વાન ગૉઘ, વિન્સેન્ટ (જ. 30 માર્ચ 1853, ગ્રૂટ-ઝૂન્ડેર્ટ, બ્રેબેન્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. 1890, ઑવે, ફ્રાંસ) : વિશ્વના સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ પ્રસિદ્ધ ચિત્રકારોમાંના એક. અભિવ્યક્તિવાદી ચિત્રણાનો પાયો નાખનાર ત્રણ ચિત્રકારોમાંના એક ડચ ચિત્રકાર. (અન્ય બે ચિત્રકારો : એડ્વર્ડ મુંખ અને પૉલ ગોગાં) અત્યંત ઘેરી કમનસીબીઓથી વીંટળાયેલું તેમનું જીવન કોઈ અદૃશ્ય અભિશાપ અને કાળા ઓછાયાના સકંજામાં સપડાયું હોય તેવું જણાય છે. આધુનિક કલામાં તેમનું સ્થાન પિતામહ સમાન છે.
પિતૃપક્ષે વડવાઓ ચર્ચના પાદરીઓ અને સોનીનો ધંધો કરતા. પિતા થિયૉડૉરસ વાન ગૉઘ ગ્રૂટ-ઝૂન્ડેર્ટ ગામના ગ્રામીણ ચર્ચના પાદરી હતા.
બાળપણથી શરૂ કરીને પંદર-સોળ વર્ષની ઉંમર સુધીની વાન ગૉઘની જિંદગી તદ્દન સામાન્ય હતી. ચિત્રકલાના ઉન્મેષો તો બાજુ પર રહ્યા, ચિત્રકલા વિશે તેમણે સામાન્ય રુચિ પણ બતાવેલી નહિ. એ સોળ વરસના થયા ત્યારે ગૂપીલ નામના કલાકૃતિઓના એક વેપારીએ તેમને હેગ ખાતે નોકરીમાં રાખ્યા. તેમનો ભાઈ થિયૉ પણ ગૂપીલને ત્યાં નોકરી કરતો હતો. 1873માં ગૂપીલે તેમને કામ અર્થે લંડન મોકલ્યા. લંડનમાં વાન ગૉઘને પ્રેમભંગનો પહેલો અનુભવ થયો. એમના મકાનમાલિકની પુત્રી ઉર્સુલા લીજરે તેમનો લગ્નપ્રસ્તાવ ઠુકરાવી દીધો. આ પછી વાન ગૉઘ જીવન અંગે સભાન થઈ ગયા અને પોતાના જીવનના હેતુની શોધ એમણે આરંભી. પહેલાં તો લંડનમાં શાળામાં ભણાવવાનું શરૂ કર્યું અને પછી હોલૅન્ડમાં એક પુસ્તકની દુકાનમાં નોકરી કરી જોઈ. તુરત જ એક પાદરી તરીકેની ધાર્મિક કારકિર્દી તેમની નજરમાં વસી ગઈ. હવે એક પછી એક નિષ્ફળતા તેમને સતત મળવી શરૂ થઈ. ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ થિયૉલૉજી ખાતેની પ્રવેશ પરીક્ષામાં વાન ગૉઘ નાપાસ થયા. એ પછી બ્રસેલ્સ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ પ્રૅક્ટિકલ ઇવેન્જેલિઝમ ખાતેની પરીક્ષામાં પણ તેઓ નાપાસ થયા. એક પાદરી તરીકેની ધાર્મિક કારકિર્દીનાં દ્વાર આ રીતે તેમના માટે બંધ થઈ ગયાં.
એ પછી તેમણે ગરીબોમાં પણ વધુ ગરીબોની સેવા કરવાનો નિર્ધાર કર્યો. આ માટે તેમણે બેલ્જિયમના ‘બ્લૅક કન્ટ્રી’ તરીકે ઓળખાતા એવા સૌથી વધુ ગરીબ અને પછાત બ્રેબેન્ટ ઇલાકામાં બોરિનેજ નામનું ગંદું અને પેસતાં જ કમકમાટી થાય તેવું ગામડું પસંદ કર્યું. પોતાના આદર્શોમાંથી સહેજ પણ વિચલિત થયા વિના, વાસ્તવિકતા સાથે કોઈ પણ સમાધાન કર્યા વિના તેમણે ગરીબોથી પણ ગરીબ, નમ્રથી પણ નમ્ર બની પોતાનાં ઘર, કપડાં અને ખોરાક સુધ્ધાં ગરીબ ખાણિયાઓને દાનમાં આપી દઈ વધુ પડતી ઉદારતા દાખવી; પણ ખાણિયા આ ઉદારતા ન તો સમજી શક્યા કે ન તો સ્વીકારી શક્યા. ખાણિયા એમનો પ્રેમ સમજી શક્યા અને એ પ્રેમના પ્રત્યાઘાત રૂપે એમણે પણ વાન ગૉઘને પ્રેમ આપ્યો; પરંતુ વાન ગૉઘની તીવ્ર દાનવૃત્તિ અને ન્યોછાવર વૃત્તિથી એ મૂંઝાયા. એક વાર ખાણિયાઓમાં ટાઇફૉઇડ ફાટી નીકળતાં દિવસો સુધી વાન ગૉઘે ચોવીસે કલાક એ દર્દીઓની સેવા કરી; અને પોતે પહેરેલાં કપડાં પણ ફાડીને બૅન્ડેજ બનાવી બાંધ્યા.
1881માં વાન ગૉઘ ફરી પ્રેમમાં પડ્યા. આ વખતે સ્ત્રી એમની એક યુવાન વિધવા કઝિન હતી. તે કઝિનનાં માતાપિતાને આ સંબંધ મંજૂર નહોતો. પોતાના પ્રેમની મક્કમતા સાબિત કરવા માટે વાન ગૉઘે તે માતાપિતા સમક્ષ પોતાના હાથનો પંજો સળગતી મીણબત્તીની જ્વાળામાં ધરી રાખ્યો; થોડી વારમાં હાથનો પંજો ભૂંજાવા માંડ્યો અને પોતે બેભાન બની ગયા. આ પ્રકરણનો આમ અંત આવ્યો; પણ તુરત જ એક નંખાઈ ગયેલી અને નિચોવાઈ ગયેલી ગરીબ-કંગાળ વેશ્યા અને તેનાં પાંચ બાળકોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો. આ વેશ્યાને ‘સન્માર્ગે’ વાળવાનો પરિશ્રમ તેમણે કર્યો; જેમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા. વેશ્યા બાળકો સાથે ભાગી ગઈ. 1886માં નાના ભાઈ થિયૉનું નાણાકીય ભારણ હળવું કરવા માટે વાન ગૉઘે થિયૉ સાથે રહેતી મહિલા(mistress)ને પરણી જવા નિર્ધાર કર્યો, તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા.
ખાણો અને ખાણિયાઓનો સંગાથ વાન ગૉઘે 1881માં જ છોડી દીધેલો. 1881નાં અંતમાં અત્યંત મનોવેદના-વ્યથા અનુભવ્યા બાદ એમને જ્ઞાનપ્રાપ્તિ થઈ કે પોતાનું સાચું અને એકમાત્ર જીવનકર્મ ચિત્રકલા છે. 1882થી 1885 સુધી એમણે પ્રણાલીગત ડચ ચિત્રકારો પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એની સીધી અસર રૂપે વાન ગૉઘનાં પ્રારંભિક ચિત્રો અંધારિયાં બન્યાં છે. એના રંગો અત્યંત ઘેરા કથ્થાઈ, ભૂખરા અને કાળા છે. આ કારણે તેમજ એ વખતના એમના મનોવિષાદની સ્થિતિને કારણે એમના એ વખતનાં ચિત્રો ગ્લાનિમય અને વિષાદગ્રસ્ત છે.
ચિત્રકલાની સાધના આરંભી ત્યારથી જ વાન ગૉઘની સર્વ નાણાકીય જવાબદારીઓ નાના ભાઈ થિયૉએ ઉપાડી લીધી, જોકે, થિયૉની નાણાકીય સ્થિતિ પણ સાવ સાધારણ હતી. ઘેરા, ધૂસર અને કાદવિયા રંગોને તિલાંજલિ આપવાની વિનંતીઓ થિયૉ વાન ગૉઘને કરતો રહ્યો; પણ વાન ગૉઘના 1886માં પૅરિસ ગયા બાદ પ્રભાવવાદી ચિત્રકારોના સંસર્ગના પ્રતાપે વાન ગૉઘનાં ચિત્રોના રંગો આછા, ખૂલતા મધુર થયા. પિસારો, દેગા, મોને, રેન્વા અને સિન્યા જેવા પ્રભાવવાદી ચિત્રકારોની ઊંડી અસર વાન ગૉઘ પર પડી; છતાં આ પ્રભાવવાદી ચિત્રકારોની જેમ શુદ્ધ રંગો (primary colours) વડે હૂબહૂ દસ્તાવેજી આલેખનમાં વાન ગૉઘને રસ નહોતો. ઊઘડતા અને તેજસ્વી રંગો વડે વાન ગૉઘે મનના ઊંડાણમાં રહેલી આનંદ, વ્યથા, ક્રોધ, ઉત્કંઠા, આક્રોશ, એકલતા જેવી મૂળભૂત લાગણીઓનું નિરૂપણ કરવું શરૂ કર્યું. એથી એમની કલા પ્રભાવવાદી નહિ રહેતાં તેમાં અંગત અભિવ્યક્તિ એટલી બધી મુખર બની કે તે અભિવ્યક્તિવાદી (expressionist) કલાના નામે ઓળખાઈ. આ રીતે પૅરિસમાં તેમણે આશરે બસો જેટલાં તૈલચિત્રો ચીતર્યાં.
1886માં વાન ગૉઘ દક્ષિણ ફ્રાંસના રળિયામણા વિસ્તાર આર્લે(Arles)માં રહેવા ગયા. આ બાજુ વાન ગૉઘનો નાનો ભાઈ થિયૉ પૅરિસમાં આધુનિક કલાકૃતિઓનો વેપાર કરતો થયો હતો. મોટા ભાઈ વાન ગૉઘની કલાનો વિકાસ થાય તે માટે તેમણે પ્રસિદ્ધ આધુનિક ચિત્રકાર પૉલ ગોગાં(Gaugin)ને આર્લે જઈ થોડા દિવસ માટે વાન ગૉઘના ઘરમાં મહેમાન તરીકે રહેવા વિનંતી કરી. ગોગાંને આ વિનંતી સહેજેય ગમી તો નહિ, પણ થિયૉ પોતાનાં ચિત્રોનો આર્ટ-ડિલર હોવાથી તે આ વિનંતીનો વિરોધ કરી શક્યો નહિ. કમને ગોગાં આર્લે જઈ વાન ગૉઘનો મહેમાન બન્યો; પણ વાન ગૉઘ અને ગોગાં વચ્ચે ભયંકર ઝઘડો થયો. સામા માણસ પર પોતાના વિચારો ઠોકી બેસાડવાની આદત ગોગાંના સ્વભાવમાં હતી, જે વાન ગૉઘને બિલકુલ નાપસંદ હતી. ગોગાંએ તુરત જ પૅરિસ પાછા ફરવાનું ઠેરવ્યું; પણ હજી તે પૅરિસ જાય એ પહેલાં જ તીવ્ર મનોવેદનાનો હુમલો વાન ગૉઘ પર થયો અને વાન ગૉઘે પોતાનો એક કાન દાઢી કરવાના રેઝર વડે કાપી નાંખ્યો અને તેને સાબુથી ધોઈ, સાફ કરી, સુંદર કાગળમાં સુંદર રીતે લપેટી એક સ્થાનિક વેશ્યાને ભેટ આપી આવ્યો. પછી તુરત જ જાતે જ વાન ગૉઘ સેંટ રેમી ખાતેની પાગલો માટેની હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા. અહીં સર્જન-પ્રવૃત્તિની ઝડપ ખૂબ વધી ગઈ, પણ એક વરસ પછી ફરીથી ગાંડપણનો હુમલો ગૉઘ પર થયો. પછી તેઓ પૅરિસ ગયા; પણ ત્યાં નાના ભાઈ થિયૉની નાણાકીય સંકડામણો તથા તેના નાનકડા બાળકની બીમારી જોઈને તેમને આવતા પાગલપણાના હુમલા વધી ગયા. આ પછી તેઓ ઑવે – Ahvers ચાલ્યા ગયા. ત્યાં ચિત્રપ્રવૃત્તિમાં ફરી વેગ આવ્યો. પણ એક દિવસ ચિત્ર કરતાં કરતાં જ તેમણે પોતાની છાતીમાં પિસ્તોલ વડે ગોળી મારી. ઘા-જખમ બહુ ઊંડો કે ગંભીર નહોતો. વાન ગૉઘના ડૉક્ટર ગશેએ તુરત જ સારવાર કરી; છતાં જખમ પાકી ગયો અને શરીરમાં ઝેર ફેલાયું. બે જ દિવસ બાદ માત્ર સાડત્રીસ વરસની ઉંમરે વાન ગૉઘ મૃત્યુ પામ્યા. ઑવે ખાતેના કબરસ્તાનમાં જ તેમનું શબ દફનાવવામાં આવ્યું.
પ્રારંભિક ડચ તબક્કાથી જ વાન ગૉઘનાં ચિત્રોમાં અભિવ્યક્તિવાદી લઢણો સ્પષ્ટ જોવા મળે છે. દાખલા તરીકે આ તબક્કાના વિખ્યાત ચિત્ર ‘પોટેટો-ઇટર્સ’માં ધૂસર ભૂખરા, કથ્થાઈ અને કાળા રંગો ગમગીન વાતાવરણ રજૂ કરે છે. ફાનસનો પ્રકાશ મહેનતકશ મજૂરોના નિસ્તેજ અને કંતાઈ ગયેલા ચહેરા તથા કાળી મજૂરીથી ખરબચડા થઈ ગયેલા હાથના પહોંચાની કઠણ આંગળીઓ પર પડતો દેખાય છે. ખાવાની સામગ્રી સાવ સાદી છે : બાફેલા બટાકા અને કૉફી. ડચ બરોક ચિત્રકાર ફ્રાન્સ હૅલ્સનો પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે; પણ પીંછીના સરળ લસરકા વાન ગૉઘની વિશિષ્ટ રજૂઆતના દ્યોતક બને છે; જેમાં તેમના હૃદયમાંથી પ્રગટતી સરળતા અને અનુકંપા નજરે પડે છે.
પ્રભાવવાદી ચિત્રકારોની અસર ઝીલવા ઉપરાંત વાન ગૉઘે ‘યુક્યો-ઈ’ નામે ઓળખાતી જાપાનનાં કાષ્ઠ-છાપચિત્રો(woodcut prints)નો પણ ઊંડો પ્રભાવ ઝીલ્યો. આ છાપચિત્રો તેમને પૅરિસમાં જોવા મળેલાં. આ છાપચિત્રોના પ્રભાવના પરિણામે વાન ગૉઘે છાયા અને પ્રકાશના નિરૂપણને તિલાંજલિ આપી. એવાં કેટલાંક છાપચિત્રોની તેમણે તૈલરંગો વડે નકલ પણ કરી.
વાન ગૉઘના પ્રિય વિષયોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, સૂરજમુખીનાં પુષ્પો, ખેતરો, ખેતમજૂરો, ચૅરી-બ્લૉસમનાં વૃક્ષો, જંગલો, તારલામંડિત રાત્રીઓ, મિત્રો અને ઓળખીતાનાં વ્યક્તિચિત્રો, આત્મચિત્રો, પોતાનો બેડરૂમ તથા નિજી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધાં જ ચિત્રો સરળ રચના (composition-design) અને વિશિષ્ટ રંગોની સહોપસ્થિતિ(juxtaposition)ને કારણે ખૂબ જ આકર્ષક બને છે, અને તેથી તે લોકપ્રિય બન્યાં છે. તેમનાં આત્મવ્યક્તિચિત્રો તેમના પલટાતા જતા વિવિધ મનોભાવનું નિરૂપણ કરવામાં સફળ બને છે. તેમાં બુદ્ધના ચહેરા જેવી શાંતિથી માંડીને ખુન્નસ અને વ્યથા સુધીના ભાવોનું વૈવિધ્ય દેખાય છે. માત્ર ડચ ચિત્રણામાં જ નહિ, સમગ્ર યુરોપિયન ચિત્રણામાં રૅમ્બ્રાં પછી આત્મચિત્રના ક્ષેત્રે સંખ્યા અને મનોભાવોનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ – એમ બંને રીતે વાન ગૉઘ જેટલું સર્જન બીજા કોઈ ચિત્રકારે કે શિલ્પકારે કર્યું નથી.
યુરોપિયન ચિત્રણામાંથી ઇટાલિયન બરોક-ચિત્રકાર તિશ્યોં તથા ફ્રેંચ રંગદર્શી ચિત્રકારો દેલાક્રવા (Delacroix) અને મિલે (Millet) વાન ગૉઘના પ્રિય હતા. એ ત્રણેયનાં કેટલાંક ચિત્રોને વાન ગૉઘે પોતીકી શૈલીમાં ફરીથી ચીતર્યાં હતાં.
વાન ગૉઘનાં અંતિમ ચિત્રોમાં એક ચિત્ર ‘પ્રિઝનર્સ ઍટ એક્સર્સાઇઝ’માં જેલની કાળમીંઢ દીવાલો વચ્ચે વર્તુળાકારે ચાલતા કેદીઓ અને તેમની પર પડતો પ્રકાશ તેમના જીવનની કરુણતા પ્રદર્શિત કરે છે. આ કેદીઓમાંથી એક તો વાન ગૉઘનું વ્યક્તિચિત્ર છે. ખૂબ જ ગમગીની અને બિકાળવી રહસ્યમયતાના વાતાવરણને ઊભું કરતું આ ચિત્ર વાન ગૉઘની અંતિમ વિક્ષુબ્ધ મનોદશાનું સચોટ પ્રતિબિંબ પાડે છે. ઊંચી ભેંકાર દીવાલોના ઊંચે રહેલાં કાણાંઓમાંથી નીચે કેદીઓ પર પડતા આછા ઉજાસને પણ આશાકિરણના પ્રતીક તરીકે સ્વીકારી શકાય નહિ તેટલો જ તે વિષાદમય જણાય છે.
વાન ગૉઘે છેલ્લું ચીતરેલું ચિત્ર ‘કૉર્નફીલ્ડ વિથ ક્રોઝ’ (1890) પણ અત્યંત વિષાદગ્રસ્ત અને નિરાશાનું સૂચક જણાય છે. આસમાની રંગના આસમાન નીચે સોનેરી રંગના ડૂંડાંવાળું મકાઈનું ખેતર તેમાં નજરે પડે છે; પણ આસમાન ક્ષિતિજથી ઉપર આગળ વધતાં ઘેરું અને તેથી શોકગ્રસ્ત બની જતું દેખાય છે. એક પગદંડી ચિત્રની અગ્રભૂમાંથી મકાઈના ખેતરમાં આગળ વધી ક્ષિતિજ તરફ પ્રયાણ કરતી નજરે પડે છે; પણ તે ક્ષિતિજ સુધી પહોંચે તે પહેલાં જ મકાઈના છોડવાઓમાં અટવાઈ જઈને અટકી જાય છે. મનોવિજ્ઞાનીઓના મતે પગદંડીનું આ અટકી જવું પણ નિરાશાસૂચક છે.
ઉપર ગમગીન આકાશમાં કાળા કાગડા ઊડે છે. ચિત્રમાં પીંછીના લસરકા પણ તણાવગ્રસ્ત દેખાય છે. માત્ર નિરાશા અને વિષાદનું જ નહિ, કેટલાક વિદ્વાનોના મતે આ ચિત્ર વાન ગૉઘના જીવનના આપઘાત દ્વારા અચાનક અણધાર્યા અંતનું પણ સૂચક છે.
1882થી વાન ગૉઘે પત્રલેખન ચાલુ કરેલું. પોતાની જિંદગીની ઘટનાઓનું પોતાની અનુભૂતિઓનું અને પોતાનાં ચિત્રો અંગેની વાતોનું તેમાં શબ્દો વડે બયાન થયેલું જોવા મળે છે. તેમાં સૌથી મોટી માત્રામાં પત્રો નાના ભાઈ થિયૉને સંબોધીને લખ્યા છે, જેણે વાન ગૉઘ ચિત્રકાર થયા ત્યારથી તેમની સર્વ નાણાકીય જવાબદારી વેંઢારેલી. આ પત્રો પરથી જણાય છે કે થિયૉને વાન ગૉઘ કદી ભારરૂપ લાગેલા નહિ. વાન ગૉઘના અકાળ અંત સુધી થિયૉને એમનામાં પૂરો વિશ્વાસ હતો. થોડા પત્રો માતાને, બહેન વિલ્હૅમીન(Wilhemine)ને, એમિલી બર્નાર્ડને અને વાન રેવાર્ડને સંબોધીને લખ્યા છે. આ પત્રો દ્વારા વાન ગૉઘના હૃદયની નિખાલસતા, નમ્રતા, ઋજુતા અને માનવીય હૂંફ વ્યક્ત થાય છે. તેમના નિ:સ્વાર્થ ત્યાગ અને બીજાને મદદરૂપ થઈ પડવા માટે થઈને ફના થઈ જવાની તેમની વૃત્તિનાં દર્શન પણ આ પત્રોમાં દેખાય છે. 1950માં વાન ગૉઘના સમગ્ર પત્રોનું પ્રકાશન થયું છે.
પીંછીના જોશભર્યા અને તણાવભર્યા લસરકા તથા અતિશયોક્તિપૂર્ણ રંગો વડે બળકટ અભિવ્યક્તિની શરૂઆત કરનાર વાન ગૉઘ (એડ્વર્ડ મુંખ અને પૉલ ગોગાં સાથે) અભિવ્યક્તિ પર વિશેષ ઝોક મૂકીને અભિવ્યક્તિવાદના પ્રણેતા કલાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા છે. માત્ર અભિવ્યક્તિ જ નહિ, અમૂર્ત અભિવ્યક્તિવાદ પણ તેમના પ્રભાવ હેઠળ વિકાસ પામ્યો છે.
અમિતાભ મડિયા