વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી તરીકે ‘ઉત્તર-રામચરિત’ નાટકના પ્રથમ અંકમાં ઓળખાવે છે. મહાકવિ કાલિદાસ ‘રઘુવંશ’માં તેમને અનુષ્ટુપ છંદનો આવિષ્કાર કરનારા સંવેદનશીલ આદિકવિ કહે છે. આચાર્ય આનંદવર્ધન ‘ધ્વન્યાલોક’ની 1/5 કારિકામાં કાલિદાસના અભિપ્રાયને દોહરાવે છે. કવિવર ભોજ પોતાના ‘રામાયણચંપૂ’ના આરંભમાં કાલિદાસ અને આનંદવર્ધને ઉલ્લેખેલી અનુશ્રુતિને વિસ્તારથી વર્ણવે છે. વાલ્મીકિના ઉલ્લેખો ‘મહાભારત’ના સભાપર્વ 7/16, ઉદ્યોગપર્વ 83/27, દ્રોણપર્વ 143/57 અને અનુશાસન પર્વ 118/48માં જોવા મળે છે. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં તો વાલ્મીકિને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે.

વાલ્મીકિ (એક પરંપરાગત ચિત્ર)

મહાકવિ વાલ્મીકિના જીવન વિશે ત્રણ અનુશ્રુતિઓ મુખ્ય છે. ‘રામાયણ’ના બાલકાંડના પ્રથમ ચાર અધ્યાયોમાં વાલ્મીકિ અનુષ્ટુપ છંદના આવિષ્કર્તા અને કવિ બન્યા તે સૌથી મહત્વની અનુશ્રુતિ છે અને એને કાલિદાસ, આનંદવર્ધન, ભવભૂતિ અને ભોજ જેવા સાહિત્યકારોનો ટેકો છે. તેમાં તમસા નદીમાં સ્નાન કરવા ગયેલા વાલ્મીકિએ એક નિષાદ જાતિના શિકારીને ક્રીડારત નર ક્રૌંચ પક્ષીને હણતો જોતાં શોક અનુભવી તેને શાપ આપ્યો કે

        मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।

        यत्क्रौज्चमिथुनादेकमवधीः काममोहितम् ।।

‘ક્રીડારત નર ક્રૌંચ પક્ષીનો વધ કરવાથી, હે નિષાદ, તું સેંકડો વર્ષો સુધી શાંતિ પામશે નહિ.’ એ સમયે વાલ્મીકિને પ્રબુદ્ધ કવિ થવા અને અનુષ્ટુપ્ છંદનો આવિષ્કાર કરવા બદલ બ્રહ્માએ પ્રગટ થઈ અભિનંદન આપી મહાકાવ્ય લખવાના આશીર્વાદ આપ્યા. આ અનુશ્રુતિ વાલ્મીકિ કવિનું કરુણાસભર અને સંવેદનશીલ હૃદય ધરાવતા હતા તથા મહાકાવ્યક્ષમ અનુષ્ટુપ્ છંદના તેઓ આવિષ્કર્તા પવિત્ર મુનિ હતા એમ જણાવે છે.

બીજી અનુશ્રુતિ ‘રામાયણ’ના ઉત્તરકાંડમાં મળે છે. રામ દ્વારા ત્યજાયેલી સીતાને વાલ્મીકિએ પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો અને સીતાના પુત્રો લવ અને કુશને જાતકર્મ વગેરે સંસ્કારો કરી ગુરુ તરીકે ભણાવીને તૈયાર કર્યા અને સર્વપ્રથમ લવકુશને ‘રામાયણ’ મહાકાવ્ય ભણાવી તેમની પાસે તેનું ગાન કરાવ્યું. આ અનુશ્રુતિ વાલ્મીકિ રામના સમકાલિક હતા એમ સૂચવે છે. તે સમયે રામનો પ્રભાવ ચોમેર પ્રસરેલો હોવાથી તેમણે રામ વિશે ‘રામાયણ’ નામનું મહાકાવ્ય લખેલું તથા દુ:ખીને મદદ કરનારા કરુણાસભર મહાકવિ વાલ્મીકિ હતા એમ પણ આ અનુશ્રુતિ પરથી તારણ કાઢી શકાય. આ બંને અનુશ્રુતિઓ ‘રામાયણ’ના પ્રથમ અને અંતિમ કાંડોમાં આવે છે અને તે બંને કાંડો પ્રક્ષિપ્ત હોવાનો પણ કેટલાક વિદ્વાનોનો મત છે.

ત્રીજી અનુશ્રુતિ ‘અધ્યાત્મરામાયણ’ના 6/42માં છે. વાલ્મીકિના રામાયણના ઉત્તરકાંડમાં વાલ્મીકિ પોતે શૂદ્ર હતા અને શૂદ્ર પત્નીઓ અને પુત્રોના કુટુંબના કર્ણધાર હોવાની વાત કરી છે તો સાથે સાથે ઉત્તરકાંડના 96/18માં પોતે પ્રચેતાના દસમા પુત્ર હતા એમ વાલ્મીકિ કહે છે. ભાગવત 6/18/1માં વાલ્મીકિની માતા ચર્ષણી હતી અને તેઓ પ્રચેતા અને ચર્ષણીના બીજા પુત્ર હતા એવી માહિતી મળે છે. પદ્મપુરાણના વૈષ્ણવખંડ અને સ્કંદપુરાણના અવંતિખંડ અને નાગરખંડમાં આ ત્રીજી અનુશ્રુતિ જુદી જુદી રીતે આપવામાં આવી છે. આ ત્રીજી અનુશ્રુતિમાં તેઓ દેવપુત્ર હોવા છતાં શૂદ્રની સંગતિથી શૂદ્રની જેમ વ્યવહાર કરતા હતા. વનમાં લૂંટફાટથી પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી ઋષિને લૂંટવા જતાં કુટુંબીઓ પાપમાં ભાગીદાર થવા તૈયાર ન થતાં અંતે ઋષિના ઉપદેશથી ખૂબ તપ કર્યું. પરિણામે શરીર પર રાફડા બાઝ્યા અને પાપોમાંથી મુક્ત થઈ પવિત્ર બન્યા. આ અનુશ્રુતિ વાલ્મીકિ જઘન્ય કર્મોમાંથી પવિત્ર અને મહાન મુનિ બન્યા એમ સૂચવે છે.

વાલ્મીકિનો સમય નક્કી કરવો મુશ્કેલ છે. એમાં ચાણક્યના અર્થશાસ્ત્રમાં રાવણનો ઉલ્લેખ મળે છે, તેથી ઈ. પૂ. ચોથી સદી પહેલાં વાલ્મીકિ થઈ ગયા એમ કહી શકાય. બૌદ્ધ જાતકકથાઓમાં દશરથજાતકમાં રામકથા છે તેથી ઈ. પૂ. પાંચમી સદીમાં તેમને થયેલા મૅકડોનલ, મૉનિયેર વિલિયમ્સ, સી. વી. વૈદ્ય, કામિલ બુલ્કે વગેરે માને છે. વૉર્ડર અને વિન્ટરનિટ્ઝ તેમને ઈ. પૂ. ત્રીજી સદીમાં થયેલા માને છે. ઈ. પૂ. 800માં યાકૉબી અને ઈ. પૂ. 1200માં શ્લેગલ અને ગોરેશિયો વાલ્મીકિનો સમય માને છે. તેમણે કરેલા આર્ષ પ્રયોગો જોતાં ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદીમાં થયેલા તેમને માની શકાય.

મહર્ષિ વ્યાસ જેવા ભુવનોપજીવ્ય કવિ, આદિકવિ છતાં શ્રેષ્ઠ મહાકવિ, મધુમય ભણિતિના માર્ગદર્શક કવિ, જીવનનાં અનેક સત્યોનું ઉદ્ઘોષણ કરનાર કવિ, ઉત્કૃષ્ટ પ્રકૃતિકવિ, ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓના નિરૂપક કવિ, મનોરમ વર્ણન અને સુરેખ તથા વૈવિધ્યપૂર્ણ પાત્રોના આલેખક કવિ, આદર્શો રજૂ કરનાર કવિ, રસપેશલ અને વૈદર્ભી શૈલીના પિતા, અનુષ્ટુપ છંદના આવિષ્કર્તા અને કરુણ રસના આ કવિ ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા કવિ તરીકે સન્માન્ય રહ્યા છે.

જાગૃતિ પંડ્યા, પ્ર. ઉ. શાસ્ત્રી