વાનખેડે સ્ટેડિયમ

January, 2005

વાનખેડે સ્ટેડિયમ : મુંબઈમાં ચર્ચગેટ પાસે આવેલું મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની માલિકીનું વિશાળ અને અદ્યતન સુવિધાઓ ધરાવતું ભારતનું એક મુખ્ય અને પ્રમુખ ક્રિકેટ-મેદાન. આ સ્ટેડિયમના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા તત્કાલીન મહારાષ્ટ્રના નાણાપ્રધાન અને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ શ્રી શેષરાવ વાનખેડેની ચિર સ્મૃતિમાં, 1974માં મુંબઈમાં તૈયાર થયેલા આ નવા ક્રિકેટ સ્ટેડિયમ સાથે શેષરાવ વાનખેડેનું નામ જોડવામાં આવ્યું હતું. શરૂ શરૂમાં પૂરા નામથી સ્ટેડિયમ ઓળખાતું હતું; પરંતુ ધીમે ધીમે તે હવે ‘વાનખેડે સ્ટેડિયમ’ તરીકે જગવિખ્યાત બની રહ્યું છે.

મુંબઈમાં 1933માં પ્રવાસી ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ ‘બૉમ્બે જિમખાના’ના મેદાન પર રમાઈ હતી. ત્યાર બાદ, પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મુંબઈમાં, ચર્ચગેટ વિસ્તારમાં ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા(CCI)ના માલિકીના બ્રેબૉર્ન સ્ટેડિયમ પર 9મી ડિસેમ્બર, 1947ના રોજ રમાઈ હતી. બ્રેબૉર્ન સ્ટેડિયમ પર ડિસેમ્બર 1947થી ફેબ્રુઆરી, 1973 સુધી ટેસ્ટ મૅચો રમાતી રહી.

દરમિયાનમાં, મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશને પોતાના સ્વતંત્ર ક્રિકેટ સ્ટેડિયમ માટે 1968માં ચર્ચગેટ વિસ્તારમાં વિશાળ જમીન લીધી અને 1973માં સ્ટેડિયમનું ઝપાટાભેર બાંધકામ શરૂ થઈ ગયું અને 1974ના અંત સુધીમાં મુંબઈનું બીજું, વિશાળ અને અદ્યતન સ્ટેડિયમ તૈયાર થઈ ગયું.

1974-75માં ક્લાઇવ લૉઇડના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઇન્ડિઝની બલાઢ્ય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટ મૅચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવી હતી, એ દરમિયાન, 23મી જાન્યુઆરી, 1975ના રોજ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચમી  આખરી ટેસ્ટ મુંબઈમાં નવા જ બંધાયેલા વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ અને એ સાથે આ સ્ટેડિયમ પર ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ થયો. આજે તો આ વાનખેડે સ્ટેડિયમ એક વિશાળ, રાત્રિ-પ્રકાશ ક્રિકેટ મૅચોની સુવિધા સમેત અદ્યતન સુવિધાઓ ધરાવતું ભારતનું પ્રમુખ સ્ટેડિયમ બની ચૂક્યું છે. તે 45,000 પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.

વાનખેડે સ્ટેડિયમનાં બે મુખ્ય પ્રવેશદ્વારોને ‘વિનુ માંકડ ગેટ’ અને ‘પોલી ઉમરીગર ગેટ’ નામ આપવામાં આવ્યાં છે; જ્યારે સ્ટેડિયમમાંના પ્રેક્ષકોને બેસવાના વિભાગો(stands)ને ‘વિઠ્ઠલદાસ દિવેચા સ્ટૅન્ડ’, ‘સુનીલ ગાવસકર સ્ટૅન્ડ’ તથા ‘વિજય મરચન્ટ સ્ટૅન્ડ’ નામ આપવામાં આવ્યાં છે.

23મી જાન્યુઆરી, 1975ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વસંતરાવ નાઇકે વાનખેડે સ્ટેડિયમને ટેસ્ટ ક્રિકેટ માટે ખુલ્લું મૂક્યું હતું.

જગદીશ બિનીવાલે