શૂરવીર હતો. તેણે તળાજામાં પરાજય મેળવ્યા બાદ ઢાંક જીતી લઈને ત્યાં પાટનગર રાખ્યું. અર્જુનસિંહને રા’ખેંગાર ત્રીજા સાથે, આશ્રિત જેવા સારા સંબંધો હતા. અર્જુનસિંહે કાઠીઓને હરાવવામાં રા’ખેંગારને મદદ કરી હતી. ઈ. સ. 1204માં અર્જુનસિંહ એક લડાઈમાં માર્યો ગયો. તેનો ભાઈ હાથી વાળો ગુજરાતમાં ઇડર ગયો. તે ઇડરના રાજા અમરસિંહનો સરદાર બન્યો અને ઈ. સ. 1174માં રાજ્ય પચાવી પાડી ઇડરનો રાજા થયો. તેના પછી તેનો પુત્ર સામળો ઇડરની ગાદીએ બેઠો. ઈ. સ. 1199માં સોનિંગ નામના રાઠોડ સરદારે સામળાનો વધ કરી, ઇડરનું રાજ્ય લઈ લીધું. સામળાનો પુત્ર સરવણ (ખોખાસિંહ) મેવાડ ગયો અને ત્યાંનો રાજવંશ તેનાથી આગળ વધ્યો.
અર્જુનસિંહ પછી ઢાંકના વાળાઓની વંશાવળી તૂટક જ મળે છે, તે મુજબ ઈ. સ. 1268માં એભલ ચોથો તથા ઈ. સ. 1344માં ધાન વાળો થયા; પરંતુ વચ્ચેના સમયની માહિતી મળતી નથી.
જયકુમાર ર. શુક્લ