વાન લીડન, લુકાસ (Van Leyden, Lucas) (જ. 1489 અથવા 1494, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1533) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકાર કૉર્નેલિસ એન્જેલ્બ્રેખ્ટ (Engelbrechtz) હેઠળ તેમણે લીડનમાં ચિત્રકલાની તાલીમ મેળવી. 1508માં બાર-સત્તર વરસની ઉંમરે જ ‘ધ ડ્રન્કનનેસ ઑવ્ મોહમ્મદ’ નામે અદ્વિતીય સૌંદર્ય ધરાવતું રેખાચિત્ર દોર્યું; એની પર એમણે ‘L 1508’ એવી સહી કરી છે. 1521માં તેઓ ઍન્ટવર્પ જઈ મહાન ચિત્રકાર ડ્યુરરને મળ્યા.
વાન લીડનનાં ચિત્રોમાં પીંછીના પ્રવાહી, સૌમ્ય લસરકા જોવા મળે છે, જેમાં ડ્યુરરનો ભારોભાર પ્રભાવ સ્પષ્ટ છે. ડ્યુરરની માફક તેમણે અસંખ્ય કાષ્ઠછાપ ચિત્રો અને એન્ગ્રેવિન્ગ (ધાતુના પતરા પર કોતરકામ કરી લેવાતી છાપ) સર્જ્યાં અને તેમાં ડ્યુરરની માફક જ ઊંચી ગુણવત્તાનાં દર્શન થાય છે. આ બધાં જ ચિત્રો ખ્રિસ્તી ધર્મ-વિષયક છે.
અમિતાભ મડિયા