વાન્ગ મૅન્ગ (જ. 1308, વુસિન્ગ, ચેકયાંગ પ્રાંત, ચીન; અ. 1385, વુસિન્ગ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. યુઆન રાજવંશ (1206-1368) દરમિયાન પાકેલા ચિત્રકારોમાં તેની ગણના ટોચમાં થાય છે.
યુઆન રાજવંશ દરમિયાન પાકેલા એક નિસર્ગચિત્રકાર ચાઓ મેન્ગ્ફૂ અને એક મહિલા નિસર્ગચિત્રકાર કુઆન તાઓશેંગના વાન્ગ મૅન્ગ પૌત્ર હતા. થોડા વખત માટે વાન્ગ મૅન્ગે યુઆન તેમજ મિન્ગ – એ બંને રાજવંશોના કાર્યાલયમાં કારકુન તરીકે નોકરી કરેલી. યુઆન રાજાના વડાપ્રધાન સાથે મળીને મિન્ગ સમ્રાટ તાઇત્સુ સામે કાવતરું કરવાના આરોપ બદલ વાન્ગ મૅન્ગને જીવનનાં છેલ્લાં પાંચ વરસ કેદમાં ગાળવાં પડેલાં. મૃત્યુ પછી એ હકીકત બહાર આવેલી કે કાવતરામાં વાન્ગ મૅન્ગનો કોઈ જ ફાળો નહોતો !
વાન્ગ મૅન્ગનાં ચિત્રોમાં ગાઢાં જંગલો અને નદીઓ જોવા મળે છે. રૂઢ ચીની પરંપરા અનુસાર ચિત્રોમાં ખાલી જગ્યાઓ રાખવાનું વાન્ગ મૅન્ગને પસંદ નહોતું. એક મહત્વનો અન્ય નિસર્ગચિત્રકાર નીસેન વાન્ગ મૅન્ગનો મિત્ર હતો.
અમિતાભ મડિયા