વાલ્ધેમ, કુર્ત (જ. 21 ડિસેમ્બર 1918, વિયેના) : રાષ્ટ્રસંઘના ચોથા મહામંત્રી, ઑસ્ટ્રિયાના પ્રમુખ (1986-92) અને રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે સમયે ઑસ્ટ્રો-હંગેરીનું સામ્રાજ્ય તૂટ્યું અને ઑસ્ટ્રિયા સંકોચાઈને એકમાત્ર નાનું રાજ્ય બની રહ્યું હતું.
વિયેના યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી 1944માં સ્નાતક બન્યા. 1945માં ઑસ્ટ્રિયાની વિદેશસેવામાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન સોવિયેત સંઘ તરફની સરહદે તેમણે સેવા બજાવેલી. 1938માં નાઝી જર્મનીના લશ્કરે ઑસ્ટ્રિયા પર કબજો જમાવ્યો ત્યારે લશ્કરના વડાએ તેમને બોલાવ્યા અને લેફ્ટનન્ટ તરીકે સેવા બજાવવાની કામગીરી સોંપી અને તેમણે પૂર્વ સરહદે કામગીરી બજાવી. પછી તેમને ગ્રીસ અને યુગોસ્લાવિયામાં કામગીરી સોંપાઈ હતી. બુદ્ધિશાળી લશ્કરી અધિકારી તરીકે તેમની ખ્યાતિ હતી. 1945માં હિટલરના જન્મદિવસે જનરલ ઍલેક્ઝાંડર લોરે તેમને ‘વૉર મેરિટ ક્રૉસ’ ભેટ ધર્યો હતો. જોકે આ જ ઍલેક્ઝાંડરને યુદ્ધકેદી તરીકે ફાંસી આપવામાં આવી ત્યારે વાલ્ધેમે તેના વિશે સાવ ટૂંકી રજૂઆત કરી હતી.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેઓ ઑસ્ટ્રિયાની વિદેશ-સેવામાં જોડાયા. 1955થી 1960 દરમિયાન કૅનેડા ખાતે એલચી નિમાયા, 1960થી 1964 સુધી પૉલિટિક્સ અફેર્સ મંત્રાલયના નિયામક રહ્યા. 1964થી 1968 દરમિયાન ઑસ્ટ્રિયાના કાયમી પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રસંઘમાં સેવાઓ આપી. 1968માં ઑસ્ટ્રિયા ખાતે પાછા ફરીને 1970 સુધી વિદેશમંત્રી રહ્યા બાદ ફરી રાષ્ટ્રસંઘમાં ગયા. નાના અને તટસ્થ દેશના રાજદૂત તરીકે 1971માં રાષ્ટ્રસંઘના મહામંત્રી ચૂંટાયા. દસ વર્ષ સુધી તેમણે આ કામગીરી બજાવી (1971-81).
1981 અને 1986માં તેઓ ઑસ્ટ્રિયાના પ્રમુખ ચૂંટાયા. તેમની કારકિર્દીનો આ વિવાદાસ્પદ તબક્કો હતો. યુદ્ધપ્રવૃત્તિ અંગે જૂઠાણું ચલાવ્યું હોવાનો તેમના પર આક્ષેપ હતો. વળી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓએ યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ કરી તે બધાને મોતની છાવણીઓ તરફ ધકેલ્યા હતા. આ સિવાય અન્ય અપકૃત્યોમાં પણ તેઓ સંકળાયેલા હોવાના આરોપ છતાં તેમણે ચૂંટણી-પ્રચાર ચાલુ રાખ્યો અને બે મુદત સુધી દેશના પ્રમુખ ચૂંટાયા. પ્રમુખપદના હોદ્દા દરમિયાન ઉપર્યુક્ત કારણોસર એક મોટો વર્ગ તેમને બહિષ્કૃત ગણતો.
યુનોના મહામંત્રી તરીકે શાંતિ જાળવવામાં અને ગરીબ દેશોને સહાય વધારવામાં તેમની ભૂમિકા વધુ મહત્વની હતી. તેથી પ્રમુખ કરતાં યુનોના મહામંત્રી તરીકે તેઓ વિશેષ નોંધપાત્ર બન્યા. 1982માં પ્રમુખપદેથી નિવૃત્ત થઈ જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપક તરીકે કામગીરી બજાવી.
રક્ષા મ. વ્યાસ