વાલરા લિયોન (જ. 1834; અ. 1910) : અર્થશાસ્ત્રમાં ગણિતશાસ્ત્રની શાખા(Mathematical School)ના સંસ્થાપક ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. તેઓ વિલિયમ સ્ટન્લે જેવન્સ (183582) અને કાર્લ મેન્જર (1840-1921) એ બે અગ્રણી અર્થશાસ્ત્રીઓના સમકાલીન હતા. તેમના પિતા ઑગસ્ટ વાલરાના પ્રોત્સાહનથી તેઓ અર્થશાસ્ત્ર તરફ વળ્યા. તે પૂર્વે તેમણે વિવિધ વ્યવસાયોમાં નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો; દા. ત., થોડાક સમય માટે તેમણે ખાણ ઇજનેરીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પત્રકાર, વ્યાખ્યાતા, રેલવે કર્મચારી અને બૅંક-ડિરેક્ટરના પદ પર પણ તેમણે કામ કર્યું હતું. પરંતુ પિતાની દોરવણીને માન આપીને છેવટે તેઓ અર્થશાસ્ત્ર સાથે ગણિતના અધ્યયનમાં સ્થિર થયા. દરમિયાન તેમણે એક નવલકથા પણ લખી હતી. 1870માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડની લૉસેન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકપદે દાખલ થયા (1870-92) અને નિવૃત્તિ સુધી ત્યાં અર્થશાસ્ત્રના સંશોધનમાં કાર્યરત રહ્યા.
તેમના મત મુજબ અર્થશાસ્ત્રનું અધ્યયન ત્રણ વિભાગમાં વહેંચવું જોઈએ : (1) શુદ્ધ અથવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર, (2) પ્રયુક્ત અર્થશાસ્ત્ર અને (3) સમાજલક્ષી (social) અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રને શુદ્ધ અને તાત્વિક (abstract) શાસ્ત્ર બનાવવાની તેમની મહેચ્છા હતી. અર્થશાસ્ત્રમાં સામાન્ય સમતુલા(General Equilibrium)નો ખ્યાલ તેમણે જ દાખલ કર્યો હતો; એટલું જ નહિ, પરંતુ આર્થિક વિશ્લેષણની પદ્ધતિમાં ગણિતના ઉપયોગની પહેલ તેમના થકી જ થયેલી હોવાથી તેમને સાચા અર્થમાં ‘મૅથમૅટિક સ્કૂલ’ના સંસ્થાપક ગણવામાં આવે છે. 1874માં તેમણે સીમાવર્તી તુદૃષ્ટિગુણની વિભાવના રજૂ કરી હતી. તેમના મત મુજબ કોઈ પણ વસ્તુ કે સેવાનું વિનિમયમૂલ્ય તેના તુદૃષ્ટિગુણ અને પુરવઠા પર આધાર રાખે છે. તેમની એવી પણ રજૂઆત હતી કે કોઈ પણ એક વસ્તુનું મૂલ્ય અન્ય વસ્તુઓની કિંમતો દ્વારા નક્કી થતું હોય છે. આ પ્રકારના ખ્યાલો રજૂ કરવા માટે તેમણે ગણિતનો બહોળો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે ઉત્પાદનનાં સાધનોનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે તે સમજાવવા માટે પણ તેમણે આવી જ ગણિતબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
તેમણે વિપુલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે : (1) ‘એલિમેન્ટ્સ ઑવ્ પ્યોર ઇકૉનૉમિક્સ’, (2) ‘થિયરી ઑવ્ એક્સચેન્જ’, (3) ‘થિયરી ઑવ્ પ્રૉડક્શન’, (4) ‘મૅથમૅટિકલ થિયરી ઑવ્ સોશિયલ વેલ્થ’, (5) ‘સ્ટડિઝ ઇન સોશિયલ ઇકૉનૉમિક્સ’ અને (6) ‘સ્ટડિઝ ઇન અપ્લાઇડ ઇકૉનૉમિક્સ’.
તેમના જીવનકાળ દરમિયાન ભલે તેમની પૂરતી કદર થઈ ન હોય છતાં વીસમી સદીમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડો (1772-1823) અને સામ્યવાદી વિચારસરણીના જનક કાર્લ માર્કસ (1818-83) જેવા અર્થશાસ્ત્રીઓનાં લખાણોનું જેટલા પ્રમાણમાં અધ્યયન થાય છે લગભગ તેટલા જ પ્રમાણમાં મારી એસ્પ્રિટ લિયોન વાલરાના વિચારોનું અધ્યયન પણ થઈ રહ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે