વારાણસી : ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 20´ ઉ. અ. અને 83° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 4,036 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો આકાર અરબી ભાષાના 7 અંક જેવો છે. તેની ઉત્તરે જૉનપુર અને ગાઝીપુર જિલ્લા, પૂર્વે બિહાર રાજ્યનો શાહબાદ જિલ્લો, દક્ષિણે શોણભદ્ર, નૈર્ઋત્યે મિરઝાપુર તથા પશ્ચિમે ભદોહી અને અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક વારાણસી જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો દક્ષિણ અને પૂર્વ તરફનો મધ્ય ભાગ ગંગા નદી દ્વારા રચાયેલા કાંપ-માટીનાં મેદાનોથી બનેલો છે. દક્ષિણ તરફના કેટલાક ભાગમાં વિંધ્ય હારમાળાની ડુંગરધારો આવેલી છે. પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જોતાં આ જિલ્લાના બે ભાગ પાડી શકાય છે : (i) ગંગા અને તેની શાખાનદીઓ દ્વારા રચાયેલાં મેદાનો; (ii) નૌગઢનો ઉચ્ચપ્રદેશ આ ઉચ્ચપ્રદેશના ચાકિયા તાલુકામાં ગીચ જંગલો, ઊંડી ખીણો અને અનેક ઝરણાં જોવા મળે છે.
જળપરિવાહ : આ જિલ્લાની મુખ્ય નદીઓમાં ગંગા તથા તેની સહાયક ગોમતી, વરુણ, અસિ, બાણગંગા, ચંદ્રપ્રભા અને કર્સાન્સા નદીઓનો સમાવેશ થાય છે. તેમાં મોટાભાગની ઉપરવાસની નદીઓનો ફાળો મહત્વનો છે. જિલ્લાના પૂર્વભાગમાં આવેલા ચંદેલી તાલુકાની ભૂમિસપાટી પ્રમાણમાં નીચી છે. અહીં ચોમાસાની ઋતુમાં જળભરાવો વધુ થાય છે. ડુંગરાળ ભૂમિવાળા ભાગો નક્કર અને રતાશ પડતી જમીનોવાળા છે. ચંદેલી તાલુકાની જમીન કાળી છે, કેટલીક જમીનો ક્ષારવાળી પણ છે.
જંગલો : આ જિલ્લાના કુલ વિસ્તારની 77,404 હેક્ટર ભૂમિ જંગલ હેઠળ આવેલી છે. આ જંગલોનો 99 % વિસ્તાર ચાકિયા તાલુકામાં છે. અહીં આવેલાં ગાઢ જંગલોમાં સૂકાં ઉષ્ણકટિબંધીય અને પાનખર જંગલોની વનસ્પતિ જોવા મળે છે. તેમાં ખાસ કરીને સલાઈ અને પિયાર તથા મહુડો અને ટીમરુનાં વૃક્ષો વધુ પ્રમાણમાં છે. આ જંગલો કોતરો પર અને ટેકરીઓને મથાળે આવેલાં છે; સાલનાં જંગલો ઉચ્ચપ્રદેશના ભાગોમાં આવેલાં છે. જિલ્લામાં આંબાનાં વૃક્ષોનું પ્રમાણ સારું છે. વારાણસી જિલ્લાની ‘લંગડો’ કેરી અને બનારસી ‘પાન’ દેશભરમાં પ્રખ્યાત છે.
ખેતી : આ જિલ્લાના કુલ વિસ્તારના 58 % ભાગમાં ખરીફ અને 42 % ભાગમાં રવી પાક લેવાય છે. ઘઉં, ડાંગર અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી સાથે અહીં પશુપાલનની પ્રવૃત્તિ પણ ચાલે છે. ખેડૂતો ગાય, ભેંસ, ઘેટાં-બકરાં પાળે છે. અહીંનાં પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. આ અંગે સરકાર જરૂરી પ્રોત્સાહનના પ્રયાસો કરે છે. આવશ્યક પશુ-દવાખાનાં, સારવાર માટેનાં ચિકિત્સા-કેન્દ્રો અને પશુ-ચિકિત્સકો તેમજ દવાઓની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં બૉક્સાઇટ, રેતી અને ગ્રૅવલના અનામત જથ્થા આવેલા છે. અહીં મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમો કાર્યરત છે; તેમાં ડીઝલ લોકોમોટિવ એન્જિનો અને કાચનું ઉત્પાદન લેવાય છે. શેતરંજી, ગાલીચા, રેશમી કાપડ, રેશમ દોરા, લાકડાનાં રમકડાં જેવી હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવાય છે.
આ જિલ્લામાંથી ચોખા, કેરી, પાન, રેશમી સાડી અને વીજાણુ-સાધનોની નિકાસ થાય છે; જ્યારે ખાંડ, કાપડ, વિવિધ ધાતુઓ અને કેટલાંક ધાન્યોની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લાને પાકા રસ્તા અને રેલવેની સગવડ મળેલી છે. પ્રાચીન સમયથી જાણીતો બનેલો ગ્રાન્ડ ટ્રંક માર્ગ, વારાણસી-સસારામ રાષ્ટ્રીય માર્ગ નં 2, વારાણસી-મીરપુર રાષ્ટ્રીય માર્ગ 7, વારાણસી-ગાઝીપુર રાષ્ટ્રીય માર્ગ 29 તથા રાજ્ય-ધોરી માર્ગ 36 પણ આ જિલ્લામાંથી પસાર થાય છે. ઉત્તર અને ઈશાન વિભાગના રેલમાર્ગો પણ અહીંથી પસાર થાય છે. વારાણસીથી પૂર્વમાં 18 કિમી. દૂર આવેલું મોગલસરાઈ રેલવે-જંક્શન ભારતનું સૌથી મોટું રેલવે-યાર્ડ ધરાવે છે. આ સગવડોને કારણે ઉત્તર ભારતનો વેપાર સારી રીતે વિકસી શક્યો છે. વારાણસી શહેરથી 22 કિમી. દૂર બાબટપુર પાસે નાનું હવાઈ-મથક પણ ઊભું કરવામાં આવ્યું છે.
પ્રવાસન : આ જિલ્લામાંથી પસાર થતી ગંગા નદી પવિત્ર ગણાતી હોવાથી દેશભરમાંથી અનેક યાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવર વર્ષભર ચાલુ રહે છે. વારાણસી શહેરમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિર ‘સુવર્ણમંદિર’ તરીકે પણ ઓળખાય છે. વારાણસીથી આશરે 22 કિમી. દૂર બૌદ્ધધર્મીઓનું પવિત્ર સ્થળ સારનાથ આવેલું છે. આ ઉપરાંત અહીં દુર્ગામંદિર, તુલસી માનસમંદિર, કાળભૈરવનું મંદિર તથા ભારતમાતાનું મંદિર આવેલાં છે. અન્ય જોવાલાયક જાણીતાં સ્થળોમાં રામગઢ કિલ્લો, રાજદરી અને દેવદરી ધોધ, વન્યજીવન અભયારણ્ય, આલમગીર મસ્જિદ, જ્ઞાનવાપી મસ્જિદનો સમાવેશ થાય છે. હિન્દુ-મુસ્લિમ લોકો વારતહેવારે પોતપોતાના મેળા અને ઉત્સવો ઊજવે છે. અહીં આવતા પ્રવાસીઓની સુવિધા સાચવવા સારી હોટેલો ઊભી કરવામાં આવેલી છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 31,47,927 છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનધર્મીઓ વસે છે. આ જિલ્લામાં હિન્દી, બંગાળી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની પૂરતી સગવડો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી, કાશી વિદ્યાપીઠ, મહાબૌદ્ધ વિદ્યાપીઠ જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ આ જિલ્લામાં આવેલી છે. જિલ્લાની વસ્તી મુજબ અહીં ઍલૉપથી અને આયુર્વેદિક ચિકિત્સાલયોની સગવડો છે. કેટલાંક સારવારકેન્દ્રો સરકાર દ્વારા તો કેટલાંક ખાનગી ક્ષેત્રે ચાલે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ચાર તાલુકાઓમાં અને 17 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 15 શહેરો અને 2,970 (328 વસ્તીવિહીન) ગામડાંઓ આવેલાં છે. વારાણસી, મોગલસરાઈ, ફૂલધારિયા, રામનગર, ગંગાપુર, કોટવા વગેરે અહીંનાં અગત્યનાં શહેરો છે.
વારાણસી (શહેર) : ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગંગાકાંઠે આવેલું શહેર. સમગ્ર ભારતનું પવિત્ર યાત્રાધામ અને જિલ્લામથક. તે કાશી અને બનારસ નામે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 25° 20´ ઉ. અ. અને 83° 00° પૂ. રે.. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 36° સે. અને 18° સે. જેટલાં રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 1,000થી 1,500 મિમી. જેટલો પડે છે.
યાત્રાળુઓની સ્નાન-સુવિધા જળવાય તે માટે અહીં અનેક સ્નાનઘાટોનું નિર્માણ કરવામાં આવેલું છે. આખાય શહેરને સાંકળી લે એવો એક માર્ગ તૈયાર કરાયો છે અને તેને પંચકોશી નામ અપાયું છે. દરેક યાત્રાળુ આ માર્ગે પ્રદક્ષિણા કરવાની ઇચ્છા ધરાવે છે. આ શહેરમાં પ્રાચીન સમયનાં શિવમંદિરો તથા હનુમાન અને દુર્ગામાતાનાં મંદિરો આવેલાં છે. બધાં મળીને અહીં 1,500 જેટલાં મંદિરો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પરિસરમાં પણ વિશ્વનાથ અને તુલસીમાનસનાં આધુનિક મંદિરો આવેલાં છે. સારનાથ ખાતેનાં પ્રાચીન બૌદ્ધ ધર્મસ્થાનકો નાશ પામેલાં છે; પરંતુ ચીન, મ્યાનમાર અને તિબેટના બૌદ્ધ સાધુઓ દ્વારા તેમનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.
આ શહેરમાં જીવનભર હિન્દુધર્મ પર અભ્યાસ કરી શકાય એવી વ્યવસ્થા છે. બ્રાહ્મણોને અહીં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અપાય છે. અભ્યાસ પૂર્ણ થતાં તેમને ‘પંડિત’ની પદવીથી વિભૂષિત કરાય છે. અહીં ત્રણ યુનિવર્સિટીઓ તેમજ અનેક શાળા-કૉલેજો આવેલી છે. શહેરમાં સંગીત, નૃત્ય જેવી અનેક કલાઓનું શિક્ષણ પણ અપાય છે. અહીંથી ઉત્તીર્ણ થયેલા ઘણા વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે.
વારાણસી ઊની વસ્ત્રો, રેશમી કાપડ વગેરે પર થતા સોના-ચાંદીના તારના ભરતગૂંથણ માટે ખૂબ જ જાણીતું છે. આ ઉપરાંત લાકડાનાં રમકડાં, બંગડીઓ અને પિત્તળનાં કોતરણી-નક્શીકામવાળાં પાત્રો માટે પણ આ શહેર જાણીતું છે. તે અલ્લાહાબાદ, મિરઝાપુર, અયોધ્યા, લખનૌ, પટણા વગેરે સાથે સડક તેમજ રેલમાર્ગે સંકળાયેલું છે. આ શહેર ખાતે હવાઈ મથક પણ છે. તેની વસ્તી 12,11,749 (2001) જેટલી છે.
ઇતિહાસ : વૈદિક સાહિત્ય અને પુરાણોમાં તેને સૌથી વધારે પવિત્ર સ્થળોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. બૌદ્ધ સાહિત્યમાં આ નગરનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં અંગુત્તરનિકાયમાં જણાવેલાં 16 મહાજનપદોમાં કાશી રાજ્યનો ઉલ્લેખ છે. કાશી અને કોશલ વચ્ચે થયેલા લાંબા સંઘર્ષમાં કોશલના રાજાનો વિજય થયો હતો અને કાશીને કોશલમાં ભેળવી દેવામાં આવ્યું હતું. કોશલની રાજકુમારી કોશલદેવીનાં લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયાં ત્યારે, કાશી તેને પહેરામણીમાં આપવામાં આવ્યું હતું. તેથી કાશી મગધ રાજ્યમાં ભળી ગયું હતું. વારાણસી પાસે આવેલ સારનાથમાં ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્ર ફરતું કર્યું એટલે કે ધાર્મિક ઉપદેશ આપવા માંડ્યો. કુષાણ, નંદ વંશ, મૌર્યોએ અને તે પછી બે સદી સુધી ગુપ્તોએ આ પ્રદેશ ઉપર સત્તા ભોગવી હતી. સાતમી સદીના પૂર્વાર્ધમાં કાશી હર્ષવર્ધનના રાજ્યનો પ્રદેશ હતો. આશરે નવમી સદીની મધ્યથી અગિયારમી સદીના પૂર્વાર્ધમાં ગુર્જરો અને પ્રતીહારોએ ત્યાં સત્તા ભોગવી હતી. ગાહડવાલ વંશના જયચંદ્રને હરાવી મોહમ્મદ ઘોરીએ ઈ. સ. 1194માં કાશી પર આક્રમણ કરી આશરે એક હજાર મંદિરો નષ્ટ કર્યાં અને ત્યાં મસ્જિદો બંધાવેલી. તેરમી સદી સુધી વિદ્યાનું મુખ્ય કેન્દ્ર અને પવિત્ર ધાર્મિક તીર્થ તરીકે તેનો ઉત્કર્ષ થતો રહ્યો હતો. ત્યારબાદ તુર્કી-અફઘાન આક્રમકોએ ત્યાં મંદિરો તોડીને લૂંટ કરી અને તેનો નાશ કર્યો. સોળમી સદીમાં અકબરના શાસન દરમિયાન તે પરિસ્થિતિમાં સુધારો થયો. નગરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પુનર્જીવિત થઈ. સત્તરમી સદીમાં ઔરંગઝેબના અમલ દરમિયાન ફરીથી ધાર્મિક પ્રવૃત્તિને ફટકો પડ્યો. તેણે કાશીનાં પ્રાચીન મંદિરો તોડી નંખાવ્યાં. વિશ્વનાથનું મંદિર તોડાવી ત્યાં મસ્જિદ બંધાવી. મુઘલ સામ્રાજ્યના પતન બાદ અવધના નવાબ સફદરજંગે વારાણસી કબજે કર્યું. અવધના સૂબેદાર સાદતખાને 1738માં વારાણસી, જૉનપુર અને ચુનારનો વહીવટ મનસરામ નામના જમીનદારને સોંપ્યો. તેના વારસો બલવંતસિંહ, ચૈતસિંહ મહિપનારાયણસિંહ વગેરે રાજાઓએ અંગ્રેજોના સમયમાં રાજ્ય કર્યું. ભારત સ્વતંત્ર થયું ત્યારે વિભૂતિ નારાયણસિંહ ત્યાંનો રાજા હતો. 1949માં બનારસ રાજ્યનું ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે વિલીનીકરણ થયું.
તુલસીદાસ, મધુસૂદન સરસ્વતી અને પંડિતરાજ જગન્નાથ જેવા મહાકવિઓ આ ભૂમિમાં થઈ ગયા. ભારતના સાંસ્કૃતિક પાટનગર બનવાનું ગૌરવ આ પ્રાચીન નગરને અર્વાચીન સમયમાં પણ પ્રાપ્ત થયું છે. પ્રતિવર્ષ આ નગરમાં લાખો યાત્રીઓ ધાર્મિક ભાવનાથી આવે છે.
નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ