વાદ્યધારિણીનાં મદલ શિલ્પો : મંદિરના સ્તંભો પર પ્રયોજાતાં વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો. ભારતીય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી ઉપાસ્ય મૂર્તિઓ ઉપરાંત તેના જુદા જુદા સ્થાપત્યકીય ભાગો – પીઠ, મંડોવર, શિખર, દ્વારશાખા, સ્તંભ-શિરાવટી, ઘૂમટની અંદરની છત વગેરેને દેવ-દેવીઓ, દિકપાલો, દ્વારપાળો, વિદ્યાધરો, ગંધર્વો-કિન્નરો, તાપસ-મુનિ-જતિ, યક્ષ-યક્ષિણીઓ વિવિધ અંગભંગવાળી સુરસુંદરીઓ, વાદ્યધારિણીઓ-નૃત્યાંગનાઓ, કીચકો, મિશ્ર પશુઓનાં વ્યાલ સ્વરૂપો, વિવિધ પશુ-પક્ષીઓ વગેરે અનેક પ્રકારનાં પૂર્ણમૂર્ત કે અર્ધમૂર્ત શિલ્પોથી સુશોભિત કરવામાં આવતાં. મધ્યયુગમાં પૂર્ણવિકસિત પ્રાચીન મંદિરોમાં એના બધા ભાગોમાં જુદા જુદા પ્રકારનાં શિલ્પોથી અલંકૃત થયેલા જોવા મળે છે. પછીના કાળમાં પણ લાંબા સમય સુધી એનું અનુસરણ થયું, પરંતુ સમય જતાં રાજવંશો દ્વારા મળતાં કલાપ્રશ્રય અને પ્રોત્સાહન ઓછાં થઈ જતાં. મંદિરો અને એનાં શોભન શિલ્પોનું નિર્માણકાર્ય કલા ને માટે નહિ રહેતાં શિલ્પીઓ-કારીગરો માટે તે માત્ર આજીવિકાનું સાધન બની ગયું. આથી કલાવૈભવ ઘટવાને લઈને કલાની ગરિમા અને આંતરસૌંદર્ય ક્ષીણ થતાં ગયાં. મંદિરની જગતી અને મંડોવર પરનું શિલ્પ-સુશોભન નહિવત્ બની ગયું. તેને બદલે સ્તંભ, સ્તંભની શિરાવટી અને તેની ઉપરના વામન સ્તંભને શોભાવતાં મદલ શિલ્પોનું કંડારકામ વધ્યું, કેમકે મદલ શિલ્પોનો ઉપયોગ સ્તંભ પરનાં પાટ અને છાટને વધુ મજબૂત રીતે ટકાવી રાખવા ટેકા તરીકે થતો. આ મદલ-શિલ્પોમાં મુખ્યત્વે વિવિધ અંગભંગિઓવાળી નૃત્યાંગનાઓ કે વાદ્યધારિણીઓનાં શિલ્પોનું બાહુલ્ય નજરે પડે છે.
પશ્ચિમ ભારતમાં જુદી જુદી દેહભંગિઓ અને મુદ્રાઓવાળી દેવાંગનાઓ કે નૃત્યાંગનાઓનાં વાદ્યધારિણી સ્વરૂપનાં 32 જેટલાં નામ સ્વરૂપો પ્રચલિત હતાં. ગુજરાતના પ્રસિદ્ધ શિલ્પી અને સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ એમના ‘ભારતીય શિલ્પ-સંહિતા’ નામના ગ્રંથમાં ગુજરાત અને રાજસ્થાનના સોમપુરા-શિલ્પીઓએ વિકસાવેલી વાદ્યધારિણી નૃત્યાંગનાઓનાં 32 સ્વરૂપો નિરૂપ્યાં છે : મોહના (બંસીનો નાદ કરતી), મંજુલા (મંજીરા વગાડતી), ગાર્ગી કે ગાર્ગિણી (ઢોલક કે મૃદંગ વગાડતી), મુગ્ધા (મુરલી વગાડતી), સૂરપાલી (શહનાઈ વગાડતી), રાગિની (રણશિંગું વગાડતી), ઝંકારી (ઝાલર વગાડતી), તૂર્યા (રાવણહથ્થો કે દિલરૂબા વગાડતી) ભીલડી (ઢોલ વગાડતી), તરંગા (જલતરંગ વગાડતી), સરિતા (વીણા વગાડતી), બાલા (નરઘું વગાડતી), મુગ્ધા (શંખનાદ કરતી), રુકિમણી (જલકુંભધારિણી), પદ્મા (પૂજા-આરતી ધારણ કરતી), પૂર્ણિમા (નાદ કરતી), હસુમતી (ફૂલહારયુક્ત વંદનમાલિકા), કામવતી (માથું ગૂંથતી), રત્નાવલી (તોતા-મેના ધારણ કરતી), કરુણા (પખવાજ-મંજીરા વગાડતી), કલાવતી (કંકણ દર્શાવતી), કુંદન (કબૂતરને દાણા ચણાવતી), મેનાવતી (પક્ષીયુક્ત), અંજના (તિલક કે બિંદી લગાવતી), બનરેખા (પત્રલેખન કરતી), શૃંખલા (છૂટિકા-નૃત્ય કરતી), શોભના કે પુત્રવલ્લભા (ત્રણ પુત્રોવાળી), ઝરના (પાયલ બાંધતી) વગેરે. વાજિંત્રોનાં નામ પરથી તેમને મૃદંગવાદિની, વીણાવાદિની, ખંજરીવાદિની, મંજિરાવાદિની, શંખવાદિની, બંસીવાદિની – એવાં સરળ નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો મુખ્યત્વે મંદિરની પીઠના છેડા પર ફરતી સ્તંભાવલિ પર ગોઠવવામાં આવતાં. મંદિરના રંગમંડપના અષ્ટકોણાત્મક મધ્ય મંડપના સ્તંભની શિરાવટીઓ અને વામના સ્તંભો પર પણ આ પ્રકારનાં મદલ શિલ્પો ગોઠવેલાં જોવા મળે છે. જૈન મહામંદિરો, સ્વામિનારાયણનાં સહજાનંદસ્વામીએ કરાવેલાં ભવ્ય મંદિરો તેમજ વર્તમાનમાં સોમનાથ તેમજ દેશ-પરદેશમાં નવનિર્મિત અક્ષરધામ વગેરે સ્વામિનારાયણ મંદિરો, સોમનાથ મંદિર વગેરેમાં આવાં મદલ શિલ્પોનાં મનોહર સુશોભનો નજરે પડે છે.
પ્રવીણચંદ્ર પરીખ