વાયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળની જાતિઓ સમગ્ર વિશ્વમાં મળી આવે છે. તે આશરે 16 પ્રજાતિઓ અને 850 જાતિઓ ધરાવે છે. વાયોલા (Viola), હિબેન્થસ (Hybanthus) અને રિનોરિયા (Rinorea) આ કુળની મુખ્ય પ્રજાતિઓ છે.
આ કુળની જાતિઓ બહુવર્ષાયુ શાકીય અથવા ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે; ક્વચિત્ લતા-સ્વરૂપે [દા.ત., એન્ચિયેટા (Anchieta)] પણ જોવા મળે છે. પર્ણો સાદાં, એકાંતરિક (અપવાદ : હિબેન્થસમાં સંમુખ હોય છે.), ક્વચિત્ ખાંચવાળાં કે વિભાજિત અને ઉપપર્ણીય (stipulate) હોય છે. ઉપપર્ણો સૂક્ષ્મ કે પર્ણસદૃશ (foliaceous) હોય છે.
પુષ્પો એકાકી અથવા વિવિધ પ્રકારના પુષ્પવિન્યાસોમાં ગોઠવાયેલાં હોય છે. તેઓ અનિયમિત કે નિયમિત, દ્વિલિંગી અને અધોજાયી (hypogynous) હોય છે. ક્યારેક સંવૃત (cleistogamous) પુષ્પો પણ જોવા મળે છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. તેનું નીચેનું મોટું દલપત્ર મોટેભાગે શંકુમિત નલિકાવાળું હોય છે. પુંકેસરચક્ર 5 પુંકેસરો ધરાવે છે. તે અધોજાયી કે પરિજાયી (perigynous) હોય છે અને સ્ત્રીકેસરચક્રની ફરતે સહેજ જોડાઈને રહેલાં હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે. એક પુંકેસર શંકુમિત નલિકા ધરાવે છે. સ્ત્રીકેસરચક્ર 3થી 5 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને એકકોટરીય હોય છે. જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) પ્રકારનો હોય છે. પ્રત્યેક જરાયુ પર એક કે તેથી વધારે અંડકો હોય છે. પરાગવાહિની એક હોય છે અને વિવિધ આકારમાં જોવા મળે છે. ફળ સ્ફોટનશીલ (dehiscent) કે અનષ્ઠિલ (berry) પ્રકારનું અને બીજ સપક્ષ (winged) હોય છે.
આ કુળની જાતિઓ સુંદર પુષ્પોને કારણે ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. તેઓ નામ પ્રમાણે જાંબલી કે આસમાની રંગનાં પુષ્પો ધરાવે છે. ગુલે બનફશા(Viola stocksii)નાં પુષ્પ ઔષધ તરીકે વપરાય છે. તે હિમાલયના પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે.
મીનુ પરબિયા, દિનાઝ પરબિયા