વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની સ્કૂલોમાં તાલીમ પામેલા શારીરિક શિક્ષણના શિક્ષકો ન હતા. ભારતની સ્કૂલોમાં શારીરિક શિક્ષણ આપવાનું કાર્ય પહેલવાનો, જિમ્નેસ્ટો તેમજ લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો કરતા હતા. આ બધા શારીરિક રીતે સશક્ત અને શારીરિક પ્રવૃત્તિઓના જાણકાર હતા; છતાં પણ ‘શારીરિક શિક્ષણના સિદ્ધાંતો’થી અજાણ હતા. સ્કૂલમાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને રમતોનું શિક્ષણ અપાતું અને બાકીના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી. તેઓને શારીરિક તાલીમ આપવામાં આવતી. મોટાભાગના શિક્ષકોને મનોવિજ્ઞાન, શરીરરચના તેમજ શારીરિક શિક્ષણના સિદ્ધાંતોની જાણકારી ન હતી. આ બધાંને કારણે અન્ય વિષયના શિક્ષકો માટે જે પ્રકારની તાલીમની વ્યવસ્થા હોય છે તેવી વ્યાયામના શિક્ષકો માટે પણ થવી જોઈએ તેવું તારણ કાઢવામાં આવ્યું.
ભારતમાં શારીરિક શિક્ષણના ક્ષેત્રનો આધુનિક યુગ પ્રવર્તાવવાનું શ્રેય ચેન્નઈ(મદ્રાસ)ની વાય. એમ. સી. એ. સંસ્થાને મળે છે. શારીરિક શિક્ષણનો પ્રચાર કરવા માટે વાય. એમ. સી. એ. સંસ્થાના શિક્ષણ-સંચાલકોએ શારીરિક શિક્ષણનો નવા પ્રકારનો અને આધુનિક કાર્યક્રમ બનાવ્યો; જેમાં રમતોને વધારે સ્થાન આપ્યું હતું. આ નવા કાર્યક્રમને સફળ બનાવવા માટે 1910માં શિક્ષકો માટે ટૂંકા સમયની પ્રશિક્ષણ-શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું; પરંતુ 1920માં વાય. એમ. સી. એ. શારીરિક શિક્ષણ કૉલેજ શરૂ કરવામાં આવી, જેમાં ભારતીય વ્યાયામ પ્રવૃત્તિઓ ડમ્બેલ્સ, વૉન્ડ, લેજીમ વગેરે ઉપરાંત પાશ્ર્ચાત્ય સંઘવ્યાયામમાં ઍથ્લેટિક્સ, સાદી અને સાંઘિક રમતો ઉપરાંત રમતગમત હરીફાઈઓની પ્રવૃત્તિઓનાં શિક્ષણનો સમાવેશ કર્યો હતો. આ સંસ્થાએ અનેક વ્યાયામ-શિક્ષકો તૈયાર કરી ભારતમાં શારીરિક શિક્ષણના પ્રસારનો સંગીન પ્રયાસ કર્યો હતો. આ પછી આવી શારીરિક શિક્ષણના શિક્ષકો તૈયાર કરતી તાલીમી સંસ્થાઓ કાંદિવલી, લખનૌ, કોલકાતા, રાજપીપળા વગેરે સ્થળોએ શરૂ થઈ.
વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન સંસ્થાના સૌપ્રથમ આચાર્ય તરીકે ડૉ. એચ. સી. બૅંક હતા. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને દીર્ઘદૃષ્ટિવાળા આચાર્ય હતા. 1920થી 1943 સુધી આચાર્યપદે રહીને શારીરિક શિક્ષણના પ્રચાર અને પ્રસારમાં સિંહફાળો આપીને તેમણે કૉલેજને આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવી હતી. શરૂઆતમાં આ કૉલેજ ફક્ત ભાઈઓ માટે મર્યાદિત હતી; પરંતુ 1940થી બહેનોને પણ શારીરિક શિક્ષણના શિક્ષકો તૈયાર કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક વર્ષના શારીરિક શિક્ષણના પ્રમાણપત્ર(સી. પી. એડ્.)ના કોર્સથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ડી. પી. એડ્., બી. પી. એડ્., એમ. પી. ઈ.; તથા પીએચ.ડી.ના અભ્યાસક્રમની સુવિધાઓ ઉપલબ્ધ છે. 70 એકર જમીનમાં પથરાયેલી આ સંસ્થામાં મોટાભાગે દરેક રમત માટે યોગ્ય મેદાન છે. સંસ્થા પાસે તરણકુંડની પણ વ્યવસ્થા છે. આ સંસ્થામાંથી હજારો તાલીમાર્થીઓએ તાલીમ લઈને સમગ્ર ભારતમાં વ્યાયામ-શિક્ષક તરીકેની સેવાઓ આપી હતી. આ રીતે પરોક્ષ રીતે આજે ભારતમાં જે શારીરિક શિક્ષણની વ્યવસ્થા શાળાઓમાં જોવા મળે છે તેના પાયામાં વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન રહી છે. આ સંસ્થાને ખૂબ જ નિષ્ઠાવાન આચાર્યો મળવાથી સંસ્થાએ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી હતી. ગુજરાતના શ્રી રાવજીભાઈ પટેલે 1927માં ચેન્નઈની કૉલેજમાં શારીરિક શિક્ષણની તાલીમ પ્રાપ્ત કરી ચરોતર એજ્યુકેશન મંડળના આશ્રયે દર વર્ષે ઉનાળામાં એક માસની મુદતના ગ્રીષ્મ વ્યાયામ-વર્ગો યોજવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
હર્ષદભાઈ ઈ. પટેલ