વારસદાર (1948) : ગુજરાતી સામાજિક ચલચિત્ર. શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શન અને નિર્માતા લક્ષ્મીચંદ શાહનું સર્જન. દિગ્દર્શક મગનલાલ ઠક્કર. આ ચિત્રની કથા આ પ્રમાણે છે : શેઠ બિહારીલાલ અમદાવાદના શ્રીમંત મહાજન તેમના ગ્રૅજ્યુએટ થયેલા ભત્રીજા વિનયને બેકારીને કારણે દુ:ખી થતો જોઈ, પોતાની સાથે રાખે છે. વિનય નીલા નામની એક સંસ્કારી યુવતીના પરિચયમાં આવે છે. નીલાનો કાકો જયપ્રસાદ સટ્ટામાં ખોટ જવાથી નિ:સંતાન બિહારીલાલ શેઠને નીલા સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપે છે, પરંતુ શેઠ તેની મોહજાળમાં ફસાતા નથી. નીલાને કાકાના ષડ્યંત્રની ખબર પડતાં તે વિનયને પોતાનો જીવનસાથી બનવા આગ્રહ કરે છે; પરંતુ શેઠની સંમતિ વગર આવું પગલું ભરવા તે તૈયાર ન થતાં તેને કાયર માનીને નીલા પોતાના પિતા સાથે કાકાને ત્યાંથી ચાલી નીકળે છે. વિનયનું પારખું કરવા શેઠ બિહારીલાલ પેઢીનો કારભાર વિનયને સોંપી કોઈ અજાણી જગ્યાએ ચાલી જઈ ઘનશ્યામદાદા નામે ગરીબોની સેવા કરે છે. અહીં તેમનો મેળાપ નીલા અને તેના ગરીબ પિતા સાથે થાય છે. વિનય ધંધાનો વિકાસ કરી દાન-સખાવત પણ કરતો રહે છે. તેની માહિતી બિહારીલાલ શેઠને મળતી રહે છે. વિનય તેની પ્રેયસી નીલાની ખોજ માટે જાણી-જોઈને લગ્ન માટે જાહેરાત આપે છે. બિહારીલાલ જાહેરાત વાંચીને નીલા સાથે વિનય સમક્ષ પ્રગટ થાય છે અને વિનય-નીલાનું જુગલ જોડું બનાવી આપે છે. સુખદ અંતવાળી આ ફિલ્મ તે સમયે એક સંસ્કારી, સામાજિક ફિલ્મ તરીકે ખ્યાત થઈ હતી.

‘વારસદાર’ ચિત્રના નાયક સૌરાષ્ટ્ર રંગભૂમિના જાણીતા હાસ્ય-કલાકાર હરસુખ કીકાણી, જ્યારે નાયિકા હિન્દી રજતપટની જાણીતી અભિનેત્રી નલિની જયવંત હતાં. અન્ય કલાકારોમાં કુસુમ ઠાકર, હસમુખકુમાર, સગુણા, કમલેશ ઠાકર વગેરે રંગભૂમિનાં કલાકાર નટનટીઓ ફિલ્મ સાથે જોડાયેલાં હતાં. ગીતસંગીત અવિનાશ વ્યાસ અને કથાનક દામુ સાંગાણીનું હતું.

આ ફિલ્મનું ‘કડકાબાલીશ કરે બૂટ-પૉલિશ’ ગીત અત્યંત જાણીતું થયું હતું. તદુપરાંત ‘તારે થાવું કયા મોરલાની ઢેલ ?’, ‘પ્રીત કરી તો કરી જાણો’, ‘એક હતો રાજા ને એક હતી રાણી’, ‘આજ સખી ઉરસાગર આરે ઊતરતાં પાણી’ તથા ‘હું શું કરું ? કોઈ કાળજું લઈ જાય છે’ જેવાં કાવ્યતત્વસભર ગીતો હતાં. ચિત્રનાં ગીતો નાયક અને નાયિકાના નિજી સ્વરમાં ગવાયાં છે; દા. ત., ‘કડકાબાલીશ (2) કરે બૂટ-પૉલિશ’, ‘ઇશ્કની ગલીમાં હરદમ કદમ ન રાખો, પ્રીત કરી તો કરી જાણો’ અને દ્વંદ્વગીત ‘એક હતો રાજા ને એક હતી રાણી’ નલિની જયવંત સાથે ખુદ હરસુખ કીકાણીએ ગાયાં છે; જ્યારે નાયિકા નલિની જયવંતે ‘આવ્યો હું બંગડીવાળો, રંગ રંગીલી બંગડીનો’ જાણીતી પાર્શ્ર્વગાયિકા ગીતા રૉયના સથવારે ગાયું છે.

તે સમયે હિન્દી સિને ક્ષેત્રનાં આગળ પડતાં અભિનેત્રી નલિની જયવંતે અતિ વ્યસ્ત સમયમાંથી થોડો સમય આ ‘વારસદાર’ને આપી તેને રળિયાત બનાવ્યું. નલિની જયવંતનું આ એકમાત્ર ગુજરાતી ચિત્ર છે.

હરીશ રઘુવંશી