વાન્ડિક, (સર) ઍન્થૉની (જ. 22 માર્ચ 1599, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ, બૅલ્જિયમ; અ. 9 ડિસેમ્બર 1641, લંડન, બ્રિટન) : સત્તરમી સદીના ફ્લૅન્ડર્સના રૂબેન્સ પછી સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. ધાર્મિક અને પૌરાણિક વિષયોનાં ચિત્રો ઉપરાંત ધનાઢ્યોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. 1632માં લંડનના રાજા ચાર્લ્સ પહેલાએ તેમની નિમણૂક દરબારી ચિત્રકાર તરીકે કરી અને એમને ‘નાઇટહુડ’ના ખિતાબથી નવાજ્યા.
રેશમના વેપારી ધનાઢ્ય પિતા ફ્રાન્સ વાન્ડિકનાં બાર સંતાનોમાં ઍન્થૉની સાતમું સંતાન હતા. દસ વરસની ઉંમરે તેમણે હેન્ડ્રિક વાન બાલેન નામના ચિત્રકાર પાસે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. તુરત જ તેઓ તત્કાલીન ફ્લૅમિશ ચિત્રકાર રૂબેન્સના પ્રભાવ હેઠળ આવ્યા. કારકિર્દીના પ્રારંભે 1613માં જ ઍન્થૉનીએ વ્યક્તિચિત્ર ચીતરેલું. રૂબેન્સની નાટ્યાત્મક ચિત્રણની શૈલી અપનાવવા છતાં તેમની તકનીક ઍન્થૉનીએ અપનાવી નહિ. રૂબેન્સ અળશીના તેલનાં બનેલાં પાતળાં પડો વડે ગ્લેઝ ચડાવીને ચિત્રકામ કરતા, જ્યારે ઍન્થૉની એક જ પડની (Ala prima) સીધી ચિત્રણા કરતા. રૂબેન્સ કરતાં ઍન્થૉનીના રંગો પણ વધુ ઘેરા અને હૂંફાળા છે. રૂબેન્સનાં ચિત્રોમાં જોવા મળતા વ્યક્તિઓના હાવભાવ કરતાં ઍન્થૉનીએ વધુ તીવ્ર હાવભાવો આલેખ્યા છે. ઓગણીસ વરસની ઉંમરે તેઓ રૂબેન્સના શિષ્ય બની ગયા. રૂબેન્સનાં ઘણાં મહાકાય ચિત્રોમાં ઍન્થૉનીની ભાગીદારી જોવા મળે છે. 1630 પછી ઍન્થૉની અને રૂબેન્સ વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા, છતાં રૂબેન્સે તેમની ભલામણો કરવી અને તેમને ટેકો આપવો ચાલુ રાખ્યાં. દાખલા તરીકે, ઍન્થૉનીની 1620ની લંડનયાત્રા વખતે રૂબેન્સે તેમને અર્લ (Earl) ઑવ્ ઍરુન્ડેલ ઉપર ભલામણપત્ર લખી આપેલો અને તે અર્લે ઍન્થૉનીને ચિત્રકામની વરદી આપી હતી. ઇંગ્લૅન્ડનો રાજા જેમ્સ પહેલો વાર્ષિક સો પાઉન્ડ પગાર આપતા હોવા છતાં ઍન્થૉની દરબારી ચિત્રકાર તરીકે રાજીનામું મૂકીને 1621માં ઇટાલી ચાલ્યા ગયા. અહીં પણ રૂબેન્સની ભલામણોએ તેમનો રસ્તો સરળ કરી આપ્યો; જેને કારણે જિનોઆના ધનાઢ્ય કુટુંબોએ તેમને ચિત્રકામની વરદી આપવી શરૂ કરી. જિનોઆને ઘર બનાવી ઍન્થૉનીએ રોમ, વેનિસ, પાદુઆ, માન્તુઆ, મિલાન અને તુરિનની મુલાકાતો લીધી. 1624માં તેમણે પાલેર્મો જઈ સ્પૅનિશ વાઇસરૉય એમાન્યુએલ ફિલિબેર્ટ ઑવ્ સેવૉયનું વ્યક્તિચિત્ર ચીતર્યું. ઇટાલિયન નગરોની યાત્રાઓ દરમિયાન મહાન ઇટાલિયન કલાકારોની કલાનો અભ્યાસ કરવાનું ઍન્થૉની ચૂક્યા નહિ. ખાસ કરીને વેનિશિયન ચિત્રકારોની કૃતિઓએ તેમને ખૂબ આકર્ષ્યા. બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી તેમની સ્કૅચબુક પરથી ફલિત થાય છે કે વેનિશિયન ચિત્રકારોમાંથી ખાસ કરીને તિશ્યોંએ તેમને ખૂબ જ આકર્ષેલા. એ ચિત્રકારોના મહાકાય કૅન્વાસોની તેમણે જળરંગો વડે સ્કૅચબુકમાં નાની અનુકૃતિઓ બનાવેલી. ઇટાલીમાં જ તેમણે પોતાની ભવ્ય ચિત્રકૃતિ ‘મૅડોના ઑવ્ ધ રોઝરી’ ચીતરી. તે પછી તેમણે શ્રીમંત ઇટાલિયનોનાં વ્યક્તિચિત્રો ચીતરવાનું શરૂ કર્યું. આ વ્યક્તિચિત્રોમાં વૈભવી ઠાઠમાઠ સ્પષ્ટ દેખાય છે. દાખલા તરીકે, સુંવાળા રેશમનો ચળકાટ, ભારેખમ હૅટ વગેરે.
1627માં ઍન્થૉની ઍન્ટવર્પ ગયા અને 1632 સુધી ત્યાં જ રહ્યા, કારણ કે તે દરમિયાન રૂબેન્સ રાજદૂત તરીકે પરદેશ ગયા હોવાથી હોલૅન્ડના કલાબજારમાં મોટો હિસ્સો પ્રાપ્ત કરી લેવાની સરળ તક તેમને ઉપલબ્ધ બનેલી. વ્યક્તિચિત્રો ઉપરાંત ચર્ચમાં અને ઘરમાં વેદી માટેનાં ધાર્મિક ચિત્રો ચીતરવાની વરદી મોટે પાયે ઍન્થૉનીને મળી.
ઍન્થૉનીના ગ્રાહકોને ધીમે ધીમે એ વાત સ્પષ્ટ જણાવા માંડી કે હિંસક ભાવોના આલેખન કરતાં ઋજુ સંવેદનાઓનું આલેખન ઍન્થૉનીની પ્રતિભાને વધુ અનુકૂળ હતું. 1646 પછી ઍન્થૉનીની કેટલીક શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ સર્જાઈ, જેમાં ઋજુ સંવેદનાઓ કેન્દ્રસ્થાને છે : ‘વર્જિન વિથ ઇન્કૂન્ટ જિજસ’, ‘મેટર ડોલોરોસા ઇન લૅમેન્ટેશન’ (Mater Dolorosa in Lamentation), ‘ક્રુસિફાઇડ ક્રાઇસ્ટ વિથ સેંટ ડોમિનિક ઍન્ડ સેંટ કૅથરિન ઑવ્ સિયેના’. ઍન્ટવર્પના અન્ય કલાકારો, પાદરીઓ, વિદ્વાનો અને કલાસંગ્રહકર્તાઓનાં વ્યક્તિચિત્રો પણ તેમણે ચીતર્યાં.
1632માં બ્રિટનના રાજા ચાર્લ્સ પહેલાએ ઍન્થૉનીને ‘નાઇટહુડ’ના ખિતાબથી નવાજેલા. 1647 પછી ઍન્થૉનીએ રાજાના આમંત્રણથી લંડનમાં વસવાટ શરૂ કર્યો. રાજાએ તેમને વાર્ષિક 200 પાઉન્ડનું સાલિયાણું બાંધી આપવા ઉપરાંત એક સોનાની ચેન અને ‘પ્રિન્સિપલ પેઇન્ટર ઑવ્ ધ મેજેસ્ટીઝ’નો દરજ્જો પણ આપ્યો. બ્રિટન-નિવાસ દરમિયાન ચાર્લ્સ પહેલાને ભવ્ય રીતે આલેખિત કરતાં ઘણાં વ્યક્તિચિત્રો ઍન્થૉનીએ ચીતર્યાં. તે ઉપરાંત તેમણે બ્રિટિશ શ્રીમંતોનાં ચિત્રો પણ ચીતર્યાં. આ વ્યક્તિચિત્રોનો પ્રભાવ પછીના બ્રિટિશ વ્યક્તિચિત્રકારો સર પીટર લેલી, સર ગોડ્ફ્રે નેલર, અને થૉમસ ગેઇન્સ્બરો પર પડ્યો.
અમિતાભ મડિયા