વાન મૅન્ડર, કારેલ (Van Mander, Karel)

January, 2005

વાન મૅન્ડર, કારેલ (Van Mander, Karel) (જ. 1548, હાર્લેમ, ફ્લૅન્ડર્સ; અ. 1606, હાર્લેમ, ફ્લૅન્ડર્સ) : ફ્લૅમિશ રેનેસાંસ-ચિત્રકાર અને કલા-ઇતિહાસકાર. હાર્લેમમાં ચિત્રકલાની તાલીમ લઈ 1575માં તેઓ રોમની યાત્રા કરીને 1577માં પાછા આવ્યા. ચિત્રકારો ગોલ્ટ્ઝયુસ (Goltzius) અને કૉર્નેલિસ (Cornelisz) સાથે તેમણે હાર્લેમમાં કલાની મહાશાળા શરૂ કરી અને એ રીતે ઉત્તર યુરોપમાં અને ખાસ કરીને હાર્લેમમાં ઇટાલિયન રેનેસાંસનાં લક્ષણો અને લઢણોનો પ્રસાર કર્યો. ઉત્તર યુરોપના (જર્મન, ડચ અને ફ્લૅમિશ) રેનેસાંસ-કલાકારોની જીવનકથાઓ, સર્જનપ્રક્રિયાઓ અને કલા-ઇતિહાસને આલેખતું પુસ્તક ‘શિલ્ડેર્બુક’ (Schilderboek) તેમણે લખ્યું, જે 1604માં પ્રકાશિત થયું. ઉત્તર યુરોપના રેનેસાંસ-કલાકારો અંગેની આધારભૂત માહિતીના સ્રોત તરીકે આ સૌથી વધુ આધારભૂત ગ્રંથ ગણાય છે. આ માટેની પ્રેરણા તેમને ઇટાલિયન રેનેસાંસ-કલાકારોની જીવનકથાઓ, સર્જનપ્રક્રિયાઓ અને ઇતિહાસ આલેખતા ઇટાલિયન કલા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીના ગ્રંથ ‘લ વિતે દ પિયુ આર્કિતેક્તી, સ્કુલ્તોરી એ પિત્તોરી એલ ઇતાલિયાની’ પરથી મળેલી. એક કલાકાર કરતાં એક મહત્ત્વના કલા-ઇતિહાસકાર તરીકે તેમનું મહત્ત્વ આજે ઘણું વધારે છે.

અમિતાભ મડિયા