વાનસ્પતિક રોગનિવારકો : પરોપજીવી સૂક્ષ્મજીવો તેમજ વિપરીત પર્યાવરણિક અસર હેઠળ કૃષિપાકમાં ઉદભવતા વિવિધ પ્રકારના રોગોના નિયંત્રણાર્થે યોજતા ઉપચારો. રોગનિયંત્રણનો મુખ્ય હેતુ રોગને અટકાવવાનો અથવા ઘટાડવાનો છે; જેથી પાકના નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય. રોગનો સંપૂર્ણ નાશ કરવો એ ઘણું જ કઠિન છે. કેટલાક રોગોને કાબૂમાં લેવા ફક્ત એક જ રોગનિવારકનો ઉપયોગ પૂરતો અને અસરકારક હોય છે; દા. ત., જુવારનો આંજિયો, જેમાં જુવારના બીજને 300 મેશ ગંધકના પાઉડરનો પટ આપી વાવણી કરવાથી તે રોગ થતો નથી. વળી કેટલાક રોગોના નિવારણ માટે રોગ-નિવારણની વિવિધ રીતો અપનાવી રોગથી થતું નુકસાન અટકાવી શકાય છે. આમ પાકમાં રોગથી થતા નુકસાનથી બચવાનું આયોજન કરતી વખતે પાકોમાં આવતા જુદા જુદા રોગોને ધ્યાનમાં લઈ તે બધા રોગોથી થતા નુકસાનના નિવારણનું આયોજન કરવામાં આવે તે જરૂરી છે. ફક્ત એક જ રોગને ધ્યાનમાં લઈ આયોજન કરવું ખેડૂત માટે હિતકારી નથી. તેથી જે તે વિસ્તારમાં આવતા બધા રોગોને ધ્યાનમાં લઈ રોગનિવારણનાં પગલાંનું આયોજન કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવાય તે જરૂરી છે. આ નિવારણનાં પગલાં અમલમાં મૂકતાં પહેલાં જે તે વિસ્તારમાં આવતા રોગો, પાક માટેનું ઋતુગત વિશિષ્ટ પર્યાવરણ, પ્રાથમિક ચેપ, તેની વૃદ્ધિ, પ્રજનન, તેને જરૂરી પોષકતત્ત્વો જેવી રોગજનક(pathogen)ની ખાસિયતો વગેરેની જાણકારી હોવી ખૂબ જ અગત્યની છે. રોગનિવારણ માટેના ઉપક્રમમાં અગત્યના અને બીજા રોગોના (રોગ)જનકોની વિગતવાર માહિતી જાણવી જરૂરી છે. તેથી મુખ્ય રોગના નિવારણ માટેનાં પગલાંની અન્ય રોગજનકો ઉપર થતી અસર જાણી શકાય છે. સામાન્ય ઉપચારો બધા રોગજનકો પર અસરકારક નીવડે, પાકને ઓછું નુકસાન થાય અને ઉત્પાદન વધે તેવી યોજનાઓ રોગનિવારણાર્થે થવી જોઈએ. રોગનિવારણની સફળતા નીચે જણાવેલ સિદ્ધાંતોને કેટલી સમજદારીથી અમલમાં મૂકવામાં આવે છે તે પર અવલંબે છે :
1. રોગને અલગ રાખવો : યજમાનને રોગજનકથી અલગ રાખવા માટે કૃષિપાકને રોગમુક્ત વિસ્તારમાં ઉગાડવો જોઈએ. જે વિસ્તારનાં પર્યાવરણ, પોષકતત્ત્વો કે અન્ય કારણોને લીધે રોગજનક નિષ્ક્રિય રહે અથવા નહિવત્ માત્રામાં પાકને નુકસાન થાય તેવા વિસ્તારમાં વાવેતર કરવું જોઈએ.
2. રોગજનકોના પ્રવેશને અટકાવવો : રોગવિહીન વિસ્તારમાં રોગજનકો બીજ સાથે કે અન્ય રીતે પ્રવેશ ન કરે તેની કાળજી રાખવી.
3. રોગજનકોનો નાશ કરવો : રોગગ્રસ્ત વનસ્પતિઓને ઉપાડી લઈ, તેને બાળી નાખી નાશ કરવો. અથવા તો આવા યજમાન છોડ ઉપર રોગનાશક દવાનો ઉપયોગ કરી ચેપનો સંપૂર્ણ નાશ કરવો.
4. રક્ષણ : યજમાન છોડની સપાટી ઉપર રાસાયણિક દવાનો છંટકાવ કરી, રોગજનકો યજમાનમાં પ્રવેશ કરે તે પહેલાં તેમનો નાશ કરવો.
5. રોગપ્રતિકારકતા : યજમાનની દેહધાર્મિક ક્રિયાને કારણે રોગજનકનો પ્રવેશ અટકે અથવા પ્રવેશ્યા પછી તે યજમાનમાં સ્થાપિત ન થાય, તેને રોગપ્રતિકારકતા કહે છે. આવી રોગપ્રતિકારક જાતો તૈયાર કરી તેમનું વાવેતર કરવું.
6. રોગચિકિત્સા : આ પદ્ધતિમાં યજમાનને રોગ થાય નહિ, અથવા રોગ થાય તો તેનાથી પાકને થતું નુકસાન અટકાવી શકાય તેવું આયોજન કરવામાં આવે છે; જેમાં પાક માટે જમીનની તૈયારી, ખેતરની પસંદગી, રોગપ્રતિકારક જાતની પસંદગી, વાવણીનો સમય, તેમના વચ્ચેનું અંતર, પિયત-વ્યવસ્થા, મુખ્ય અને ગૌણ પોષકતત્ત્વોનું પ્રમાણ તેમજ પાકને આપવા માટેના સમયનું આયોજન, બીજની માવજત, પાક-સંરક્ષણ અને જૈવિક અને રાસાયણિક ઉપચારોનો સમાવેશ થાય છે.
1. જૈવિક રોગનિવારકો : કોઈ પણ સૂક્ષ્મજીવ, વનસ્પતિ કે પ્રાણીની હાજરી અથવા તેની વૃદ્ધિને કારણે રોગજનકની વૃદ્ધિ કે ચેપની પ્રક્રિયા અટકી જાય, અથવા ધીમી પડે, રોગજનક નિષ્ક્રિય બને અથવા રોગજનકોનો નાશ થવાથી યજમાન વનસ્પતિને થતું નુકસાન અટકી જાય અને પાકના ઉત્પાદનને માઠી અસર થાય નહિ. કેટલાક સૂક્ષ્મજીવોમાંથી સ્રવતાં રસાયણોને પ્રતિજૈવિકો (antibiotics) કહે છે. આ પ્રતિજૈવિકો રોગજનકમાં રોગ ઉત્પન્ન કરે છે, અથવા તેની દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ કરે છે. તેથી પાકને થતું નુકસાન અટકાવી શકાય છે. આવાં જૈવિક પરિબળો પ્રયોગશાળામાં પણ તૈયાર કરી શકાય છે અને તેમનો રોગનિયંત્રણમાં ઉપયોગ કરી શકાય છે. તેમને જૈવિક રોગનિવારકો કહે છે. વળી, ઝેરી વનસ્પતિના રસો, સેન્દ્રિય ખાતરો જેવાના ઉપચારથી નુકસાન અટકાવી શકાય અથવા ઘટાડી શકાય છે.
આ પ્રતિજૈવિકો ઓછી માત્રામાં વપરાય છે. તેની સાંદ્રતામાં વધારો કરવાથી વનસ્પતિના કોષો અને પેશીઓને હાનિ પહોંચે છે; તેથી ઍક્ટિડિયૉન જેવી દવાઓ ફૂગનાશક તરીકે અસરકારક હોવા છતાં રોગનિવારક તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી. આ પ્રતિજૈવિકોમાં અગ્રિમાઇસીન, ફાયટોમાઇસીન, ઑથોસેપ્ટોમાઇસીન અને સ્ટ્રૅપ્ટોમાઇક્લીન જાણીતી છે. સ્ટ્રૅપ્ટોમાઇસીન જીવાણુથી થતાં પાનનાં ટપકાં, સુકારો અને ફળના રોગોના નિયંત્રણ માટે વપરાય છે. આ જૈવિક રસાયણો બટાટા, કપાસ, ધાન્ય-પાકો અને કોબીજના બીજ સાથેના રોગજનકોનો નાશ કરવા બીજ-માવજત તરીકે વપરાય છે. સ્ટ્રૅપ્ટોમાઇસીસની પ્રજાતિમાંથી ટેરામાઇસીન, ઓરિયોમાઇસીન અને ઑક્ઝિટેટ્રાસાઇક્લીન નામનાં જૈવિક દ્રવ્યો જીવાણુનાશક અને જીવાણુવૃદ્ધિ-અવરોધક તરીકે અને માઇકોપ્લાઝમાના રોગોના નિયંત્રણમાં વપરાય છે.
2. પારજનીનિક તકનીકી (transgenic technique) વડે રોગનિવારણ : જાતજાતની જીવાતો (insect) કપાસના પાકને નુકસાન કરતી હોય છે. આ નુકસાનને ટાળવા અમેરિકાની મૉન્સેંટો કંપનીએ કપાસના કોષમાં Bacillus thuringiensis જીવાણુ(bacteria)માં આવેલ કીટ-અવરોધક જનીનને ઉમેરવામાં સફળ થયા. કપાસના આ પારજનીનિક જાતને પારજનીનિક BT-કપાસ કહે છે. Ball-worm નામની જીવાત કપાસના જીંડવાને કોરી ખાય છે અને એ રીતે તેના પાકને ખૂબ જ નુકસાનકારક નીવડે છે. BT-કપાસના કોષમાં કીટ-અવરોધક જનીન ઉમેરવામાં આવ્યું છે. તેની અસર હેઠળ Ball-worm જીવાતો કપાસના જીંડવાને ટાળે છે. જોકે કેટલીક અન્ય જીવાતો, દા.ત., લીલી ટપકાંવાળી અને ગુલાબી ટપકાંવાળી જીવાતની ઇયળો અને રૂપલા જીવાતો કપાસના પાકને પારાવાર નુકસાન કરે છે. તે ટાળવાં મોટા પ્રમાણમાં કીટનાશકોનો છંટકાવ કરવો પડે છે, વળી હાલમાં BT-કપાસના વાવેતરથી થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. વધારામાં આ પાકના વાવેતર માટે હંમેશાં બીજ-નિર્માતા કંપની પર આધાર રાખવો પડે છે. તેથી કપાસ-ઉત્પાદકો BT-કપાસના સ્થાને સંકરણ વડે મેળવી શકાય અને બીજ માટે કંપની પર આધાર રાખવો ન પડે તેવાં સુધારેલ બીજ વાવવાં પસંદ કરે છે. આમ તો મોટાભાગના વૈજ્ઞાનિકોએ પારજનીનિક ઉત્પાદનો સામે વિરોધ નોંધાવ્યો છે. જોકે સંકરિત પ્રજાને પણ પારજનીનિકતાના એક પ્રકાર તરીકે વર્ણવી શકાય છે.
વનસ્પતિક્ષેત્રે હાલમાં ભારતમાં સધાયેલી પ્રગતિમાં (1) ચેપરોધક કોળું (squash), બટાટા, ઘઉં, પપૈયું અને રાસ્પબેરીનું ઉત્પાદન, (2) કીટકોનો નાશ કરે તેવી મકાઈ અને કપાસની જાતોનું નિર્માણ અને (3) અનિચ્છનીય કીટકોનું પ્રાશન કરે તેવી કીટકોની જાતોની ક્ષમતા વધારવા જૈવ તકનીકી વડે યોગ્ય પરિવર્તનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, (જુઓ ભારત : પ્રતિભા અને પરિદર્શન; પાનાં 232, 234).
3. રાસાયણિક રોગનિવારકો : આધુનિક ઘનિષ્ઠ ખેતીની ભલામણોનો અને સતત વધુ પાક મેળવવા થતા પ્રયત્નોને કારણે રોગની માત્રા તેમજ રોગની સંખ્યામાં ખૂબ જ વધારો થયેલ છે. પાકઉત્પાદનમાં અવરોધ કરતાં પરિબળોમાં રોગ અગત્યનું પરિબળ છે. ખેતીમાં પિયતની સગવડ ઊભી થતાં અને તેની સાથે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવાથી રોગજનકનું ભારણ વધે છે. તેને લીધે રોગજનકની વૃદ્ધિ, પ્રજનન અને જીવંત રહેવા સૂક્ષ્મજીવોને જરૂરી યજમાન અને વાતાવરણ મળી રહે છે. તેથી અગાઉ જણાવેલ પાકપદ્ધતિ વડે અને પ્રતિકારક જાતોની રીત નિષ્ફળ બને ત્યારે રોગનિવારણ માટે ‘રાસાયણિક’ નિવારકોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
આ રાસાયણિક રોગનિવારકોની કાર્યપદ્ધતિ આ પ્રમાણે છે :
(1) આ રાસાયણિક તત્ત્વો યજમાનની સપાટી અને રોગજનકો વચ્ચે ઝેરી આવરણ બનાવે છે.
(2) આ રસાયણો યજમાન વનસ્પતિ ઉપર માઠી અસર પહોંચાડ્યા વગર રોગજનક બીજાણુ(spore)નો ઉગાવો અટકાવી તે ચેપ પહેલાં તેનું મૃત્યુ ઉપજાવે છે; સૂક્ષ્મજીવોની થતી વૃદ્ધિ અટકાવે છે, અને તેના પ્રજનનમાં અવરોધ કરી વધતી સંખ્યાને ઘટાડે છે અથવા તેઓ રોગજનક ઉપર ઝેરી અસર કરી રોગજનકોનો નાશ કરે છે. આ રસાયણો, ફૂગનાશક (fungicide), જીવાણુનાશક (bactericide), કૃમિનાશક (nemacide) અને વિષાણુનાશક (viricide) તરીકે ઓળખાય છે; જ્યારે પરોપજીવી સપુષ્પ વનસ્પતિનો નાશ કરવા વપરાતાં પસંદગીનાં રસાયણો શાકનાશક (herbicide) તરીકે ઓળખાય છે.
(3) રાસાયણિક સારવારથી યજમાનના અન્ય ભાગો કે નવી વૃદ્ધિ પામતા ભાગોને નુકસાન થતું નથી. રાસાયણિક સારવારમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો રોગ થાય તે પહેલાં કે રોગ થયા બાદ પણ વાપરી શકાય છે. કેટલાક રોગજનકોનું વહન જીવાત વડે થતું હોવાથી તેનો નાશ કરવા કીટનાશકોનો ઉપયોગ કરવો પડે છે. યજમાન પાકની ગેરહાજરીમાં રોગજનકની વૃદ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવતા અપતૃણ (weed) કે અન્ય વનસ્પતિનો નાશ કરવા શાકનાશક કે અપતૃણનાશક (weedicide) રસાયણોનો ઉપયોગ પરોક્ષ રીતે રોગનિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે.
રાસાયણિક રોગનાશકોનું વર્ગીકરણ :
(1) રક્ષણાત્મક રસાયણો : જો રસાયણની માવજત રોગ આવતાં પહેલાં આપવામાં આવે છે તો જ અસરકારક રહે છે. બીજ અને ધરુના કોહવારાના નિયંત્રણ માટે વપરાતા બીજના ફૂગનાશકો, પાનનાં ટપકાંના રોગ આવવા પહેલાં અને હવા વડે ફેલાતા ચેપને અટકાવતા ફૂગનાશકો રક્ષણાત્મક પ્રકારના હોય છે. આ રક્ષણાત્મક ફૂગનાશક વનસ્પતિની અંદર આવેલ અથવા તો યજમાનનાં અંગોની સપાટીએ પ્રસરેલ ફૂગનો નાશ કરે છે. વનસ્પતિ ઉપર પ્રવાહી-સ્વરૂપે અથવા તેની ભૂકીના છંટકાવવાથી રોગજનકનો નાશ થાય છે.
(2) નાશ કરતાં રસાયણો : આ રસાયણો યજમાન છોડમાં સક્રિય રોગજનકને ઝેરી અસર કરી રોગજનક ફૂગનો નાશ કરે છે. આ રસાયણોની ઝેરી અસર અમુક સમય સુધી રહે છે. તેથી તેમનાં વડે થતું નિયંત્રણ માત્ર અમુક સમય સુધી મર્યાદિત હોય છે. આમ, આ રસાયણો રક્ષણાત્મક રોગનિવારકો તરીકે પણ ઉપયોગી છે.
(3) રોગ નાબૂદ કરતાં રસાયણો : કેટલાંક રસાયણો યજમાન વનસ્પતિના મૂળ કે સપાટી દ્વારા પ્રવેશ કરી વનસ્પતિમાં અગાઉ પ્રસ્થાપિત થયેલ રોગજનકનું મૃત્યુ ઉપજાવે છે અને વનસ્પતિને તેની અસરથી મુક્ત કરે છે તેથી વનસ્પતિ તંદુરસ્ત બને છે.
છંટકાવ વડે આ રસાયણોનો ઉપયોગ બીજ, જમીન અને ઊગતા રોપ પર કરવાથી તેઓ ચેપ પ્રતિરક્ષક તરીકેની પણ ગરજ સારે છે.
ફૂગનાશક તરીકે ઉપયોગમાં લેવાતાં કેટલાંક રાસાયણિક સંયોજનો : આવાં સંયોજનોમાં સામાન્ય રીતે કાર્બનિક અને અકાર્બનિક બંધારણવાળાં ગંધક, ક્યુનોનો અને હીટરોસાઇક્લિક સંયોજનોનો સમાવેશ થાય છે.
ઉપર્યુક્ત ફૂગનાશકોમાં તાંબું, પારો, ઝિંક, ક્રોમિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા ભારે ધાતુજન્ય સંયુક્ત પદાર્થનો સમાવેશ થાય છે. વળી ગંધક, ક્લોરિન અને ફૉસ્ફરસના બનેલાં રસાયણો પણ લાભકારી છે.
(3.1) ગંધક : રોગનિવારક અને વિશેષત: ફૂગનાશક તરીકે ગંધકનો ઉપયોગ ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. ગંધક-તત્ત્વ અથવા ચૂનો અને ગંધક તો તેમાં મિશ્રણ સ્વરૂપે વપરાય છે. ગંધકનાં સંયોજનો દ્રાવ્ય અથવા ભૂકીના સ્વરૂપમાં બજારમાં મળે છે. વિશેષત: ડાયથાયૉ-કાર્બોમેટ (Dithiocarbomates) નામે ઓળખાતું ગંધકયુક્ત સંયોજન અત્યંત ઉપયોગી નીવડે છે.
ગંધક-તત્ત્વને દળીને તેની ભૂકી તૈયાર કરવામાં આવે છે. આ કણો બસોથી ત્રણસો મેશનાં હોય છે. તેની અસરકારકતા ભૂકીના કદ ઉપર આધાર રાખે છે. ભીંજક ગંધકના પાઉડરનું પાણીમાં દ્રાવણ બનાવી તેનો ફૂગનાશક તરીકે છંટકાવ કરવામાં આવે છે. રોગનિવારક દ્રાવ્ય ગંધકનો બહોળો ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે ભૂકીછારો અને ગેરુના રોગના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
કાર્બનિક ગંધકનું સંયોજન : ગંધકનું સંયોજન ડાયથાયૉકાર્બનિક ઍસિડ સાથે કરવાથી તે વધુ અસરકારક બને છે. થાયરમ, ઝાયરમ, ફર્બામ, નાબામ, મેનેબ અને ઝીનેબ નામે ઓળખાતાં ગંધકવાળાં ફૂગનાશક સંયોજનો ખૂબ જાણીતાં છે. આમ તો ડાયથાયૉકાર્બામિક ઍસિડ ખૂબ જ અસ્થિર સંયોજન છે; પરંતુ તેના મિશ્રણનું ધાતુ કે ક્ષાર સાથે સંયોજન કરવાથી સ્થિર સ્વરૂપનાં અસરકારક ફૂગનાશક તૈયાર થાય છે. ડાયથાયૉકાર્બામેટને જુદા જુદા પ્રકારની ધાતુઓ અને ક્ષારો સાથે સંયોજિત કરી જાતજાતનાં ફૂગનાશકો તૈયાર કરવામાં આવે છે.
(3.2) તાંબાયુક્ત ફૂગનાશક : ફૂગનાશક તરીકે તાંબાનો ઉપયોગ ઈ. સ.ના આશરે 200 વર્ષથી જાણીતો છે. બોર્ડો મિશ્રણનું સંશોધન થતાં ઈ. સ. 1885 પછી તેનો બહોળો ઉપયોગ કરવામાં આવતો હતો. બોર્ડો મિશ્રણ અકાર્બનિક તાંબાયુક્ત ફૂગનાશક છે. આ ફૂગનાશકનું મિશ્રણ કૉપરસલ્ફેટ, કૉપરકાર્બોનેટ, ક્યુપ્રસઑક્સાઇડ અને કૉપર- ઑક્સિક્લોરાઇડ સાથે કરવામાં આવે છે. દ્રાવ્ય બોર્ડો-મિશ્રણ બનાવવામાં તેનું દ્રાવણ પાણીમાં કૉપરસલ્ફેટ અને કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ (ચૂનો) ઉમેરીને કરવામાં આવે છે. બટાટાના પાછોતરા સુકારામાં પણ તેનો ઉપયોગ ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. ઘણા પાકોમાં પાનનાં ટપકાં અને સુકારા સામે પણ તાંબાયુક્ત ફૂગનાશકનો અસરકારક ઉપયોગ થતો હતો.
તાંબાના કણો વનસ્પતિ-કોષો અને પેશી ઉપર નુકસાનકારક અસર કરે છે; પરંતુ તેને ચૂનાના પાણી સાથે ભેળવીને તટસ્થ દ્રાવણ બનાવી તેનો રોગનિવારક દ્રાવણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તાંબા-આધારિત અન્ય મિશ્રણમાં બર્ગેન્ડી મિશ્રણ ચેશન્ટ કમ્પાઉન્ડ, બોર્ડોપેસ્ટ અને ચોબટિયા પેસ્ટ જાણીતાં છે. આ મિશ્રણમાં ચૂનાને સ્થાને તેનું તટસ્થ દ્રાવણ બનાવવામાં એમોનિયમ કાર્બોનેટ કે અન્ય રસાયણ વપરાય છે. હાલમાં કૉપર ઑક્સિક્લોરાઇડના સંયોજનવાળી તાંબાયુક્ત ફૂગનાશકો ખૂબ જ પ્રચલિત છે. બ્લાઇટેક્સ-50, બ્લ્યૂ કૉપર-50 અને ફાયટોલોન સાથે આ ફૂગનાશકનું દ્રાવણ બનાવવું સહેલું છે, જેથી ધરુનો નાશ અને કોહવારો ટાળવામાં આ સંયોજન ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે.
(3.3) પારાવાળાં સંયોજનો : પારાનાં કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ બીજ-માવજત તરીકે કરવામાં આવે છે. વનસ્પતિના કોષો અને પેશીઓ ઉપર પારાની ખરાબ અસર થતી હોવાથી છંટકાવ તરીકે આ સંયોજનને ઉપયોગમાં લેવામાં આવતું નથી. જોકે મર્ક્યુરિક ક્લોરાઇડ અને મર્ક્યુરસ ક્લોરાઇડનાં સંયોજનોને બીજના માવજત માટે ઉપયોગમાં લેવાય છે. જમીનજન્ય રોગકારકોનો નાશ કરવા પારાયુક્ત ફૂગનાશક દવાનું દ્રાવણ જમીનમાં નાંખવામાં આવે છે. આ પારાનાં સંયોજનો લાંબા સમય સુધી જમીનમાં રહેતાં હોવાથી આ ફૂગનાશકો અન્ય સજીવો માટે સલામત નથી. ફળ-પાકોની વાડીમાં ઝાડની ડાળી ઉપર રોગના જખમો ઉપર મરક્યુકિલ ક્લૉરાઇડનું દ્રાવણ છાંટવામાં આવે છે. ઇથાઇલ મર્ક્યુરી ક્લૉરાઇડ, ફીનાઇલ મર્ક્યુરી એસીટેટ અને મિથોક્સી ઇથાઇલ મર્ક્યુરી ક્લૉરાઇડ અગત્યનાં સંયોજનો છે. સૂકો પાઉડર, દ્રાવણ, અર્ધપ્રવાહી મલમના સ્વરૂપમાં તેનો ઉપચાર બીજ, કંદ અને વનસ્પતિના કલમ જેવા વિવિધ ભાગો સાથે કરી પ્રાથમિક ચેપ અટકાવવામાં આવે છે.
(3.4) ક્યુનોન : વનસ્પતિમાં સામાન્ય રીતે ક્યુનોન હોય છે. તે ફિનોલના દહનથી તૈયાર થાય છે. આ સંયોજનો યજમાન વનસ્પતિમાં ફૂગજન્ય રોગજનકોનો નાશ કરે છે અને રોગજનકો સામે પ્રતિકાર કરવાની શક્તિ પેદા કરે છે. ક્યુનોન-ફૂગનાશકોનો સૌપ્રથમ ઉપયોગ ઈ. સ. 1443માં થયો હતો. ક્યુનોનનું એક સંયોજન ક્લોરોનીલ, બીજના માવજત તરીકે ઉપયોગમાં લેવાય છે. બાજરી અને જુવારના અંગારિયો, ઘઉંનો બન્ટ, વાલ, કોબી અને વટાણા, કપાસના બીજનો સડો અને ધરુના નાશના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે.
(3.5) બેન્ઝિનનાં સંયોજનો : બેન્ઝિનનાં ઘણાં સંયોજનો જીવાણુનાશક અને ફૂગનાશક તરીકે જાણીતા છે. આ પૈકીના ડેક્સઝોન, પી. સી. એન. બી. અને ડીનોકેપ સંયોજનો બીજ અને જમીનની માવજતમાં; ધરુનો નાશ અને મૂળના કોહવારાના નિયંત્રણમાં અસરકારક જણાયેલ છે. આ સમૂહનું ડેકોનીલ સંયોજન પાનનાં ટપકાં, પાન અને ફૂલનો સુકારો, ફળનાં ટપકાં અને ફળના કોહવારા જેવા ફૂગજન્ય રોગજનકો પર અસરકારક નિયંત્રણ કરે છે. ભૂકીછારાના નિયંત્રણમાં ડીનોકેપ ક્રોટોનેટ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં તે કેરેથાનના વેપારી નામે ઓળખાય છે. તે આંબા અને સફરજનના ભૂકીછારાના નિયંત્રણમાં વપરાય છે.
(3.6) નાઇટ્રોજનનાં હીટરો સાયક્લિક સંયોજનો : કૅપ્ટાન સંયોજનનો ઉપયોગ ભારતમાં પ્રચલિત છે. તે પીથિયમના નિયંત્રણ માટે બીજ-માવજત તરીકે વપરાય છે. આ ઉપરાંત, જમીનની માવજત, પાન ઉપર છંટકાવમાં, તેમજ બટાટાનો આગોતરા અને પાછોતરા સુકારાના નિયંત્રણમાં અસરકારક છે.
(3.7) જમીનના ધ્રુવીકરણ માટે વપરાતાં સંયોજનો : હવામાં અને જમીનમાં ઝેરી વાયુ પેદા કરતાં આ સંયોજનો જમીનમાં કૃમિનાશકો અને ફૂગનાશકો તરીકે વપરાય છે. ક્લોરોપીકરીન, મિથાઇલ બ્રોમાઇડ, ઇથિલીન ડાઇ બ્રોમાઇડ, વાયામ, નેમાકુમ અને ઝીનોફોસ જમીનના ધ્રુવીકરણ માટેનાં અસરકારક સંયોજનો છે. આ સંયોજનો જમીનમાં આપવાથી કૃમિ અને ફૂગને ખૂબ અસર થાય છે. જોકે આ સંયોજનોનો વાયુ પાકના છોડ ઉપર માઠી અસર કરતો હોવાથી રોપણીના બે-ત્રણ અઠવાડિયાં પહેલાં જમીનમાં નાખવામાં આવે છે; જેથી જમીનમાં રહેલ કૃમિ, તેના અન્ય અવશેષો અને કેટલાંક ફૂગકારકો નાશ પામે. વાવણી બાદ પણ આ સંયોજનોને જમીનમાં નાખી શકાય છે.
ધ્રુવીકારક સંયોજનો મુખ્યત્વે પ્રવાહી-સ્વરૂપે; જ્યારે જૂજ, દાણાદાર હોય છે. અંત:ક્ષેપણથી જમીનમાં થોડા થોડા અંતરે તેમને ઉમેરવામાં આવે છે. તેમાંનાં કેટલાંક પિયતના પાણી સાથે જમીન ઉપર છાંટવામાં આવે છે. જમીનમાં ભેજનું પ્રમાણ માફકસર હોય ત્યારે તે વધુ અસરકારક નીવડે છે. ભેજનું પ્રમાણ વધે કે ઘટે ત્યારે તેની અસરકારકતાનું પ્રમાણ ઘટે છે.
(3.8) સર્વદેહીય (systemic) ફૂગનાશકો : ઈ. સ. 1966માં સર્વદેહીય ફૂગનાશકની શોધ થતાં વનસ્પતિ-રોગનિયંત્રણમાં ઇતિહાસ સર્જાયો. આ પહેલાં જૂજ જંતુનાશકો, શાકનાશકો અને જૈવિક રસાયણો સર્વદેહીય તરીકે જાણીતાં હતાં. ઈ. સ. 1966માં સર્વદેહીય રાસાયણિક સંયોજન પ્રાપ્ત થતાં બીજાં અનેક રસાયણોની પણ સર્વદેહીય શક્તિની નોંધ લેવામાં આવી. આ રોગનિવારકોને લીધે યજમાન વનસ્પતિમાં પ્રસ્થાપિત રોગજનકોનો નાશ કરે છે અને નવા રોગજનકોને પ્રવેશતાં અટકાવે છે. આ ગુણધર્મને લીધે સર્વદેહીય ફૂગનાશકો છે. આ ફૂગનાશકો જૈવિક રસાયણોને મળતાં આવે છે. આ સર્વદેહીય ફૂગનાશકો છોડના રસમાં ભળી વનસ્પતિની ટોચ સુધી પહોંચે છે. જ્યારે કેટલાંક અન્ય સર્વદેહીય ફૂગનાશકો પાન દ્વારા શોષાઈ નીચેના ભાગમાં એટલે વનસ્પતિના મૂળ સુધી પહોંચે છે. ઓક્ઝાથીન કાર્બોક્ઝીન બેન્ઝામીડાઝોન અને બેનોમીલ જાણીતાં સર્વદેહીય ફૂગનાશકો છે. તેઓ ફૂગની કોષદીવાલને અસર કરે છે અને કોષવિભાજનમાં અવરોધ કરે છે. વળી સૂક્ષ્મજીવના કોષપડની શોષણક્ષમતા પર અસર કરે છે. તે ફૂગના ઉત્સેચકો પેદા કરવામાં અવરોધ કરે છે. વળી તેઓ કોષરસનું રાસાયણિક વિઘટન કરે છે અને ફૂગમાં પ્રોટીન અને ન્યૂક્લીઇક ઍસિડના સંશ્ર્લેષણમાં સર્વદેહીય ફૂગનાશકો અવરોધ ઉત્પન્ન કરે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ