વાતવ્યાધિ : આયુર્વેદે શરીરમાં રહેલ વાયુ (વાત), પિત્ત અને કફ નામનાં ત્રણ તત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી તેને શરીરના સ્વાસ્થ્ય કે રોગના કારણ રૂપે બતાવેલ છે. આ ત્રણ દોષોથી બનેલ ‘ત્રિદોષવાદ’ એ આયુર્વેદિક ચિકિત્સાનો પાયો છે.
આયુર્વેદમાં વાયુતત્વની પ્રશસ્તિ ભગવાન રૂપે કરી છે. શરીરના કફ અને પિત્ત બેઉ વાયુ વિના પાંગળા છે. વાયુ જ શરીરની અંદર દરેક પ્રકારની ગતિ અને ક્રિયાનું કાર્ય કરે છે. તે જ બધી ધાતુઓને નાડીઓ દ્વારા એક સ્થળેથી બીજે લઈ જાય છે. આ વાયુ ગુણની દૃષ્ટિએ રુક્ષ (લૂખો), હલકો, ઠંડો, હળવો, સૂક્ષ્મ, ચલ (ગતિશીલ) અને વિશદ (સૂક્ષ્મ સ્રોતોમાં પ્રવેશનાર) છે. આયુર્વેદે વાયુના પ્રાણ, ઉદાન, સમાન, ધ્યાન અને અપાન એવાં સ્થાન તથા કાર્યદૃષ્ટિએ 5 પ્રકારો પાડેલ છે. આવો વાયુ જો વધીઘટીને વિકૃત થાય તો શરીરમાં અનેક પ્રકારના વાતવ્યાધિઓ પેદા કરે છે.
વાતપ્રકોપનાં કારણો : દરરોજ અતિ લૂખો, ઠંડો, વાસી, હલકો અને કઠોળ જેવો ખોરાક લેવાની ટેવથી; ઠંડક, જાગરણ, મૈથુન, ચાલવું (પદયાત્રા), ચિંતા-વિચાર, ભય, શોક, કસરત, શ્રમ વગેરેના અતિરેકથી, શરીરની સાતેય ધાતુઓ ખૂબ ઘટી જવાથી; કૃશતા આવી જવાથી, ઘોડા-સ્કૂટર જેવાં વાહનો પર ખુલ્લામાં વધુ પ્રવાસ કરવાથી વાયુનો પ્રકોપ થાય છે.
વાતપ્રકોપનાં લક્ષણો : અંગો સ્વ-સ્થાનેથી ખસી જવાં, કપાવા જેવી કે શૂળ ભોંકાવા જેવી પીડા, શરીર ઢીલું પડવું, રૂંવાડાં ઊભાં થવાં, કંપારી, પીડા, કઠણતા, લૂખાશ, છિદ્ર કે પોલાણ થવાં, રંગ શ્યામ કે આછો ગુલાબી થવો, મુખસ્વાદ તૂરો થવો, શરીર સુકાવું, સ્પર્શજ્ઞાન ન થવું, અંગનો સંકોચ કે જકડાટ, લૂલાપણું અને કોઈ પણ અંગની ક્રિયાનો નાશ થવો, શરીર કાળું પડે, અંગો ફરકે, વાણી કઠોર થાય, ઊંઘ ઘટી જાય, અશક્તિ થાય, ઝાડો કઠણ થાય, કબજિયાત તથા આફરો થાય, ચક્કર આવે, વધુ બકવાશ (પ્રલાપ), દીનતા કે ગ્લાનિ થાય, ઇંદ્રિયો બરાબર કામો ન કરી શકે જેવાં લક્ષણો વાયુદોષ વધવાથી થાય છે. વાયુદોષ ક્ષય પામે (ઘટે) તો અંગોની ક્રિયા શિથિલ થાય, ઓછું બોલાય, અંગ જકડાય, આનંદ ન થાય, સ્પર્શજ્ઞાન ન થાય; શરીર ઠંડું, ભારે ને શિથિલ લાગે; તંદ્રા, ઊંઘ, આળસ ને અગ્નિમાંદ્ય અનુભવાય. આયુર્વેદમાં વાયુદોષના 80 પ્રકારના નાનામોટા વ્યાધિઓ બતાવેલ છે.
ચિકિત્સા : આયુર્વેદમાં સંશોધન અને સંશમન – એ બે જાતની ચિકિત્સા બતાવી છે. વાયુદોષ કે વાતવ્યાધિમાં તેલ-માલિસ, બાફ લેવો અને તેલની ઍનિમા (બસ્તિ) એ ઉત્તમ સંશોધન-ચિકિત્સા છે. સંશમન-ચિકિત્સામાં સંખ્યાબંધ ઔષધો છે; પરંતુ દિવેલ-એરંડો, વાયવરણો, અશ્વગંધા, ગોખરુ, ગૂગળ, નગોડ, રાસ્ના, ભોંયરીંગણી, અઘેડો, આકડો જેવી વનસ્પતિઓ અને આદું, સરગવો, મેથી, રીંગણાં, લસણ, કળથી, અડદ, દિવેલ, તલનું તેલ જેવી ખાદ્ય ચીજો ખાસ વાતરોગનાશક ગણાય છે. શાસ્ત્રોક્ત ઔષધોમાં દશમૂળ ક્વાથ, મહારાસ્નાદિ ક્વાથ, દેવદાર્વ્યાદિ કવાથ, દશમૂલારિષ્ટ, અશ્વ-ગંધારિષ્ટ, બલારિષ્ટ, મૃતસંજીવની સુરા, દ્રાક્ષાસવ; વાતવિધ્વંસ રસ, બૃહદ વાતચિંતામણિ રસ, મહાયોગરાજ ગૂગળ, સિંહનાદ ગૂગળ, લશૂનાદિવટી, અશ્વગંધા ચૂર્ણ, હિંગ્વાષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ; શિવાક્ષારપાચન ચૂર્ણ, એરંડભૃષ્ટ હરિતકી ચૂર્ણ; માલિસ માટે મહાનારાયણ તેલ, દશમૂલ કે નિર્ગુડીતેલ, પંચગુણ તેલ, ક્ષીર બલા તેલ, મહામાષ તેલ, વિષગર્ભ તેલ, સૈંધવાદિ તેલ વગેરે દર્દીના દર્દના પ્રકાર, વય, ઋતુ, બળાબળ વગેરે જોઈને વૈદ્યો યોજે છે. પરેજી : વાતવ્યાધિનાં દર્દોમાં દર્દીએ મધુર, ખાટું, ખારું; ઘી, તેલ, દૂધ, માખણ, સૂકો મેવો, ફળો વગેરે ખાસ લેવાં. આ રોગોમાં પચે તે મુજબ ભારે, ઊના અને મધુર પદાર્થો લેવા; પરંતુ કડવું, તૂરું, તીખું, લૂખું, ઠંડું, વાસી અને તેલ-ઘી વિનાનું ભોજન ખાસ ન કરવું. આરામ અને ઊંઘ પ્રમાણસર લેવાં જોઈએ.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા