વાપી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 20´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. પર તાલુકામથક પારડીથી આશરે 18 કિમી. અને જિલ્લામથક વલસાડથી આશરે 27 કિમી. દૂર આવેલું છે. તે દમણની સરહદ નજીક છે.
વાપી દરિયાથી નજીક આવેલું હોવાથી ઉનાળા ઓછા ગરમ અને શિયાળા ઓછા ઠંડા રહે છે. મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 35° સે. અને 26° સે. તથા 30° સે. અને 21° સે. જેટલાં રહે છે. વરસાદની સરેરાશ 1800 મિમી. જેટલી ગણાય છે. જુલાઈમાં 750 મિમી. જેટલો વરસાદ પડી જાય છે.
અગાઉ અહીં ગાઢ જંગલ હતું, તેમાં વૃક્ષો અને ઘાસનું પ્રમાણ વિશેષ હતું. અહીંના આસપાસના પ્રદેશમાં વાંસ, સાગ, ખેર, મહુડો, સેવન, ટીમરુ વગેરે જેવાં વૃક્ષો જોવા મળતાં હતાં. અહીં ડાંગર, ઘાસ, કેરી, ચીકુ, લીંબુ, કેળાં, પપૈયાં જેવાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. ફળોની વાડીઓ અહીં વિશેષ પ્રમાણમાં આવેલી છે.
વાપી અહીંના વિસ્તારનું ખરીદ-વેચાણનું મહત્વનું કેન્દ્ર છે. અહીં ડાંગર ભરડવાની મિલો, લાકડાં વહેરવાનાં કારખાનાં (બેન્શો), કાપડ, પ્લાસ્ટિક બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીં ઔદ્યોગિક વસાહતો વિકસાવવામાં આવી છે. અહીં કાગળનાં પાંચ કારખાનાં, ઝંડુ ફાર્મસીનાં ઔષધોનું કારખાનું, થેમિસ કેમિકલ વર્કસ, ફાર્મા ઍન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કારખાનું, ઍર કૉઇલનું કારખાનું, કઠોળની મિલ, બે પૅકેજિંગનાં કારખાનાં, દવા-ઉદ્યોગ અને રંગ-રસાયણોનાં કારખાનાં, ઇજનેરી કારખાનાં, રાચરચીલું બનાવવાના એકમો વગેરે આવેલાં છે.
વાપી મુંબઈ-અમદાવાદ બ્રૉડગેજ રેલમાર્ગનું મહત્વનું રેલમથક છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 વાપી નજીકથી પસાર થાય છે. તે રાજ્ય પરિવહનની બસો દ્વારા ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે.
આ નગરમાં વાણિજ્ય અને સહકારી બૅંકોની શાખાઓની સેવાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર શાળાઓ આવેલી છે. આ ઉપરાંત પુરુષો માટેનાં અધ્યાપન-મંદિરો, પુસ્તકાલય, હૉસ્પિટલ, તાર-ટપાલ-ટેલિફોન જેવી સુવિધાઓ પણ છે. અહીં પેશ્વાઈ કિલ્લો, રામજી મંદિર, હનુમાનજી મંદિર, મહાદેવનાં મંદિરો, જૈન મંદિર અને મસ્જિદો આવેલી છે.
2001 મુજબ વાપી(નગરપાલિકા વિસ્તાર)ની વસ્તી 31,533 જ્યારે સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારની વસ્તી 71,395 જેટલી છે. અહીં દર હજાર પુરુષોદીઠ 852 સ્ત્રીઓ છે. અક્ષરજ્ઞાનનું પ્રમાણ આશરે 35 ટકા જેટલું છે.
શિવપ્રસાદ રાજગોર