વાન્ગ હુઈ (જ. 1632, ચાન્ગ્શુ, કિયાન્સુ પ્રાંત, ચીન; અ. 1717, ચાન્ગ્શુ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. અન્ય ત્રણ ચિત્રકારો વાન્ગ શિહ-મિન, વાન્ગ ચિન અને વાન્ગ યુઆન-ચી સાથે તેની ગણના ‘ફોર વાન્ગ’ ચિત્રકાર જૂથમાં થાય છે.

વાન્ગ શિહ-મિન અને વાન્ગ ચિન પાસેથી વાન્ગ હુઈએ ચિત્રકલાની તાલીમ મેળવેલી. વાન્ગ શિહ-મિને 1651માં વાન્ગ હુઈને પુત્ર તરીકે અપનાવી લઈને ચીની સૌન્દર્યશાસ્ત્રી તુન્ગ ચિઆન્ગના સિદ્ધાંતો પણ શિખવાડ્યા. 1690માં બિજિન્ગના રાજદરબારમાં વાન્ગ હુઈની ખ્યાતિ પ્રસરી. સમ્રાટ કાન્ગ્સી તેનાં નિસર્ગચિત્રોથી પ્રભાવિત થયો. 1691માં તે સમ્રાટે વાન્ગ હુઈને પોતાના દરબારમાં સ્થાન આપ્યું. તે અરસામાં સમ્રાટે કરેલા દક્ષિણ ચીનના પ્રવાસને આલેખતી લાંબી ચિત્રમાળા ઘણા દરબારી ચિત્રકારો ચીતરી રહેલા તે કામની દેખરેખનું કામ સમ્રાટે વાન્ગ હુઈને આપ્યું. 1698માં વાન્ગ હુઈએ સમ્રાટના દરબારમાંથી નિવૃત્તિ લઈ ઠાઠમાઠથી એશઆરામની જિંદગી જીવવાનું પસંદ કર્યું.

પીંછીના નજાકતભર્યા લસરકાથી ચીતરેલાં તેનાં નિસર્ગચિત્રો આજે ચીની ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂનાઓમાં સ્થાન પામે છે.

અમિતાભ મડિયા