વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન અને કાશ્મીરમાં થયું હતું. દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક અને અનુસ્નાતક. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીની એન. આર્બરમાં ખાસ શિષ્યવૃત્તિ મેળવી શિક્ષણના વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી.

શિક્ષણની સાથે સાથે છ વર્ષની ઉંમરથી નૃત્યની તાલીમ લેવી શરૂ કરેલી. ઉદયશંકરે પોતાની મૌલિક સૂઝથી ઓરિયેન્ટલ નૃત્યશૈલી પ્રચલિત કરેલી. કપિલાએ એ શૈલીની તાલીમ ઉદયશંકરના નાના ભાઈ દેવેન્દ્રશંકર પાસે લીધેલી. તેમણે સ્વદેશીની ચળવળમાં ભાગ લીધો અને શિક્ષણના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યાં. તેઓ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યાં. ત્યાંનાં નૃત્યોમાં પણ સક્રિય રસ લીધો. પ્રથમ નૃત્યલિપિ તૈયાર કરનાર જર્મન વિદ્વાન શ્રી રુડોલ્ફ લાબાન પાસેથી તેમણે તે અંગેનો અનુભવ પણ મેળવ્યો.

1956માં હિંદી સાહિત્યકાર અને કવિ ‘અજ્ઞેય’ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ ડૉ. વાસુદેવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ કર્યું. તેમનો મહાનિબંધ ‘ક્લાસિકલ ઇન્ડિયન ડાન્સ ઇન લિટરેચર ઍન્ડ આર્ટ્સ’ નામે પ્રસિદ્ધ થયો. આ પુસ્તક ભારતીય કલાના મૂળભૂત સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડે છે. તેમને દેશ-વિદેશની વિદ્યાપીઠોએ ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિ પણ આપી છે. અનેક સંસ્થાઓએ તેમનું બહુમાન પણ કર્યું છે.

ભારત સરકારનાં શિક્ષણ મંત્ર્યાલયના કલાવિભાગનાં વર્ષો સુધી તેઓ સચિવ રહ્યાં. ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધી આર્ટ્સનાં એકૅડેમિક ડિરેક્ટર, ઇંડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર-દિલ્હીનાં પ્રમુખ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં ઉચ્ચ કારકિર્દી દરમિયાન ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ ઓરિયેન્ટાલિસ્ટનાં સચિવ રહ્યાં. ભારતીય સચિવ તરીકે અનેક વાર યુનેસ્કોની સભામાં તેમણે ભાગ લીધો અને તેની કારોબારી સમિતિનાં સભ્ય પણ રહ્યાં. તેમણે અડધી સદી સુધી ભારત સરકારનાં સલાહકાર, વહીવટકર્તા અને ધારાધોરણ ઘડનાર તરીકે કાર્ય કર્યું. કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક જાગૃતિ, સંસ્કૃત ભાષા, બૌદ્ધ ધર્મ અને પાલિ ભાષાના શિક્ષણ માટે પદ્ધતિસરનો ઢાંચો દાખલ કર્યો.

તેમણે વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, માનવતા, નાટ્ય અને શિલ્પ, સાહિત્ય આદિ વિષયો માટે લગભગ ત્રીસ દેશો સાથે પચાસથી વધુ કરારો, દસ્તાવેજો અને કાર્યક્રમોની રચના કરી. તેઓ અગ્રગણ્ય સંસ્થાઓનું નિર્માણ કરનાર વ્યક્તિઓમાંની એક ગણાય છે. તેમણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હાયર તિબેટન સ્ટડિઝ, સારનાથ; નહેરુ મેમૉરિયલ સંગ્રહાલય અને ગ્રંથાલય, નવી દિલ્હી; સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સિઝ અને ટ્રેનિંગ, દિલ્હી; સ્કૂલ ઑવ્ બુદ્ધિસ્ટ સ્ટડિઝ, લેહ જેવી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સ્થાપી. તેઓ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીની કારોબારી સમિતિનાં અધ્યક્ષ તેમજ ભારતીય નાટ્યસંઘનાં સામાન્ય સચિવ રહ્યાં. તેમણે સંસ્કૃત તેમજ અંગ્રેજી નાટકોનું દિગ્દર્શન કર્યું અને રશિયા, પૂર્વ યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વીય એશિયામાં તેમની રજૂઆત સાથે વ્યાખ્યાનો આપ્યાં. વિદ્વત્-લેખનકાર્ય માટે તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી પુરસ્કારો તેમજ માનાર્હ ‘ફેલો’ની ઉપાધિઓ અપાયાં છે.

ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધી આર્ટ્સના નેજા હેઠળ વિજ્ઞાન, તંત્રજ્ઞાન, માનવતા અને કલાક્ષેત્રને સાંકળતી વ્યાખ્યાનમાળા તથા સત્રો વગેરેનાં તેઓ આયોજક રહ્યાં. તેમણે પંદરથી વધુ દળદાર પુસ્તકો લખ્યાં છે તેમાં ‘ક્લાસિકલ ઇન્ડિયન ડાન્સ ઇન ધ લિટરેચર ઍન્ડ ધી આર્ટ્સ’ તથા ‘સ્ક્વેર ઍન્ડ સર્કલ ઑવ્ ઇંડિયન આર્ટ્સ’-ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ક્લાસિક્લ ઇન્ડિયન ડાન્સ ઇન ધ લિટરેચર ઍન્ડ ધી આર્ટ્સ’ (1968), ‘ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ’ (1972), ‘ટ્રેડિશનલ ઇન્ડિયન થિયેટર : મલ્ટિપલ સ્ટ્રીમ્સ’ (1972), ‘ટ્રેડિશન્સ ઑવ્ ઇન્ડિયન ફૉક-ડાન્સ’ (1975), ‘ધ જૈન ગીતગોવિંદ’ (1980), ‘મિનિયેચર્સ ઑવ્ ધ ગીતગોવિંદ  17th સેન્ચરી મૅન્યુસ્ક્રિપ્ટ ઑવ્ નૉર્થ ગુજરાત’ (1980), ‘બુંદી ગીતગોવિંદ’ (1981), ‘ડાન્સ ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ’ (1982), ‘ધ સ્ક્વેર ઍન્ડ ધ સર્કલ ઑવ્ ધી ઇન્ડિયન આર્ટ્સ’ (1983), ‘ગીતગોવિંદ ઇન આસામ સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ’ (1986) અને ‘મેવારી ગીતગોવિંદ’ (1987) ઉલ્લેખનીય છે.

‘ધ થિયૉરેટિકલ બેઝિસ ઑવ્ એસ્થેટિક ટ્રેડિશન્સ’ (1968), ‘સમ આસ્પેક્ટ્સ ઑવ્ કલ્ચરલ પૉલિસિઝ ઇન ઇન્ડિયા’ (1971), ‘કૉન્ટ્રિબ્યૂશન ઇન ટ્રેડિશનલ પરફૉર્મિગ આર્ટ્સ થ્રુ ધ માસ મીડિયા ઇન ઇન્ડિયા’ (1975), ‘રામાયણ ઍન્ડ ધી આર્ટ્સ ઑવ્ એશિયા’ (1975), ‘ધ કરણઝ ઑવ્ ધ ટેમ્પલ ઑવ્ સારંગપાણિ’ (1982), ‘આર્ટ્સ ઑવ્ કેરાલા ક્ષેત્રમ્’ (1992) અને ‘ભરત ઍન્ડ નાટ્યશાસ્ત્ર’ (1999) તેમનું આંતરરાષ્ટ્રીય દસ્તાવેજરૂપ સાહિત્ય ગણી શકાય.

‘માર્ગી ઍન્ડ દેશી  સેગમેંટ્સ ઑવ્ પોલારિટિઝ, ધી આર્ટિસ્ટિક ટ્રેડિશન્સ ઑવ્ ઇસ્ટર્ન ઇન્ડિયા’ (1976), ‘ધ સ્ક્વેર ઍન્ડ સર્કલ ઑવ્ ધી ઇન્ડિયન આર્ટ્સ’ (1980), ‘નેચર ટ્રેડિશન ઍન્ડ ઓરિજિનૅલિટી – અ પેરિડિમ ફૉર આર્ટ હિસ્ટૉરિકલ સ્ટડી’ (1985) અને ‘ઇન્ડિયન આર્ટ ધ વન ઍન્ડ મેની’ (1993) – તેમનાં પ્રવચનોનાં પુસ્તકો છે.

તેમને જે વિવિધ પુરસ્કારો-સન્માનો પ્રાપ્ત થયાં તેમાં માખનલાલ સુવર્ણચંદ્રક તેમજ રવિકાંત પુરસ્કાર, એન. આર્બર મેમૉરિયલ ફેલોશિપ, જવાહરલાલ નહેરુ ફેલોશિપ, રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર, પદ્મશ્રી, આર. પી. ચંદા પુરસ્કાર અને કૅમ્પબૅલ પુરસ્કાર, રાષ્ટ્રીય એકતા માટે શંકરદેવ પુરસ્કાર, રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમ્  તિરુપતિનો ‘વાચસ્પતિ’ પુરસ્કાર અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હાયર તિબેટન સ્ટડિઝ-સારનાથનો ‘વાક્યપતિ’ પુરસ્કાર ઉલ્લેખનીય છે.

પ્રકૃતિ કાશ્યપ