વાધવાણી, યશોધરા (જ. 23 ડિસેમ્બર 1944, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : સિંધી લેખિકા અને અનુવાદક. 1967માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.; પુણે યુનિવર્સિટીમાંથી 1970માં સર્ટિફિકેટ ઇન જર્મન અને ભાષાશાસ્ત્રમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી.
તેઓ પુણેની ડેક્કન કૉલેજમાં એન્સાઇક્લોપીડિક સંસ્કૃત ડિક્શનરીની એકૅડેમિક કમિટીનાં સભ્ય, 1994થી 96 સુધી લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાનાં કારોબારી સભ્ય અને ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સની પબ્લિકેશન કમિટીનાં સભ્ય રહ્યાં.
તેમણે 3 ગ્રંથો આપ્યા છે. ‘સુગંધ અંજલિ’ (1995) તેમનો જાણીતો નિબંધસંગ્રહ છે. ‘ગૂંચવાયેલા તંતુ રેશમના’ (1990) તેમનો સિંધીમાંથી ગુજરાતીમાં અનૂદિત વાર્તાસંગ્રહ છે. ‘સિંધુકન્યા’ (1998) સંસ્કૃતમાંથી સિંધી ભાષામાં અનૂદિત તેમની ઉલ્લેખનીય નવલકથા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ ખાતે વી. રાઘવન્ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
બળદેવભાઈ કનીજિયા