વાલરસ : આર્ક્ટિક, ઉત્તર ઍટલૅંટિક અને ઉત્તર પૅસિફિક દરિયામાં વસતું સસ્તન પ્રાણી. તેનો સમાવેશ પિનિપીડિયા શ્રેણીના ઓડોબેનિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ : odobenus rosmarus. બે લાંબા શૂળદંતો અને તરવા માટે અરિત્રો(flippers)ની બે જોડ, એ વાલરસનું વૈશિષ્ટ્ય છે. તે તરવૈયા તરીકે અત્યંત કુશળ છે. અરિત્રોનો ઉપયોગ તરવા ઉપરાંત, શિયાળામાં તરતા બરફનાં ક્ષેત્રો પર પડને ઘસડવામાં થાય છે.
પુખ્ત વાલરસનું વજન આશરે 1,400 કિલોગ્રામ હોય છે, જ્યારે તેની લંબાઈ 3.5 મીટર જેટલી હોઈ શકે છે. શૂળદંતો આશરે 1 મીટર જેટલા લાંબા હોય છે. તેને લીધે ધ્રુવીય રીંછ જેવાં પ્રાણીઓથી તે સુરક્ષિત રહે છે. બરફ પર આરૂઢ થવા પણ તેઓ ઉપયોગી નીવડે છે. જોકે ગુસ્સામાં આવેલ વાલરસ અરિત્રો વડે શિકારીઓને અથવા તો તેમની હોડીને પછાડી નાખે છે.
વાલરસનો મનગમતો ખોરાક છીપલાં છે. તદુપરાંત અન્ય નાનાંમોટાં દરિયાઉ પ્રાણીઓ પણ તે ખાય છે. તે જીભ વડે શૂન્યાવકાશ નિર્માણ કરી, છીપના શરીરમાંથી તેના માંસને શોષણક્રિયા દ્વારા અલગ કરીને મોઢામાં ધકેલે છે. તેના ઉપલા હોઠ પર આવેલા વાળ(bristles)ની મદદથી ભક્ષ્યનો અંદાજ મેળવી તેને પકડે છે.
વાલરસને ગર્જના કરવાની આદત છે. તે ગર્જના એકાદ કિલોમિટર દૂરથી સાંભળી શકાય છે. શિકારીઓ ગર્જનાની મદદથી વાલરસને શોધી કાઢે છે. એસ્કિમો વાલરસનો શિકાર કરતા હોય છે અને તેનું માંસ તેઓ ખાય છે; જ્યારે તેની ચામડીનો ઉપયોગ આશ્રયસ્થાનને બાંધવા અને હોડી બનાવવા માટે કરે છે. તેઓ દંતૂશળોને કોતરી જાતભાતની આકૃતિઓ બનાવે છે.
વાલરસ સામાન્ય રીતે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. જોકે કેટલાંક વાલરસ એકલાં વસતાં પણ જોવા મળે છે.
સામાન્યપણે માદા વાલરસ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે અને તેની દેખભાળ એક વરસ સુધી કરે છે. સામાન્યપણે તે 40 વર્ષ જીવે છે.
વાલરસનો શિકાર મોટા પાયા પર થતો હોવાથી તેની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.
મહાદેવ શિ. દુબળે