વાલેરી પૉલ

January, 2005

વાલેરી, પૉલ (જ. 30 ઑક્ટોબર 1871, સેતે, ફ્રાન્સ; અ. 20 જુલાઈ 1945, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નિબંધકાર અને વિવેચક. પૂરું નામ ઍમ્બ્રોઇસ-પોલ-તૂસ-સેંત-જુલે વાલેરી. ‘લા ર્જ્યૂં પાર્ક’ (1917, ‘ધ યન્ગ ફેટ’) કાવ્યથી તેઓ ફ્રેન્ચ સાહિત્યમાં અમર થયા છે. ભૂમધ્ય સમુદ્રના એક નાના બંદરમાં તેમના પિતા સરકારી જકાત ખાતામાં ઉચ્ચ હોદ્દા પર હતા. મૉન્તપેલ્લિયરમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં તેમને કવિતા અને સ્થાપત્યકલામાં રસ પડ્યો. તેમનો આત્મવિશ્વાસ ડગુમગુ હતો. ગુસ્તાવ ફૉર્મેન્ત (જે પાછળથી તત્વજ્ઞાનના પ્રાધ્યાપક થયેલા), પિયેર લૂયસ અને આન્દ્રે જિદ (જે પાછળથી પ્રસિદ્ધ લેખકો થયા) તેમના આ કાળના મિત્રો હતા. એડ્ગર એલન પૉ., જે. કે. હાટ્સમેન્સ, સ્ટીફન માલાર્મે સાહિત્યસર્જન માટે તેમનો આદર્શ હતા.

1888થી 1891 દરમિયાન વાલેરીએ કેટલાંક કાવ્યો સામયિકોમાં પ્રસિદ્ધ કર્યાં. પ્રતીકવાદીઓ(symbolists)ને આ કાવ્યો ગમેલાં. પરંતુ 1892માં એક પ્રેમસંબંધમાં તેમને નિષ્ફળતા સાંપડતાં ઊર્મિ અને લાગણીને અલવિદા કરી પોતે બુદ્ધિ (intellect) અને તર્કને ચરણે જીવન ધરી દીધું. પુસ્તકોથી અળગા થઈ ગયા. 1894થી જીવનના અંત સુધી વહેલા પરોઢિયે ઊઠી જઈને કલાકો સુધી ધ્યાનમાં ઊંડા ઊતરી જઈને ભાષા વિશે ચિંતવન કરીને પોતાના વિચારોને નોંધી લેતા. પાછળથી તે લખાણ ‘કૅશિયર્સ’ તરીકે પ્રસિદ્ધ થયું હતું. ‘માશિયર તેસ્ત’ (1896) (‘મિસ્ટર હેડ’) આ વિચારના પરિપાક રૂપે રચાયું હતું.

1897થી 1900 સુધી વાલેરીએ ફ્રેન્ચ વૉર ઑફિસમાં કાર્ય કર્યું. 1900થી 1922 સુધી એદોઅર્દ લેબીના સેક્રેટરી હતા. દૈનિકો અને પૅરિસ સ્ટૉક એક્સચેન્જના મુખ્ય સમાચારોને વાંચી સંભળાવવાનું કામ તેમણે કરવાનું હતું.

પૉલ વાલેરી

‘લા ર્જ્યૂં પાર્ક’ (1917) માટે તેમણે પાંચ વર્ષ સુધી કાર્ય કર્યું. તેના પ્રકાશને તેમને કીર્તિના શિખરે સ્થાપ્યા. ફ્રેન્ચ કવિતાના મોટા ગજાના કવિ તરીકે તેમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. આ પછી તેમણે ‘આલ્બમ દ વર્સ ઍન્શિયન્સ, 1890-1900’ અને ‘ચાર્મ્સ ઓયુ પોએમ્સ’ પ્રસિદ્ધ કર્યાં. આમાં છેલ્લા કાવ્યસંગ્રહમાં સેંતના કબ્રસ્તાનમાં મૃત્યુવિષયક કાવ્યનો સમાવેશ થાય છે. જોગાનુજોગ આ જ કબ્રસ્તાનમાં તેમને પછી દફનાવવામાં આવ્યા હતા.

માનવચેતનામાં ઇચ્છા અને કર્મ વચ્ચેનો સંઘર્ષ વાલેરીનો પ્રિય વિષય છે. ‘ઇન્ટ્રોડક્શન અ લા મેથદ દ લિયૉનાર્દ દ વિન્ચિ’ તે મનની અનંત શક્તિ અને કર્મની અપૂર્ણતા વચ્ચેનો વિરોધાભાસ છતો કરવાનો પ્રયત્ન કરે છે. ‘લા ર્જ્યૂં પાર્ક’માં વહેલી પરોઢે, દરિયાકિનારે યુવા-નસીબને અમર બની જવું કે શરીર ધારણ કરીને સુખદુ:ખમાં ચડઊતર કરવી એ બેમાંથી શેની પસંદગી કરવી તેની ગડમથલમાં સંઘર્ષ અનુભવતું બતાવે છે. ‘લ સિમેતિયરમરિન’માં ભરબપોરે દરિયાકિનારે ‘હોવું’ અને ‘ન હોવું’ સ્થિતિ પર કવિ ચિંતવન કરે છે. આ જીવન અને મૃત્યુ પરનું ચિંતન છે. તેમનાં પત્રોમાં લોકસેવાનાં કર્તવ્યો અને પરમ એકાંતની ઇચ્છા વચ્ચેનો કવિનો સંઘર્ષ વ્યક્ત થયો છે.

1922 પછી વાલેરી મહત્વની કહી શકાય તેવી કોઈ કાવ્યપ્રવૃત્તિ કરતા નથી; પરંતુ ત્યાં સુધીમાં મહત્વના કવિ તરીકે તેમની કીર્તિને સૌ કોઈ સ્વીકારે છે.

વાલેરીના નિબંધો અને પ્રસ્તાવનાઓ તેમના ચિંતનને અને પોતાના મનને સમજવા માટેના પ્રયત્નને છતો કરે છે. એમના વિષયોમાં વૈવિધ્ય છે. સર્જકો અને લેખન, તત્વજ્ઞો અને ભાષા, કલાકારો અને નૃત્ય, સ્થાપત્ય અને લલિતકલાઓ વગેરે વિષયોને, વાલેરી નવેસરથી તપાસે છે. શિક્ષણ, રાજકારણ અને સાંસ્કૃતિક મૂલ્યોમાં તેમનો સવિશેષ રસ દેખાય છે. ચીન-જાપાન યુદ્ધ (લ યાલૂ – 1895) અને જર્મન-નાઝી આક્રમણ વિશે(લા કૉન્કેત ઑલમાન્દે – 1897)ના નિબંધોમાં તેમની પશ્ચિમની સંસ્કૃતિવિષયક ચિંતા છતી થાય છે. ‘વૉલ્તેર’ વિશે 1944માં તેમણે તેમનું છેલ્લું જાહેર વક્તવ્ય આપેલું.

1922માં લેબીના અવસાન પછી વાલેરી પ્રજાના માનીતા પુરુષ બની ગયા હતા. અગાધ જ્ઞાન, વિનમ્રતા અને પ્રભાવશાળી વક્તવ્યને લીધે લોકો તેમને સાંભળવા હંમેશ આતુર રહેતા. આંતરરાષ્ટ્રીય પ્રતિભાવાળા લેખકો, વૈજ્ઞાનિકો, સેનાધિપતિઓ અને રાજ્યના વડાઓ વચ્ચે તે હંમેશ ખીલી ઊઠતા. આધુનિક ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં તેમને ખૂબ રસ પડતો. મોરિસ, દુક દ બ્રોગલી, બર્નહાર્ડ રીમાન, માઇકલ ફૅરડે, આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ જેવા વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞોનાં લખાણોમાં તેમને ખૂબ રસ પડતો. યુરોપમાં તેમનાં ભાષણો સાંભળવા માટે લોકોની ભીડ થતી. 1925માં અકાદમી ફ્રાન્કેઈએ તેમને ચૂંટ્યા હતા. નાઇસના ‘સેન્ટર યુનિવર્સિતેર મેદિતરેનિયન’ના વહીવટી અધિકારી તરીકે તેમની નિમણૂક 1933માં થઈ હતી. તેમના માટે ‘પ્રોફેસર ઑવ્ પોએટ્રી’ની ચૅર કૉલેજ દ ફ્રાન્સમાં 1937માં સ્થાપવામાં આવી હતી. તેમના અવસાનને ફ્રાન્સની સરકાર તરફથી સંપૂર્ણ માન આપવામાં આવ્યું હતું.

બૌદ્ધિકોમાં બૌદ્ધિક અને અતિવાસ્તવવાદીઓ(surrealists)ના રોષને વહોરી લેનાર વાલેરીના સર્જનમાંથી સાંપડતા પૂરતા પુરાવામાંથી એમ સહેજે ફલિત થાય છે કે ઇન્દ્રિયગમ્ય આનંદમાં તેઓ તરબતર થયેલા. ‘લક્ઝુરિયુસ ઑબૅ’, ‘લા દોર્મેયુસ’ અને ‘‘ઇબૉચ દ’ ઍં સર્પન્ત’’માં વસ્ત્રહીન સ્ત્રીચિત્રોનો તેમણે કરેલો ઊંડો અભ્યાસ દેખાય છે. તે જ પ્રમાણે ‘લા ફૉસ મૉર્ત’, ‘લ સિમેતિએર મારિન’ અને ‘ફ્રેગમેન્ત્સ દુ નાર્સિસ’માં પ્રેમીઓનાં આલિંગનોની વાત તેમણે ઉષ્માસભર રીતે કરી છે. બાળપણથી સ્વાનુભવમાં જોયેલાં ભૂમધ્યપ્રદેશના સૂર્ય, આકાશ અને દરિયાના મિલનનાં સંસ્મરણો અહીં જાણે કે પુનર્જાગ્રત થાય છે. તેમના ગદ્ય અને પદ્યનાં લખાણોનું આગવું લક્ષણ આ ઇન્દ્રિયગમ્ય અનુભવ છે. તેમનું ગદ્ય સૂત્રાત્મક કહેવત જેવું છે. તેમાં લાલિત્ય છે અને તેમના પદ્યમાં સ્વાભાવિક કલ્પનો અને ધ્વન્યાત્મક નિર્દેશો છે. જોકે આ બધાંયને સુદૃઢ રીતે બાંધતું સૌષ્ઠવપ્રિય સ્વરૂપ તો સઘનતાથી દૃષ્ટિગોચર થાય છે.

જે. હાઇશિયરે બે ગ્રંથમાં વાલેરીના તમામ સર્જનને ગેલિમાર્ડ આવૃત્તિમાં (1957-60) પ્રસિદ્ધ કર્યું છે. જોકે આ ઉપરાંત તેમની સમગ્ર કૃતિઓનાં પ્રકાશન 12 (1931-50) અને 29 ગ્રંથોમાં (1957-61) સમાવિષ્ટ તેમના 254 કેહિયર્સ સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમની પુત્રી આગાથે રાઉઆર્ત વાલેરીએ ‘પૉલ વાલેરી’ (1966) નામનું પ્રમાણભૂત જીવનચરિત્ર લખ્યું છે. જે. આર. લૉલરે ‘ધ પોએટિક થિયરી ઑવ્ પૉલ વાલેરી : ઇન્સ્પિરેશન ઍન્ડ ટૅકનિક’ (1970) પ્રસિદ્ધ કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી