વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા.
1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના પ્રચાર મંત્રી રહ્યા. વળી સંસ્કૃત ભાષાપ્રચારિણી સભા, નાગપુરના નિયામક; મહારાષ્ટ્ર સંસ્કૃત પરિષદના પ્રમુખ; વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના નિયામક તથા હસ્તપ્રત ગ્રંથાલય, નાગપુર યુનિવર્સિટીના નિયામક તરીકે પણ કામગીરી કરી હતી.
‘સંસ્કૃત ભવિતવ્યમ્’ (સંસ્કૃત); ‘રાષ્ટ્રશક્તિ’ (મરાઠી) અને ‘યોગ-પ્રકાશ’ (મરાઠી) માસિકનું સંપાદન તેમણે કર્યું હતું. તેઓ વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમના સ્થાપક સભ્ય રહ્યા.
તેમણે સંસ્કૃત તેમજ અંગ્રેજીમાં કુલ 54 ગ્રંથો આપ્યા છે. તેમાંની ઉલ્લેખનીય કૃતિઓ નીચે પ્રમાણે છે : સંસ્કૃતમાં – ‘ભારતરત્ન-શતકમ્’ (1958, 1972); ‘વાત્સલ્ય-રસાયણમ્’ (1978), ‘શ્રમગીતા’ (1977, 1984), ‘મંદસ્મિતમ્’ – તે તમામ કાવ્યસંગ્રહો છે. તે પૈકી પ્રથમ કૃતિ લેખકે અંગ્રેજીમાં પણ અનૂદિત કરીને આપી છે. ‘સંસ્કૃત નાટ્યપ્રવેશ’ (1957) (પ્રખ્યાત સંસ્કૃત નાટકોના રંગમંચીય પ્રયોગો); ‘શિવરાજ્યોદયમ્’ (1972) મહાકાવ્ય તેમજ ‘તીર્થભારતમ્’ (1987) અને ‘શ્રીરામસંગીતિકા’ (1989) એ બંને ઊર્મિકાવ્યમય દીર્ઘ રચનાઓ છે. ‘વિવેકાનંદવિજયમ્’ (1972) તેમનો નાટ્યસંગ્રહ છે.
મરાઠીમાં ‘અર્વાચીન સંસ્કૃત સાહિત્ય’ (1963, સંશોધન); ‘ભારતીય વિદ્યા’ (1977, નિબંધસંગ્રહ) અને ‘સંસ્કૃત વાઙ્મય કોશ’ આપેલ છે.
આમ સાહિત્યિક ક્ષેત્રે તેમના મહત્વના પ્રદાન બદલ તેમને 1990માં સ્વામી કુવલયાનન્દ યોગ પુરસ્કાર; રાષ્ટ્રપતિ ઍવૉર્ડ અને ડૉ. હેડ્ગેવર પ્રજ્ઞા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વળી 1979માં શ્રી કાંચી શંકરાચાર્ય દ્વારા ‘પ્રજ્ઞાભારતી’ના બિરુદથી, 1977માં ‘સુરાભારતી કંઠાભરણમ્’ના પદથી તેમજ હડસન (યુ.એસ.) ભારતીય સમાજ દ્વારા ‘ભારતપુત્ર’ના બિરુદથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા