વાલેન્શિયા (શહેર)-2

January, 2005

વાલેન્શિયા (શહેર)-2 : સ્પેનનાં મૅડ્રિડ અને બાર્સિલોના પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર તથા તે જ નામ ધરાવતો પ્રાંત અને પ્રાંતીય પાટનગર. ભૌગોલિક સ્થાન : 39° 28´ ઉ. અ. અને 0° 22´ પ. રે.. આ શહેર ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં વાલેન્શિયાના અખાતને કાંઠે માત્ર 5 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં તુરિયા નદી પર વસેલું છે. અહીં તેનું બંદર વિલાન્યુવા ડેલ ગ્રાઓ પણ છે. ઍલિકેન્ટ, કૅસ્ટેલૉન અને વાલેન્શિયાથી બનેલું વાલેન્શિયા 23,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1998 મુજબ એકલા વાલેન્શિયા શહેરની વસ્તી 7,39,412 જેટલી, જ્યારે સમગ્ર વિભાગની વસ્તી 21,72,796 જેટલી છે.

આ શહેર પૂર્વ સ્પેનનાં મહત્વનાં ગણાતાં રેલમથકો પૈકીનું એક છે. આ મથકેથી મોટા પાયા પર નારંગીઓ તેમજ બીજાં ફળોની નિકાસ થાય છે. તે સ્પેનના પૂર્વ વિભાગનું દારૂ, ફળો, રસાયણો, કાપડ, જહાજી મરામત માટેનું ઔદ્યોગિક મથક છે. તે તેનાં રેશમ, રંગીન ટાઇલ્સ, તમાકુ, કાપડ, લોખંડ અને કાંસાનાં પાત્રો માટે જાણીતું છે. આ શહેરમાં ઉત્પન્ન થતી અન્ય પેદાશોમાં સિમેન્ટ, રાચરચીલું, સંગીતનાં વાદ્યો, કાગળ, રમકડાં, સુગંધી દ્રવ્યો તથા સૌન્દર્યપ્રસાધનોનો સમાવેશ થાય છે.

આજનું મોટાભાગનું વાલેન્શિયા અર્વાચીન રંગે રંગાયેલું છે. તેરમીથી પંદરમી સદીનાં કૅથીડ્રલ તેમજ 1500માં સ્થપાયેલી વાલેન્શિયા યુનિવર્સિટી અહીંનાં જોવાલાયક સ્થળો છે. આ શહેરમાં મુરીશ શૈલીના આવાસોની હાર તથા ઘણી જાહેર ઇમારતો પણ જોવા મળે છે.

ઇતિહાસ : ભૂમધ્ય સમુદ્રના કાંઠા પર, પૂર્વ સ્પેનમાં આવેલું એક વખતનું પ્રાચીન સામ્રાજ્ય. સેંકડો વર્ષો પહેલાં આ સામ્રાજ્ય મૂર લોકોના કબજામાં હતું. કૉર્ડોબાની મૂરીશ ખલીફાતના કાર્યકાળ પછી 1021માં આજના વાલેન્શિયા શહેરની આજુબાજુના વિસ્તારમાં તેનું સ્વતંત્ર સામ્રાજ્ય ઊભું થયેલું. વાલેન્શિયા કાંઠા નજીક હોઈ તેનું પાટનગર બનેલું. મૂર લોકો પાસેથી અલ સિદે આ વિસ્તાર મેળવ્યા પછી 1094થી 1099 સુધી અહીં અલ સિદનું શાસન રહેલું. સિદના મૃત્યુ બાદ તેની વિધવા ક્ષિમેનાએ આ સામ્રાજ્યને 1101 સુધી ટકાવી રાખેલું.

1147થી 1151 સુધી મૂર ઇબ્ન મર્દનીશે ખ્રિસ્તીઓ તરફ મૈત્રીભાવ રાખેલો. અલ મોરેવિદો અને અલ મોહાદો આ સામ્રાજ્યના છેલ્લા શાસકો હતા. 1238માં આરાગોનના જેમ્સ પહેલાએ તે જીતી લીધેલું. 1238માં ટૉરિસ દ સિરેગૉસ નામનો દરવાજો બનાવાયેલો. આ રીતે 1238માં તે ખ્રિસ્તીઓના કાબૂ હેઠળ આવ્યું. તે વખતે તેનો વિસ્તાર 23,232 ચોકિમી. જેટલો હતો. આ સામ્રાજ્ય આરાગોન રાજવીઓ દ્વારા શાસિત હોવા છતાં 1319 સુધી સ્વાયત્ત હતું. ચૌદમા સૈકામાં અહીં બે ટાવર ઉમેરાયા. અગાઉ રોમનોએ બાંધેલા કોટની દીવાલો 1871માં તોડી નખાઈ. 1930માં કેટલાંક જૂનાં સ્મૃતિચિહ્નોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. પ્રાચીન સામ્રાજ્યને બદલે આજે તેની સ્મૃતિ અપાવતું વાલેન્શિયા શહેર ઊભું છે.

ગિરીશભાઈ પંડ્યા