વાનર : માનવી સાથે સાદૃશ્ય ધરાવતું બુદ્ધિશાળી સસ્તન પ્રાણી. વાનરનો સમાવેશ અંગુષ્ઠધારી (primate) શ્રેણીની anthropoidea ઉપશ્રેણીમાં કરવામાં આવે છે. સામાન્યપણે વાનર જંગલમાં વસે છે અને વૃક્ષો પર જીવન વિતાવે છે. જોકે ઘાસિયા પ્રદેશમાં વસતા વાનરો દિવસ દરમિયાન જમીન પર હરતા-ફરતા જોવા મળે છે, પરંતુ રાત્રે વૃક્ષો અથવા ઉન્નત ખડક જેવી જગ્યાઓમાં ઊંઘવાનું પસંદ કરે છે. વાનરોની આશરે 200 જેટલી જાતો નોંધાયેલી છે. મોટેભાગે તેઓ મધ્ય અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે.

કદની દૃષ્ટિએ વાનરોમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. માર્મોસેટ નામે ઓળખાતા ઠિંગૂજી (pigmy) વાનરોનું શરીર ભાગ્યે જ 15 સેમી. જેટલું લાંબું હોય છે; જ્યારે ઊનવાળા (wolly) વાનરોના શરીરની લંબાઈ 60 સેમી. જેટલી હોઈ શકે છે. તેમની પૂંછડી તો શરીર કરતાં પણ લાંબી (55થી 70 સેમી.) હોય છે. વાનરોની વહેંચણી બે મુખ્ય વિભાગોમાં કરવામાં આવેલી છે : જૂની દુનિયા(old world)ના વાનરો (નિમ્ન શ્રેણી : infra-order catarrhini) અને નવી દુનિયા(new world)ના વાનરો (નિમ્ન શ્રેણી : platyrrhini).

જૂની દુનિયાના વાનરોમાં ભારતમાં વસતાં માંકડું (macaque), લંગૂર (હનુમાન), બબૂન જેવાનો સમાવેશ થાય છે. આ વાનરો વૃક્ષો અને જમીન – એમ બંને સ્થળોએ જોવા મળે છે; જ્યારે નવી દુનિયાના વાનરો વૃક્ષનિવાસી હોય છે. કદ, આકાર અને રંગના આધારે નવી દુનિયાના વાનરોને બે મુખ્ય સમૂહોમાં વિભાજવામાં આવે છે : 1. માર્મોસેટ તથા ટૅમરિન અને 2. ચીસપાડુ વાનરો (howlers), કરોળિયા વાનરો (spider monkeys), ખિસકોલી વાનરો (squirrel monkeys) અને ઊનવાળા (wolly) વાનરો.

વાનરોની શરીરરચના : પૃથ્વી પર વસતા બધા વાનરોના પૂર્વજો વૃક્ષનિવાસી હોવાથી તેઓ વૃક્ષો પર કૂદવા, દોડવા, ચાલવા અને ખોરાક ગ્રહણ કરવા અનુકૂલન પામેલા હોય છે. વાનરોના બંને પ્રકારના ઉપાંગો  હાથ (અગ્ર-ઉપાંગો) અને પગ (પશ્ર્ચ-ઉપાંગો)  લાંબા હોય છે. માનવીની જેમ વાનરનો અંગૂઠો અન્ય આંગળીની સામસામે ગોઠવાયેલો હોવાથી તે ડાળખીને મજબૂતપણે પકડી શકે છે અને ખોરાકને પકડી સહેલાઈથી મોંમાં ધકેલી શકે છે. મોટાભાગના વાનરોના પ્રત્યેક ઉપાંગ પર પાંચ આંગળીઓ આવેલી છે. તેમાંની 1થી 2 આંગળીઓ લાંબી હોવાથી તેઓ પણ વસ્તુ પકડવાની ક્ષમતા ધરાવે છે. આંગળીઓ પર નખ પણ હોય છે. માર્મોસેટ અને ટૅમરિનની મોટી આંગળીઓ નખવાળી હોય છે; જ્યારે અન્ય આંગળીઓ નહોરયુક્ત હોય છે. મોટાભાગના વાનરોના પાછલા પગ અગ્ર-ઉપાંગો કરતા લાંબા હોવાથી, તેઓ માત્ર પાછલા પગની મદદથી ઊભા રહેવા ઉપરાંત મર્યાદિત અંતર સુધી દોડી પણ શકે છે. ખોરાક લઈ જવો હોય, ઘાસ પરથી ઊંચે જોવું હોય અથવા તો શત્રુને ધમકી આપવા વાનરો ખડે પગે ઊભા થાય છે.

પૂંછડી : વૃક્ષો પર વસતા વાનરોની પૂંછડી શરીર કરતાં પણ લાંબી હોઈ શકે છે. તેઓ વૃક્ષો પર પ્રચલન કરતી વખતે પૂંછડીની મદદથી શરીરની સમતુલા જાળવી શકે છે. ગતિરોધક તરીકે પણ પૂંછડી ઉપયોગી નીવડે છે. વૃક્ષો પર વસતા નવી દુનિયાના વાનરોની પૂંછડી ગ્રહણશીલ (prehensile) હોય છે, જેથી તેઓ ડાળખીને પૂંછડીની મદદથી પકડી તેના પર અધ્ધર લટકી શકે છે. ગ્રહણશીલ પૂંછડીઓના છેડા તરફનો ભાગ વાળ વગરનો હોય છે; જ્યારે અન્ય વાનરોની પૂંછડીનો છેડો વાળથી ઢંકાયેલો રહે છે.

ખોરાક : મોટાભાગના વાનરો મિશ્રાહારી હોય છે. તેઓ પાંદડાં, મૂળ, ફૂલ, ફળ અને ઘાસ ઉપરાંત પક્ષીઓનાં ઈંડાં, પક્ષીઓ અને કીટકોને ખાય છે. જૂજ વાનરો મુખ્યત્વે પાંદડાં ખાઈને જીવે છે. તેમના પાછલા દાંત પાંદડાંને કાપી તેમના ટુકડા કરવા માટે અનુકૂલન પામેલા હોય છે. તેમની લાળગ્રંથિઓ પ્રમાણમાં મોટી હોય છે અને તેમનું જઠર બે ખંડોમાં વિભાજિત હોય છે. કેટલાક વાનરોનું ગળું કોથળીયુક્ત હોય છે. કોથળીનો ઉપયોગ ખોરાક સંઘરવા માટે થાય છે.

પ્રજનન અને બાળસંભાળ : વાનરોમાં ગર્ભવિકાસનો સમય 4થી 5 મહિનાથી 8 મહિના સુધીનો હોય છે. સામાન્યપણે માતા એક જ બચ્ચાને જન્મ આપે છે. ક્વચિત્ વાનરોમાં જોડિયાં બાળકો પણ જન્મતાં હોય છે. બચ્ચાં ખોરાક માટે માતા પર આધાર રાખે છે. સામાન્યપણે માતા જૂજ અઠવાડિયાંથી 2 વરસ સુધી બચ્ચાંના ખોરાકની જવાબદારી ઉપાડે છે. નાનાં બચ્ચાં શરૂઆતમાં માતાની પીઠની નીચે વળગીને લટકતાં હોય છે. સહેજ મોટાં થતાં માતા બચ્ચાને પીઠ પર લઈ જઈ શકે છે. માતા ઉપરાંત માર્મોસેટ નર વાનર પણ બચ્ચાંને પીઠ પર લઈ જતા હોય છે.

સામૂહિક જીવન : સામાન્યપણે વાનરો સામૂહિક જીવન વિતાવતા હોય છે. જૂની દુનિયાના વાનરોના સમૂહ 30થી 100 જેટલા સભ્યોનો બનેલો હોય છે; જ્યારે નવી દુનિયાના વાનરોનો સમૂહ આશરે 20 જેટલા સભ્યોનો બનેલો હોય છે. સમૂહો ત્રણ પ્રકારના હોય છે : કૌટુંબિક, બહુસાથી (multimale) અને એક નર સમૂહ.

(1) કૌટુંબિક સમૂહ : આ સમૂહોમાં એક નર, એક માદા અને તેમનાં બચ્ચાનો સમાવેશ થાય છે; દા.ત., મેટાંવી દ્વીપના લંગૂર. (2) બહુસાથી સમૂહ : આ સમૂહમાં કેટલાક નર, તેમનાથી બમણી માદાઓ અને સંતાનોનો સમાવેશ થાય છે; દા.ત., ભારતમાં વસતા માંકડાં, લંગૂર અને બબૂન. (3) એક નર સમૂહ : આ સમૂહમાં એક નર, કેટલીક માદાઓ અને તેમનાં સંતાનો આવેલાં હોય છે; દા. ત., જૂની દુનિયાના હૅમોડ્રાયાસ બબૂન જેવા વાનરોના સમૂહોમાં માત્ર એક નર હોય છે, જ્યારે માદા અને બચ્ચાં અનેક હોય છે.

વૃક્ષો પર વસતા વાનરોનું સામૂહિક જીવન પ્રમાણમાં ઓછું દૃઢ (loose) હોય છે; કારણ તેમને ભાગ્યે જ પ્રબળ એવા શત્રુઓનો સામનો કરવો પડે છે. જોકે ઝાડ પર વસતાં ઘુવડો વાનરોનાં નાનાં બચ્ચાંને પોતાના મજબૂત નહોર વડે પકડીને તેમને ભક્ષતાં હોય છે. જમીન પર વસતા વાનરોને પ્રાણીભક્ષી ચિત્તા, દીપડો, શિયાળ, વાઘ અને સિંહ જેવાઓનો સામનો કરવો પડે છે. જમીન પરના વાનરોનું સંગઠન ઘણું મજબૂત હોય છે અને સમૂહમાં તેમને શત્રુઓનો સામનો કરવાનો હોય છે. વાનરો શત્રુને બિવડાવવા દાંત બહાર કાઢે છે અને પ્રસંગવશાત્ શત્રુઓ પર હુમલો પણ કરે છે.

ટોળામાં રહેતાં બધાં વાનરો બાગબગીચામાં અને ખેતરોમાં પ્રવેશીને પાકને ઘણું નુકસાન પહોંચાડતાં હોય છે.

આકૃતિ 1 : માંકડું

વાનરોની કેટલીક જાતો : (અ) જૂની દુનિયાના વાનરો : (1) માંકડું (Macaca mulatta) : માંકડાંના રુધિરમાં Rh-factor નામનું એક ઘટક હોય છે. Rhesus માંકડાંના લોહીમાં Rh-factor પ્રથમ મળી આવ્યું માટે આ રુધિર-ઘટકને Rh-factor કહે છે. કેટલાક માનવીના રુધિરમાં પણ Rh-factor હોય છે. કેટલીક વાર Rh-factorવિહોણી માતાના ગર્ભાશયમાં વિકાસ પામતું ભ્રૂણ Rh-factorવાળું હોય તો તેના પરિણામે આ Rh-factor માતાના શરીરમાં ભળી જવાથી, માતાનું રુધિર જામી જતા કેટલીક વાર તે માતાને જીવલેણ નીવડે છે. માનવીના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પ્રયોગોમાં માંકડાંને પસંદગી આપવામાં આવે છે. આ કારણસર અગાઉ ભારતમાંથી મોટા પાયા પર માંકડાઓની નિકાસ કરવામાં આવતી; પરંતુ તેની સામે પ્રચંડ ઊહાપોહ થતાં ભારત સરકારે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. (આકૃતિ 1)

(2) લંગૂર અથવા હનુમાન : શાસ્ત્રીય નામ, semnopithicus entellus (Dufresne). ભારતમાં લંગૂરની ગણના એક પવિત્ર પ્રાણી તરીકે થાય છે. હિંદુઓની માન્યતા મુજબ હનુમાન રામભક્ત અને રામસીતાના માનીતા સેવક હતા. ભારતમાં હનુમાનને દેવતા તરીકે પૂજવામાં આવે છે. લગભગ ભારતના મોટાભાગનાં ગામડાં અને શહેરોમાં હનુમાનનાં મંદિરો ફેલાયેલાં છે. ભારતમાં 400 મીટર ઊંચાઈ સુધીના પ્રદેશોમાં લંગૂર સારી રીતે ફેલાયેલા છે. ગુજરાતમાં ઘણાં સ્થળોએ – ખાસ કરીને ગીરના જંગલમાં દેખાતા આ વાનરો કેટલાંક મંદિરોની આસપાસ હરતા-ફરતા જોવા મળે છે.

લંગૂરનું શરીર પાતળું, પણ સહેજ લાંબું હોય છે. તેની પૂંછડી લાંબી હોવા છતાં તેમાં ગ્રહણશીલતા(prehensile)નો અભાવ હોય છે. લંગૂરનો ચહેરો અને હાથપગ રંગે કાળા હોય છે. તે એક શાકાહારી પ્રાણી છે અને વૃક્ષો પરનાં પાંદડાં, કળી, ફૂલ, ફળ અને કૂંપળો ખાઈને જીવન પસાર કરે છે. ફળ-બાગોમાં તેમજ ખેતરોમાં પ્રવેશીને તે પાકને ઘણું નુકસાન પહોંચાડે છે.

આકૃતિ 2 : બબૂન

(3) બબૂન : મોટા કદના વાનરો. તેમના શરીરની લંબાઈ (પૂંછડી વગર) એક મીટર કરતાં પણ વધારે હોય છે. હાથ અને પગની લંબાઈ એકસરખી હોય છે. કેટલાક બબૂનોની પૂંછડી સાવ ટૂંકી અને જાડી જ્યારે બીજા કેટલાકની 50થી 60 સેમી. જેટલી લાંબી હોય છે. માદા કરતાં નર કદમાં મોટા હોય છે. કેટલીક માદાઓ વજનમાં 14 કિગ્રા. જેટલી, જ્યારે મોટાભાગના નરોનું વજન 40 કિગ્રા. જેટલું હોય છે. બબૂનનો ખોરાક ઈંડાં, કીટકો, ઘાસ, મૂળ, પાંદડાં અને ફળ વગેરે હોય છે. બબૂન પોતાની ગાલમાં આવેલ કોથળીમાં ખોરાકને સંઘરે છે. હમાડ્રાયાસ નામે ઓળખાતા બબૂનો આફ્રિકા અને દક્ષિણ અરબસ્તાનમાં વસે છે. તેમના ટોળામાં 10થી 200 જેટલા વાનરો આવેલા હોય છે. એક ટોળીમાં એક નર, ઘણી માદાઓ અને અનેક બચ્ચાં હોય છે. ઘણીવાર આવી કેટલીક ટોળીઓ એકત્ર થઈને એક મોટું સંગઠન બનાવે છે. ઘાસિયા પ્રદેશમાં વસતા બબૂનો ઉગ્ર લડવૈયા તરીકે મશહૂર છે અને બચ્ચાં પર આક્રમણ કરનાર ચિત્તા જેવાં પ્રાણીઓને ફાડી નાખે એટલા ઉગ્ર હોય છે. હૅમોડ્રાયાસ બબૂનનું શાસ્ત્રીય નામ છે Papio hamodryas. (આકૃતિ 2)

() નવી દુનિયાના વાનરો : (1) માર્મોસેટ : તેઓ કદમાં સૌથી નાના હોય છે. સામાન્યપણે તેમના શરીરની લંબાઈ 30 સેમી. કરતાં પણ ઓછી હોય છે. ઠિંગુ-માર્મોસેટ(pygmy marmoset)ની લંબાઈ તો 15 સેમી. કરતાં પણ ઓછી જોવા મળે છે. તેમનું વજન 500 ગ્રામ અથવા તેના કરતાં પણ ઓછું હોય છે; દા. ત., ઠિંગુ-માર્મોસેટનું વજન 100થી 200 ગ્રામ જેટલું જ હોય છે. આંગળીઓ સાથે નહોર જોડાયેલા હોય છે. તેઓ ખિસકોલીની જેમ ચારેય પગોથી વૃક્ષારોહણ કરતા હોય છે. 3થી 7ની ટોળીમાં રહેતા આ વાનરો ફળ અને કીટકોનો આહાર કરતા હોય છે. ઠિંગુ-માર્મોસેટ પેરૂ, ઇક્વાડોર અને બ્રાઝિલમાં મળે છે. તેમનું શાસ્ત્રીય નામ છે Cubella pygmaea. અન્ય માર્મોસેટનું નિવાસસ્થાન મુખ્યત્વે બ્રાઝિલ અને બોલિવિયા છે. માર્મોસેટની પ્રજાતિ છે calithrix.

આકૃતિ 3 : ઠિંગુ માર્મોસેટ

આકૃતિ 4 : કાપુચિન

(2) કાપુચિન : તેમની પ્રજાતિ છે cebus. તેઓ કદમાં નાના હોય છે. તેમની પૂંછડી ગ્રહણશીલ હોય છે. માથા પર કાળા વાળનો સમૂહ હોય છે. જેનો દેખાવ ખ્રિસ્તી સાધુઓની ટોપી (capuche) જેવો લાગે છે. તેઓ મિશ્રાહારી હોય છે. ઈંડાં, કીટકો, પક્ષી, પાંદડાં અને ફળોનો આહાર તેઓ લે છે. તેઓ ઓજારો પકડવાની ક્ષમતા ધરાવે છે. તેમને આકૃતિ દોરવાનું કે રંગવાનું શિખવાડી શકાય છે. તેમનો નિવાસ આર્જેન્ટિનાના ગાઢ જંગલમાં છે. તેઓ હમેશાં કૂદતા કે દોડતા ફરતા હોય છે.

આકૃતિ 5 : ચીસપાડુ વાનર

(3) ચીસપાડુ વાનર (Howler monkey) : તેમની ચીસ એક કિલોમિટર દૂરથી પણ સાંભળી શકાય તેવી બુલંદ હોય છે. તેમનો નિવાસપ્રદેશ દક્ષિણ અને મધ્ય આફ્રિકા છે. મધ્યમ કદના આ વાનરોની પૂંછડી ગ્રહણશીલ હોય છે અને તેઓ પૂંછડીની મદદથી અધ્ધર લટકીને ખોરાક પકડે છે. તેઓ શાકાહારી છે. તેમનો મોટાભાગનો સમય વૃક્ષો પર વિશ્રાંતિ લેવામાં પસાર થાય છે. એક માન્યતા મુજબ આ સમયનો ઉપયોગ ભારે ખોરાક પચાવવામાં અને ખોરાક સાથે આવેલા ઝેરી પદાર્થોને બિનઝેરી સ્વરૂપમાં ફેરવવામાં થાય છે. બધા ચીસપાડુ વાનરો Aloutta પ્રજાતિના છે.

આકૃતિ 6 : કરોળિયા વાનર

(4) કરોળિયા વાનરો : મેક્સિકો અને બોલેવિયામાં વસતા આ વાનરો મધ્યમ કદના હોય છે. કરોળિયા વાનરને અંગૂઠો હોતો નથી અને પ્રત્યેક ઉપાંગ માત્ર ચાર આંગળીઓનું બનેલું છે. પૂંછડી ગ્રહણશીલ છે; જેથી તેઓ ડાળખીને પકડી લટકતા હોય છે. તેઓ ઘણા ચપળ હોય છે અને પોતાનો સમય ફળ, પાંદડાં અને કીટકો ખાવામાં વિતાવતા હોય છે. ટોળીમાં 2થી 100 જેટલા સભ્યો હોય છે, જેમાં એક અથવા એક કરતાં વધારે નર વાનરો હોઈ શકે છે. કરોળિયા વાનરોનો સમાવેશ Ateles પ્રજાતિમાં થયેલો છે.

(5) ખિસકોલી વાનરો : મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલમાં વસતા નાના કદના વાનરો. લંબાઈ (પૂંછડી વગર) આશરે 30 સેમી., વજન 1 કિલોગ્રામ જેટલું. ખિસકોલી વાનરોનો સમાવેશ સેબિડે કુળની સાયમિરી પ્રજાતિમાં કરવામાં આવ્યો છે. તેઓ ડાળખી કે લતામંડપ પર જ ચાલતા અને દોડતા હોય છે. રંગે મોટેભાગે પીળા અથવા લીલા પીળા હોય છે. તેમનાં નાક અને મુખ કાળાં, આંખની ફરતે સફેદ રુવાંટી, ચહેરો ગળું અને છાતી સફેદ અથવા આછાંપીળાં અને પૂંછડી લાંબી અને ગ્રહણશીલતા-વિહોણી (non-prehensile) હોય છે. કૂદકો મારતા હોય અથવા ઊભા હોય ત્યારે પૂંછડી તેમને સમતુલા જાળવવામાં મદદરૂપ નીવડે છે. આ વાનરો મોટા ટોળામાં રહેવા માટે જાણીતા છે. ટોળામાં સામાન્યપણે 10થી 50 જેટલા સભ્યો હોય છે. જોકે કેટલીક વાર ઘણાં ટોળાં ભેગાં થતાં સભ્યોની સંખ્યા 500 જેટલી થઈ જાય છે. ખિસકોલી વાનરોનો ઉપયોગ પ્રાયોગિક શાળામાં સંશોધનાર્થે થાય છે. માનવીય હસ્તક્ષેપને લીધે ખિસકોલી વાનરોનું અસ્તિત્વ ભયમાં મુકાયેલું છે.

મહાદેવ શિ. દુબળે