વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) : પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે તેની કલા બાહ્ય વિશ્વનું માત્ર અનુકરણ કરવા કરતાં વિશેષે અંગત અનુભૂતિઓની અભિવ્યક્તિ છે.
17મી સદી પછી તો વાન્ગ વીની પ્રતિષ્ઠા એટલી બધી ઊંચી થઈ કે તેના અંગે જાતભાતની વાયકાઓ પ્રચલિત થવા માંડી. એના જીવન અંગેની પ્રમાણભૂત માહિતી મેળવતાં ખૂબ મુશ્કેલી પડે છે.
તાન્ગ રાજવંશ (618-907) દરમિયાન વાન્ગ વીનો જન્મ અને ઉછેર થયેલા. તાન્ગ રાજધાની ચાન્ગાનમાં તેણે અભ્યાસ કરી નાગરિક સેવા(civil service)ની પરીક્ષા માત્ર એકવીસ વરસની ઉંમરે પસાર કરી. આ પરીક્ષા માટે તેણે સંગીત અને સાહિત્યલેખનના વિષયો પસંદ કરેલા. પરીક્ષામાં ખૂબ સારા ગુણ તેણે મેળવેલા તેથી તેને ‘ચીન-શી’ (એડવાન્સ્ડ સ્કૉલર) એવો ખિતાબ મળેલો. રાજવી સેવામાં શરૂઆતમાં તો તેને ઊંચો હોદ્દો મળેલો, પણ પછી તુરત નીચી પાયરીએ તેને ઉતારી પાડી શેન્ટુન્ગ પ્રાંતમાં મોકલી દેવામાં આવેલો. છેક 734માં તેની ફરીથી રાજધાની ચાન્ગાનમાં બદલી કરવામાં આવી અને સેન્સર વિભાગમાં બેસાડવામાં આવ્યો.
756માં લશ્કરી જનરલ એન લુશાને બળવો કર્યો. બીજાં ભેગો વાન્ગ વીને પણ તેણે નવી રાજધાની લોયાન્ગમાં કેદ કરીને રાખ્યો. પછી આ જ રાજધાનીમાં વાન્ગ વીને એણે સંચાલન-સેવા(administrative service)માં કામ આપ્યું. 758માં બળવાખોર એન લુશાનને તાન્ગ રાજવીએ પકડી લેતાં વાન્ગ વીની રાજવી સેવાઓનો અંત આવ્યો. આ સમયે તેની પત્ની અને પુત્રનાં મરણ થયાં. એ શોકગ્રસ્ત થઈ ગયો. વાન્ગ નદીને કાંઠે એક કુટિરમાં રહેવું પસંદ કરી તેણે બૌદ્ધ ધર્મના અભ્યાસ અને નિસર્ગચિત્રણામાં સમય વ્યતીત કર્યો; કવિતા પણ રચી.
વાન્ગ વી દ્વારા ચિત્રિત કોઈ પણ ચિત્ર આજે હયાત નથી. તેનાં ચિત્રોની આજે મોજૂદ અનુકૃતિઓ પરથી જ તેની કલાનો અંદાજ મેળવવાનો રહે છે. ઘણાબધા વિષયો પર તેણે પીંછી ફેરવી હોવા છતાં – ખાસ તો નિસર્ગચિત્રણાનો પ્રારંભ કરનારા ચિત્રકારોમાંના એક તરીકે તેની આજે મોટી નામના છે. એનાં નિસર્ગચિત્રો એકરંગી (monochrome) છે અને નિસર્ગમાં તેનો પ્રિય વિષય હિમાચ્છાદિત પર્વતો, ડુંગરો, વૃક્ષો, જંગલો અને નદીઓ છે.
કાવ્યક્ષેત્રે ચીનના શ્રેષ્ઠ કવિઓમાં આજે પણ તેની ગણના થાય છે. ચીની કાવ્યોના સંચયોમાં તેની કાવ્યરચનાનો સમાવેશ કરવાનો જાણે વણલખ્યો કાયદો બની ગયો છે. તાન્ગ રાજવંશના કવિઓ લિ પો (701-762) અને તુ ફૂ(712-770)ની હરોળમાં તેની ગણના થાય છે.
અમિતાભ મડિયા