વાન ડેર ગોએઝ, હ્યુગો (જ. આશરે 1440, ગૅન્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. 1482) : ફ્લેમિશ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકાર વાન ડેર વીડનનો શ્રેષ્ઠ શિષ્ય. ગુરુ પાસેથી વાન ડેર ગોએઝે ઊંડાં ધાર્મિક સ્પંદનો જગાડતી કલાનું સર્જન કરવાનું શીખેલું. એક ચિત્રકાર તરીકે અત્યંત ખ્યાતિ મળ્યા બાદ 1475માં પાંત્રીસ વરસની ઉંમરે વાન ડેર ગોએઝે છેક પ્રારંભિક કક્ષાની પાયરીના સાધુ (monk) બનીને એક મઠમાં એકલવાસ સ્વીકાર્યો. વારંવાર આવતા હતાશાના હુમલાનો ભોગ બનીને તેમણે તે પછી સાત જ વર્ષે આપઘાત કરીને જિંદગીનો અંત આણ્યો. પુરાવા નથી મળતા, પણ એવી વ્યાપક વાયકા છે કે જિંદગીનાં છેલ્લાં ચાર વરસ તે સાવ જ ગાંડા થઈ ગયેલા અને તેમને દોરડા વડે બાંધી રાખવા પડતા હતા.
વાન ડેર ગોએઝનું એક પ્રારંભિક ચિત્ર ‘પૉર્ટિનેરી ઑલ્ટરપીસ’ વેચાઈને ફ્લૉરેન્સ પહોંચેલું. અહીં ફ્લૉરેન્સમાં માઇકેલેન્જેલોના ગુરુ ધીર્લાન્ડાયો ઉપર આ ચિત્રનો ઊંડો પ્રભાવ પડેલો. આ ચિત્રમાં દૃશ્યવિજ્ઞાન (optics) અનુસાર નજીકની આકૃતિઓ મોટી અને દૂરની આકૃતિઓ નાની ચીતરવાને બદલે વાન ડેર ગોએઝે આકૃતિઓને મહત્ત્વ અનુસાર નાનીમોટી ચીતરી છે. દાખલા તરીકે, મધ્યભૂમાં બેઠેલી માતા મેરી અગ્રભૂમાં બેઠેલા પૉર્ટિનેરી પરિવારના સભ્યો કરતાં કદમાં મોટી છે. બાળ ઈશુને વંદન કરતા દેવદૂતો, ભરવાડો અને પૉર્ટિનેરી પરિવારના સભ્યોનું આ ‘નેટિવિટી’ ચિત્ર ઘણું જ ગમગીન અને વિષાદમય જણાય છે. આ વિષયને આલેખતા અન્ય ચિત્રકારોનાં ચિત્રો આનંદી અને ખુશમિજાજ ભાવ વ્યક્ત કરતાં હોઈ, વાન ડેર ગોએઝનું આ ચિત્ર ઘણું જ ધ્યાનપાત્ર બને છે.
અમિતાભ મડિયા