વાલ્પારાઇસો

January, 2005

વાલ્પારાઇસો : ચીલીનું મોટામાં મોટું શહેર અને મુખ્ય દરિયાઈ બંદર. વાલ્પારાઇસો પ્રદેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 71° 30´ પ. રે.. તે પૅસિફિકના કાંઠા પર સાન્ટિયાગોથી વાયવ્યમાં આશરે 110 કિમી.ને અંતરે આવેલું છે. વાલ્પારાઇસો આજે તો ખૂબ જ અદ્યતન અને વિકસિત શહેર બની રહેલું છે. આ શહેરમાં ઘણી સુંદર જાહેર ઇમારતો તથા શાળાઓ આવેલી છે. અહીં કાપડ, કપડાં, યંત્રસામગ્રી, તમાકુ, ખાંડ અને આલ્કોહૉલયુક્ત પીણાંના એકમો વિકસેલા છે. વાલ્પારાઇસો અને સાન્ટિયાગો તથા વાલ્પારાઇસો અને ચીલીના અંદરના ભૂમિભાગમાં આવેલાં ખાણમથકો રેલમાર્ગોથી જોડાયેલાં છે. 1906માં અહીં ભીષણ ભૂકંપ થયેલો, જેમાં આ શહેરના કેટલાક ભાગો નાશ પામેલા. આ શહેરની વસ્તી 1996 મુજબ 2,82,850 જેટલી છે. વાલ્પારાઇસો પ્રદેશની વસ્તી અને વિસ્તાર અનુક્રમે 14,69,148 અને 16,396 (1995 મુજબ) જેટલાં છે.

ગિરીશભાઈ પંડ્યા