વાદળી (sponge) : છિદ્રોવાળું શરીર ધરાવતું એક અનોખું જલજીવી પ્રાણી. બહુકોષીય પ્રાણી હોવા છતાં ચેતાતંત્રના અભાવમાં તેનો પ્રત્યેક કોષ સ્વતંત્રપણે કાર્ય કરતો હોય છે. જોકે કોષોની ગોઠવણ વિશિષ્ટ રીતે થયેલી હોવાથી કોષોની કાર્યપદ્ધતિમાં સુમેળ સધાયેલો હોય છે.
શરીરની બાહ્ય સપાટીએ આવેલાં નાનાં છિદ્રો (ostia) દ્વારા શરીરમાં પાણી પ્રવેશે છે અને નાલિઓ(canals)માંથી વહે છે. આ પાણી છેવટે આસ્યક (osculum) નામે ઓળખાતાં મોટા કદનાં બાહ્ય છિદ્રોમાંથી બહાર નીકળે છે. નાલિકાઓની અંત:સ્થ સપાટીએ કશા (flagella) વડે સધાયેલા નિવાપકોષો (collar cells/choanocytes) આવેલા છે. કશાઓને લીધે પાણી શરીરના અંદરના ભાગ તરફ વહે છે. વાદળીના શરીરમાં નિવાપકોષો ઉપરાંત શરીર-દીવાલના ભાગ રૂપે આવેલા દીવાલકોષો પણ હોય છે. વળી કેટલાક કોષો શરીરમાં મુક્તપણે ફરતા હોય છે. તેમાંના કેટલાક કંકાલતંત્રના નિર્માણ સાથે સંકળાયેલા હોય છે, જ્યારે બીજા કેટલાક સમયાંતરે પ્રજનન કોષોમાં રૂપાંતર પામે છે. કૅલ્શિયમ/સિલિકાનાં બનેલાં શૂળો (spicules) તેમજ સ્પૉન્જિન નામે ઓળખાતા પ્રોટીનના બનેલા તંતુઓ, કંકાલતંત્રની ગરજ સારે છે, જેથી શરીર સ્થિર રહે છે. સ્પૉન્જિનના તંતુઓને લીધે વાદળી સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. આથી વાદળીનો ઉપયોગ લૂછવામાં અને સ્નાન વખતે કરવામાં આવે છે. આર્થિક દૃષ્ટિએ અગત્યની એવી વાદળીઓનો ઉછેર ભૂમધ્ય સાગર જેવા છીછરાં દરિયાઈ સ્થળોમાં મોટા પાયા પર કરવામાં આવે છે.
વાદળી પથ્થર પર જેવા આધારતળને ચીટકેલી હોય છે અને તે પાણીની અંદર સ્થાયી જીવન પસાર કરે છે. તેનો આહાર પાણીમાં વસતા ડાયએટમ, ડાયનોફલેજલેટ જેવા સૂક્ષ્મજીવોનો બનેલો હોય છે. પાણીમાંથી પસાર થતા આવા સજીવોને નિવાપકોષો ઘેરી લે છે અને તેનું પાચન કરે છે. પચેલો ખોરાક પ્રસરણથી શરીરના બધા કોષોને મળી રહે છે. નહીં પચેલા ઘટકો પાણી દ્વારા આસ્યક વાટે શરીરની બહાર ફેંકાય છે.
પ્રજનન : વાદળી અલિંગી અને લિંગી એમ બે પ્રકારે પ્રજનન કરે છે.
અલિંગી પ્રજનન : વિપરીત સંજોગોમાં વાદળીનું વિઘટન થતું હોય છે. અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં અલગ થયેલા વાદળીના ટુકડા કાર્યશીલ બની જવાથી નવી વાદળી જન્મે છે અને વિકાસ પામે છે. વ્યવહારુ ધોરણે, વાદળીના ઉછેર માટે તેના ટુકડા કરી તેમને યોગ્ય સ્થળે ફેલાવવામાં આવે છે. પરિણામે ત્યાં વાદળીઓનો વિકાસ થતાં તેમની નવી વસાહતનું નિર્માણ થાય છે.
વાદળીના કેટલાક મુક્તજીવી કોષો આંતરકલિકા(gemmules)નું નિર્માણ કરી શકે છે. તેઓ વહીને યોગ્ય સ્થળે સ્થાયી બની પુખ્ત વાદળી તરીકે વિકસે છે.
લિંગી પ્રજનન : કેટલાક મુક્તજીવી તેમજ નિવાપકોષોમાંથી પ્રજનક-કોષોનું નિર્માણ થતું હોય છે. મોટાભાગની વાદળીઓ માત્ર શુક્રકોષ અથવા અંડકોષનું ઉત્પાદન કરતી હોય છે. આ શુક્રકોષો પ્રચલન દ્વારા સ્થાયી એવી અન્ય વાદળીના અંડકોષ સાથે સંપર્કમાં આવતાં ફલનક્રિયા થતાં ગર્ભકોષ ઉત્પન્ન થાય છે. જોકે કેટલીક વાદળીઓ શુક્રકોષ અને અંડકોષ – આમ બંનેનું નિર્માણ કરતી હોય છે. સામાન્યપણે સ્વફલનથી પણ ગર્ભકોષનું નિર્માણ થતાં નવાં સંતાનો જન્મે છે.
મોટાભાગની વાદળીઓ દરિયાઈ જીવન પસાર કરે છે, જ્યારે કેટલીક વાદળીઓ મીઠાં જળાશયોમાં પણ જોવા મળે છે.
વાદળીનું વર્ગીકરણ : જીવતી વાદળીને 4 પ્રમુખ વર્ગોમાં વહેંચવામાં આવે છે : કૅલ્કેરિયા, હેક્ઝેક્ટિનેલિડા, સ્કિલરોસ્પાજિયા અને ડેમોસ્પાજિયા.
(1) કૅલ્કેરિયા : શૂળો કૅલ્શિયમના બનેલા; તેઓ એક-અક્ષીય (monaxon), ત્રિઅરીય (triradiate) અથવા ચતુષ્ક અરીય (quadriradiate) હોય છે; દા. ત., સાયકૉન (કદમાં ઘણી નાની).
(2) હેક્ઝૅક્ટિનેલિડા : સિલિકામય કંકાલતંત્ર; શૂળની શાખાઓ એકબીજાંના કાટખૂણે આવેલી હોય છે. સામાન્યપણે કાચવાદળી નામે ઓળખાતી આ વાદળીઓ 700 મીટર જેટલા દરિયાના ઊંડાણમાં વાસ કરતી હોય છે; દા. ત., વીનસ-ફૂલ કટોરી (venus flower basket).
(3) સ્કિલરોસ્પૉંજિયા : કૅલ્શિયમની ચપટી તકતીઓ(laminate)-નું બનેલું કંકાલતંત્ર. મોટાભાગની વાદળીઓ અશ્મીભૂત. માત્ર જૂજ વાદળીઓ હાલમાં દરિયાના ઊંડાણમાં જોવા મળે છે.
(4) ડેમોસ્પાજિયા : સ્પૉંજિન તંતુ સિલિકાનાં શૂળો અથવા તો બંનેના મિશ્રણથી બનેલું કંકાલતંત્ર. હાલમાં હયાત એવી મોટાભાગની દરિયાઈ વાદળીઓ અને મીઠાં જળાશયની બધી વાદળીઓનો સમાવેશ આ વર્ગમાં થાય છે.
ગુજરાતના દરિયાકિનારે વસતી વાદળીઓમાં અંગુલિવાદળી (finger sponge-chalinospilla), જાંબુડિયા વાદળી (purple sponge, heliotrope), અશ્વવાદળી (horse-sponge hippospongia) અને ગોલ-વાદળી (tetilla) જેવી વાદળીઓનો સમાવેશ થાય છે.
મ. શિ. દૂબળે