વાણિયા, રામજીભાઈ દેશાભાઈ

January, 2005

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત કરી.

એક નાનકડો બાળક કે જે રાજકોટના જ્યૂબિલી ગાર્ડનમાં આવેલ લેંગ લાઇબ્રેરીમાં બૂટપોલિશ કરતાં કરતાં, પુસ્તકોની લારીમાંથી પુસ્તકો ભાડે લઈને વાંચનશોખને પોષતો અને આ બૂટપોલિશની મહેનતની કમાણી મૂંગી ફિલ્મો જોવા ખર્ચ કરતો, એને સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આ પડદા પર એક દિવસ તેનું પણ નામ આવશે. માત્ર 17 વર્ષની વયે યુવતીનું પાત્ર ભજવીને રામજી વાણિયાએ નાટ્યક્ષેત્રે પદાર્પણ કર્યું. એટલે કે બાળપણથી જ એમને નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ હતી. બાદમાં ભવાઈ, લોકમેળા અને મંડળીઓનાં માધ્યમો દ્વારા અભિનય તરફ એમનાં પગરણ થયાં અને ત્યારબાદ નાટ્યલેખનક્ષેત્રે પણ જોડાયા.

અમુક સમય માટે રામજીભાઈને પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટર્સ સાથે જોડાઈને નાટકનાં વિવિધ પાસાંઓ( જેવાં કે મેકઅપ, પ્રકાશ, સંગીત, પાત્રાલેખન)ની બારીકી જાણવાનો અવસર પણ મળ્યો. અહીં પૃથ્વી થિયેટર્સમાં શૌકત આઝમી જેવાં દિગ્ગજ અભિનેત્રી પાસેથી ઉર્દૂ શબ્દોના શુદ્ધ ઉચ્ચારણ અને આરોહઅવરોહ શીખ્યા. પૃથ્વી થિયેટર્સનાં નાટકો લઈને પ્રવાસ પણ કર્યા. જોકે ફરી જશવંત ઠાકર જેવા નાટ્યમહર્ષિના આગ્રહથી રાજકોટ પરત ફર્યા અને રાજકોટને જ કર્મભૂમિ બનાવી.

રામજીભાઈ થોડો સમય અમદાવાદ પણ રહ્યા અને જયશંકર સુંદરી, પ્રાણસુખ નાયક, દીના પાઠક જેવાં નાટ્યકારોના સાંનિધ્યમાં નાટ્યકલાના પાઠ ભણ્યા.

રામજીભાઈ દેશાભાઈ વાણિયા

નાટ્યવિદ માર્કંડ ભટ્ટના આમંત્રણને માન આપી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં જોડાયા અને નાટ્યશિક્ષણની તાલીમના ભાગ રૂપે રામજીભાઈની કલમ દ્વારા લોકપ્રિય નાટક ‘શેતલને કાંઠે’ સર્જાયું. આ નાટકની જબરદસ્ત સફળતાને પગલે રામજીભાઈએ સૌરાષ્ટ્રની લોકકથાઓ અને લોકસંગીત આધારિત ઘણાં સફળ નાટકો આપણને આપ્યાં. એમનાં કેટલાંક સુપરહિટ નાટકોમાં મેઘાણીજી સંપાદિત ‘ વસુંધરાનાં વહાલાં દવલા’ , ‘ધન્ય સૌરાષ્ટ્રની ધરણી’ કે જે બાદમાં રેડિયો નાટક સ્વરૂપે આકાશવાણીના રાષ્ટ્રીય પ્રસારણમાં સ્થાન પામીને પ્રથમ પારિતોષક જીતવામાં પણ સફળ થયું. રામજીભાઈના એક વધુ જાણીતા સર્જન કે જેણે રાષ્ટ્રીય સ્તરે નામ કર્યું એમાં ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડા’ નો સમાવેશ થાય છે . બહુ જ જાણીતું નાટક ‘મોતી વેરાણાં ચોકમાં’ કે જે આઈએનટી દ્વારા નિર્મિત અને સરિતા જોશી દ્વારા અભિનીત એવા આ નાટક દ્વારા રામજીભાઈને રાષ્ટ્રીય સ્તરે એક ઓળખ મળી. રંગમંચની સાથે રામજીભાઈ આકાશવાણી, રાજકોટ સાથે સતત સંકળાયેલા રહ્યા અને અસંખ્ય રેડિયોનાટકો અને રેડિયોરૂપકોનું સર્જન કર્યું. આકાશવાણી રાજકોટે લોકસાહિત્ય, લોકસંગીત, સંગીતરૂપક અને નાટકના ક્ષેત્રે જે યશોદાયી કામગીરી કરી છે તેમાં રામજી વાણિયા જેવા જાણતલ અને મર્મ સમજનારા સર્જકનું નોંધપાત્ર યોગદાન છે એ સ્વીકારવું જ પડે.

રામજીભાઈના જીવનમાં એક નવો વળાંક આવ્યો જ્યારે તેમને ગુજરાતી ફિલ્મ ‘રાણકદેવી’ના કથા, પટકથા , સંવાદ લખવા માટે મુંબઈનું આમંત્રણ મળ્યું. રામજી વાણિયા લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાતી ફિલ્મજગત સાથે સંકળાયેલા રહ્યા અને ‘ગંગા સતી’, ‘સંત રોહીદાસ’, ‘લાખા લોયણ’, ‘ગોરા કુંભાર’, ‘ગોમતીની સાખે’, ‘વેરની વસૂલાત’ જેવી લગભગ 50 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં તેમણે પટકથાસંવાદ લખ્યાં. ‘મેના ગુર્જરી’, ‘વાલી ભરવાડણ’, ‘ઢોલામારુ’ જેવી ફિલ્મોના પટકથા – સંવાદલેખન માટે રામજીભાઈને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પણ મળ્યો. રામજીભાઈ લોક સંસ્કૃતિ અને લોકજીવનને નજીકથી જાણતા એ કારણે તળપદા લોકના ભાવ, સ્વભાવ, પ્રભાવ, ભાષા, મિજાજ, બોલી, લહેકા રામજીભાઈની કલમમાં આબેહૂબ ઝિલાયાં છે અને તેથી જ તે અસરકારક અને ચોટદાર બની રહે છે.

રામજીભાઈ એક સારા લોકપ્રિય લેખક ઉપરાંત સંવેદનશીલ કવિ પણ હતા. તેમણે લખેલ નાટકો રૂપકોમાં આવતાં ગીત, ગઝલ, ભજન, કવિતા વગેરે તેઓ સ્વયં લખતા.

રામજીભાઈને તેમના ‘સ્વપ્ન શિલ્પ’ નાટક માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને સમગ્ર સર્જન માટે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ.

1972થી ગુજરાતી સિનેઉદ્યોગ સાથે જોડાયા અને પટકથા, સંવાદનું લેખન કર્યું, તેમાંનાં ‘લાખા લોયણ’, ‘વાલી ભરવાડણ’ તથા ‘સાજણને સથવારે’ ચિત્રપટોને પારિતોષિક મળ્યાં છે.

નાટ્યકલા-ક્ષેત્રે તેમના પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી તેમને 1995-96ના વર્ષનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

બળદેવભાઈ કનીજિયા

ત્રિલોક સંઘાણી