વાયવ્ય સરહદી પ્રાંત
January, 2005
વાયવ્ય સરહદી પ્રાંત : પાકિસ્તાનનું ઉત્તર તરફ આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 31° થી 35° ઉ. અ. અને 70°થી 74° પૂ. રે. વચ્ચેનો 74,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે અફઘાનિસ્તાન તેમજ ઈશાન અને પૂર્વમાં ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે; જ્યારે તેના અગ્નિ ભાગ તરફ તથા નૈર્ઋત્ય ભાગ તરફ અનુક્રમે પંજાબ અને બલૂચિસ્તાનની આંતરરાજ્ય સીમાઓ આવેલી છે. પેશાવર તેનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ-જમીન : પાકિસ્તાનના આ રાજ્યમાં ઉત્તર-દક્ષિણે કમાન આકારની ઊંચી ગિરિમાળાઓ આવેલી છે. અહીંનાં મેદાનો પહાડોથી ઘેરાયેલાં છે. કાબુલ નદીની દક્ષિણે આવેલી હારમાળા પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલી છે. કુનાર નદી રાજ્યના ઉત્તર ભાગમાં આવેલી હિન્દુકુશ હારમાળાને ઉત્તર હિન્દુકુશ અને હિન્દુરાજ નામના બે વિભાગોમાં વહેંચી નાખે છે. ઉત્તર હિન્દુકુશ હારમાળામાં આવેલું સર્વોચ્ચ શિખર તિરિચ-મીર 7,690 મીટરની ઊંચાઈ ધરાવે છે, જ્યારે હિન્દુરાજ હારમાળામાં આવેલું સર્વોચ્ચ શિખર શાહડોક 6,321 મીટરની ઊંચાઈ ધરાવે છે. તિરિચ-મીરની પૂર્વમાં આવેલ હિંદુકુશ હારમાળા હિમાચ્છાદિત અને હિમનદીઓવાળી છે. હિન્દુરાજનો વિભાગ પંજકોરા, સ્વાત અને કાંદિયા નદીઓ દ્વારા ધોવાણ પામવાથી ખડકાળ ભૂમિમાં ફેરવાયો છે. હઝારા જિલ્લાની પૂર્વ તરફ આવેલી લઘુ હિમાલય હારમાળા ટેકરીઓ તથા તેમાં આવેલાં મેદાનોને કારણે ખંડિત બની રહેલી છે. કાબુલની દક્ષિણે સફેદ કોહ નામની હારમાળા આવેલી છે. 4,761 મીટરની ઊંચાઈ ધરાવતું સકારામ તેનું સર્વોચ્ચ શિખર છે. અહીંનો દક્ષિણ ભાગ કુર્રમ, તોચી અને ગુમલ નદીઓ દ્વારા કોતરાયેલો છે.
કાંપ અને માટીના નિક્ષેપોથી બનેલો પેશાવરનો ખીણપ્રદેશ રાજ્યના કુલ વિસ્તારનો દશમો ભાગ આવરી લે છે, તેમાં રાજ્યની 50 % વસ્તી વસે છે. પેશાવરની દક્ષિણે આવેલો કોહાટનો ઉચ્ચપ્રદેશ અનેક ઝરણાંઓથી કોતરાયેલો છે, જ્યારે તેની નૈર્ઋત્ય તરફનો વિસ્તાર પ્રમાણમાં પહાડી છે. ડેરા ઇસ્માઇલ ખાનનો મોટાભાગનો વિસ્તાર શુષ્ક મેદાનોવાળો છે, પરંતુ સિંધુ નદીના સાંકડા વહેળાઓનો લાભ તેને મળે છે.
હિમાલયની હારમાળાના ભાગ રૂપે આવેલી ઉત્તરની હારમાળામાં ચિત્રાલની ઉત્તરે નાઇસ અને ગ્રૅનાઇટના ખડકો જોવા મળે છે. તૂટક તૂટક ટેકરીઓ ચૂનાખડકો અને રેતીખડકોથી બનેલી છે. પેશાવરના ખીણવિસ્તારો કાંપ-માટી અને શિલા-ચૂર્ણથી નિક્ષેપિત થયેલા છે. કોહાટનો વિસ્તાર રેતીખડકો અને ચૂનાખડકોથી બનેલો છે, જ્યારે બન્નુનાં મેદાનોમાં મૃદુ રેતીખડકો અને ગોળાશ્મખડકોનું પ્રમાણ વિશેષ છે. ડેરા ઇસ્માઇલ ખાનનો મોટો ભાગ ખડકો-કાંપ તથા ચૂનાખડકોથી બનેલો છે.
આબોહવા : આ રાજ્ય સમુદ્રસપાટીથી ઊંચાઈ પર આવેલું હોવાથી તેની આબોહવામાં ઘણું વૈવિધ્ય છે. ઉત્તરના પહાડી ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષાનું પ્રમાણ વધુ રહે છે, જ્યારે ઉનાળા પ્રમાણમાં ઠંડા હોય છે. રાજ્યના વાર્ષિક સરેરાશ તાપમાન કરતાં દક્ષિણ ભાગમાં તાપમાન ઊંચું રહે છે. પેશાવર ખાતે 23° સે. અને ડેરા ઇસ્માઇલ ખાન ખાતે 25° સે. જેટલું તાપમાન રહે છે. અહીં વરસાદ મોટેભાગે શિયાળા અને વસંત ઋતુ દરમિયાન પડે છે. દ્રોશ ખાતે વાર્ષિક સરેરાશ વરસાદ 635 મિમી., પેશાવરમાં 356 મિમી. અને ડેરા ઇસ્માઇલ ખાન ખાતે 254 મિમી. જેટલો પડે છે. અહીં વરસાદની ઋતુ જાન્યુઆરીથી એપ્રિલ સુધીની ગણાય છે. કેટલીક વાર દુષ્કાળની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે.
વનસ્પતિ : રાજ્યની ઉત્તર તરફ ઊંચા-દુર્ગમ નિર્જન પહાડો આવેલા છે. પહાડી ઢોળાવો પર કાયમી લીલાં રહેતાં ઓક અને પાઇન તેમજ પહોળાં પાન ધરાવતાં પોપ્લર જેવાં વૃક્ષો જોવા મળે છે. કેટલાક ઢોળાવવાળા પ્રદેશો ઘાસથી છવાયેલા છે. ગિરિમાળાઓની દક્ષિણે સ્થાનિક વૃક્ષો ઉપરાંત બાવળ અને ઘાસ જેવી વનસ્પતિ પણ જોવા મળે છે. આ રાજ્યની બિનખેતીકીય ભૂમિભાગની દસ ટકા જેટલી ભૂમિમાં જંગલો આવેલાં છે.
અર્થતંત્ર : (i) ખેતી : રાજ્યના વિકાસમાં ખેતીનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. રાજ્યની 40 % આવક ખેતી દ્વારા મળે છે, પરંતુ રાજ્યની કુલ વસ્તીનો 80 % ભાગ ખેતી સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો છે. રાજ્યની ખેતી-ભૂમિની 33 % જમીનને સિંચાઈનો લાભ મળે છે. ઘઉં, મકાઈ, શેરડી અને તમાકુ અહીંના મુખ્ય કૃષિપાકો છે; અન્ય પાકોમાં મકાઈ, જુવાર, જવ, ડાંગર અને કપાસનો સમાવેશ થાય છે. રાજ્યના પેશાવર, બન્નુ અને મર્દાન વિસ્તારોમાં ઘઉંનું વધુ ઉત્પાદન લેવાય છે; જ્યારે હઝારા, મર્દાન અને પેશાવરમાં મકાઈના પાકો વધુ લેવાય છે; પેશાવર અને મર્દાનમાં શેરડી અને તમાકુનું ઉત્પાદન વધુ લેવાય છે.
(ii) ઉદ્યોગો : પાકિસ્તાનના ઉદ્યોગોના સંદર્ભમાં આ રાજ્યમાં સૌથી ઓછા ઉદ્યોગો સ્થપાયેલા છે. આ રાજ્યમાં ખાંડનાં, ફળોમાંથી બનાવાતી ખાદ્યસામગ્રીનાં તથા તમાકુની પેદાશોનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત, સુતરાઉ કાપડ, સિમેન્ટ, ઘી, અધાત્વિક ખનિજો, અનાજ દળવાનાં કારખાનાં પણ છે.
(iii) પરિવહન : આ પ્રદેશ સરહદી હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધુ ગણાય છે. અહીંની અગાઉની બ્રિટિશ સરકારે ત્યાંના આદિવાસીઓનો વિરોધ તેમજ વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં રેલમાર્ગો અને સડકોનું નિર્માણ કર્યું હતું. આર્થિક વિકાસ થતાં અહીંના રસ્તા પણ વ્યવસ્થિત બન્યા છે.
વસ્તી : 1998 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 1,75,55,000 જેટલી છે. રાજ્યમાં વસતી પ્રજા મુસ્લિમ છે. હઝારા અને ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાઓને બાદ કરતાં લોકોની ભાષા પુશ્તો છે. અહીંની મુખ્ય જાતિઓમાં યૂસુફઝાઈ, ઉત્માન ખેલ, આફ્રિદી, ઓરાકઝાઈ અને વઝીરીનો સમાવેશ થાય છે. અન્ય જાતિઓમાં મોહંમદઝાઈ, શિન્વારી, બંગશ, કઝાક, બનૂચી અને મહસૂદ મુખ્ય છે. આ રાજ્યમાં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વિશેષ છે. અહીં પેશાવર અને મર્દાન જેવાં બે મોટાં શહેર આવેલાં છે. પેશાવર રાજ્યનું પાટનગર છે. પેશાવર જિલ્લામાં જ સ્થળાંતરિત વસ્તી વધુ જોવા મળે છે. સમગ્ર પાકિસ્તાનમાં શિક્ષિત લોકોનું સૌથી ઓછું પ્રમાણ આ રાજ્યમાં છે.
ઇતિહાસ : પ્રાચીન કાળમાં આ પ્રદેશ ગાંધાર રાજ્યનો એક ભાગ હતો. રાજ્યની વાયવ્ય દિશાએ અફઘાનની સીમાએ ખૈબરઘાટ આવેલો છે, તેથી રાજ્યનું વ્યૂહાત્મક મહત્ત્વ વધુ રહ્યું છે. અગાઉ આ માર્ગે અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયા સાથે વેપાર થતો હતો. આ પ્રદેશ ઈ. પૂ. છઠ્ઠી સદીથી ઈ. પૂ. 327 સુધી પર્શિયનોને તાબે રહેલો. ત્યારબાદ ગ્રીક, ભારતીયો, શક, કુષાણ જેવી જાતિઓ હેઠળ રહેલું. 988ના સમયગાળાથી તુર્ક પ્રજાએ મુસ્લિમ શાસનનો પ્રારંભ કર્યો હતો. 1001થી 1027 સુધી મહમદ ગઝનવીએ અનેક વખત આક્રમણ કર્યાં હતાં. ઈ. સ. 1179થી 1206 સુધી ઘુર (Ghur) પ્રદેશના મુઝ-ઉદ્-દીન મુહમદે પેશાવરના ખીણપ્રદેશ પર પ્રભુત્વ મેળવીને શાસન ટકાવેલું. 1557થી અફઘાન-મુસ્લિમોએ પ્રવેશ કર્યો અને મુઘલ શાસનનો પ્રારંભ થયો. 1738માં ઈરાનના નાદિરશાહે સત્તા હાંસલ કરી. 1818માં શીખ શાસકોએ આ પ્રદેશને પંજાબ રાજ્યમાં ભેળવી દીધો. 1849થી તે બ્રિટિશ સત્તા હેઠળ આવ્યો. 1901માં ભારતના પંજાબ વિસ્તારના એક રાજ્ય તરીકે તેને સ્થાન અપાયું. 1935માં તેને એક સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મળ્યો. 1950માં ફૂલરા અને અંબ પ્રદેશનો સમાવેશ આ રાજ્યમાં થયો. 1955માં તે પશ્ચિમ પાકિસ્તાનના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1970થી 1980 દરમિયાન રશિયાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારે અફઘાનિસ્તાનના લોકો આ સરહદી રાજ્યમાં આશ્રિતો તરીકે આવેલા. 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું, ત્યારે પણ અનેક અફઘાન નાગરિકોએ આ રાજ્યની સીમાએથી પાકિસ્તાનમાં પ્રવેશ મેળવવા પ્રયાસો કર્યા હતા.
નીતિન કોઠારી