વાર્ષિક અહેવાલ : કંપની દ્વારા તેના શૅરહોલ્ડરોને દર વર્ષે મોકલવામાં આવતો અહેવાલ. મોટાભાગની ભારતીય કંપનીઓ ભૂતકાળમાં દર વર્ષે તેમના શૅરહોલ્ડરોને સરવૈયા અને નફાનુકસાન ખાતાની સંક્ષિપ્તમાં નકલ તથા સંચાલકોનો અહેવાલ (Director’s report) મોકલતી હતી. આ અહેવાલમાં કંપનીના નફાનું અનામતો(reserves)માં રૂપાંતર અને ડિવિડન્ડ-વિતરણની ભલામણ તથા ‘સંજોગો ધ્યાનમાં લેતાં કંપનીની સંતોષજનક કામગીરી’ એવી ચીલાચાલુ નોંધ સિવાય કોઈ વિગતો જણાવવામાં આવતી ન હતી. કંપનીઓની આવી વર્તણૂક સ્પષ્ટ રીતે અસંતોષકારક હતી, કારણ કે જે વિગત જાહેર કરવાથી કંપનીનાં હિતોને ભવિષ્યમાં નુકસાન અને હાનિ થતાં હોય તે સિવાયની બધી માહિતી મેળવવાનો પરોક્ષ માલિક તરીકે શૅરહોલ્ડરોનો અધિકાર છે. કાળક્રમે કંપની અધિનિયમ, 1956ની જોગવાઈઓ હેઠળ શૅરહોલ્ડરોની વાર્ષિક સભામાં કંપનીનાં સરવૈયાં અને નફા-નુકસાન ખાતાની નકલ ઉપરાંત સંચાલકોનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનું તથા આ અહેવાલમાં આ વિગતોનો સમાવેશ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું : (1) કંપનીની વિવિધ (પ્રવૃત્તિઓની) પરિસ્થિતિનું યથાર્થ વર્ણન, (2) કંપનીના નફાની જુદી જુદી અનામતોમાં ફાળવણી કરવાની ભલામણ, (3) ડિવિડન્ડ જાહેર કરવાની ભલામણ, (4) કંપનીના નાણાકીય વર્ષની આખર તારીખથી સંચાલકોના અહેવાલની તારીખ વચ્ચેના સમયમાં કંપનીની નાણાકીય પરિસ્થિતિને અસર પહોંચાડે તેવા વાસ્તવિક ફેરફારો અને કબૂલાતોની વિગતવાર નોંધ અને (5) ઑડિટરનો અહેવાલ તથા તેમાં ચેતવણીઓ અથવા પ્રતિકૂળ ટિપ્પણીઓ હોય તો તેમની પૂરી વિગતો તથા તે અંગેના સંચાલકોના ખુલાસાઓ. આ ઉપરાંત જે વિગતો જાહેર થવાથી કંપનીનો ધંધો જોખમાય નહિ તેને અનુરૂપ આ વિગતો સંચાલકોના અહેવાલમાં આપવી જોઈએ તેમ ઠરાવવામાં આવ્યું : (1) કંપનીના ધંધાના પ્રકારમાં વર્ષ દરમિયાન થયેલા ફેરફારો, (2) કંપનીની નિયંત્રિત (subsidiary) કંપનીઓનાં સરવૈયાં તથા તેમના ધંધાના પ્રકારમાં વર્ષ દરમિયાન થયેલા ફેરફારો અને (3) કંપની અધિનિયમ હેઠળ વારંવાર ફેરફાર કરીને ઠરાવેલી વાર્ષિક મર્યાદાથી વધારે પગાર મેળવનારા કર્મચારીઓની યાદી, તેમની શૈક્ષણિક અને અન્ય લાયકાતો, અનુભવ, તેમને સોંપવામાં આવેલી કામગીરીનો પ્રકાર અને સંચાલકો/પ્રબંધકોનાં સંબંધી હોય તો તેમનાં નામ અને સંબંધનો પ્રકાર. સંચાલકોના અહેવાલ ઉપર કંપનીના ચૅરમૅનની સહી અથવા કાર્યવાહક અધિકારી/પ્રબંધક અને બે સંચાલકોની સહી હોવી જરૂરી છે.
મોટાભાગના શૅરહોલ્ડરો નામા અંગે પૂરતું જ્ઞાન ધરાવતા નથી, તેથી જો તેમને વાર્ષિક અહેવાલની સાથે સરવૈયા અને નફા-નુકસાનની ‘ટી’ (T) આકારમાં બનાવેલી નકલ મોકલવામાં આવે તો તેઓ હિસાબી વિગતો સમજી શકતા નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિને સમજણ પડે તેવી સરળ રીતે તૈયાર કરેલી હિસાબી વિગતો શૅરહોલ્ડરોને આપવાની સંચાલકોની ફરજ છે; તેથી હવે આવી વિગતો ‘ટી’ આકૃતિને બદલે કોઠાકીય (tabular) સ્વરૂપમાં આપવામાં આવે છે. ભાષા પણ બધા લોકો સમજી શકે તેવી સરળ વાપરવામાં આવે છે અને આંકડાકીય વિગતો નીચે પ્રમાણે સરવાળા-બાદબાકીની સાદી પદ્ધતિથી રજૂ કરવામાં આવે છે :
વળી કેટલીક કંપનીઓ વેચાણ, મજૂરી, નફો અને ડિવિડન્ડ-વિતરણની વિગતો આંકડાકીય સ્વરૂપમાં આપવા ઉપરાંત તેવી વિગતો શૅરહોલ્ડરો સહેલાઈથી સમજી શકે તે માટે રૈખિક, વૃત્તાકાર અને સ્તંભાકાર આલેખોના સ્વરૂપમાં પણ વાર્ષિક અહેવાલમાં રજૂ કરે છે.
જયન્તિલાલ પોપટલાલ જાની